વાઇસ ચેરમેન તરીકે કાંતિ સોઢા પરમારની કરાઇ નિયુક્તી
એશિયાની સૌથી મોટી એવી અમૂલ ડેરીના ચેરમેન થતા વાઇસ ચેરમેનની અઢી વર્ષની ટર્મ માટે નિયુક્તી કરવા આજે સવારે ચૂંટણી યોજવામાં આવી હતી. જેમાં ચેરમેનનો તાજ વિપુલભાઇ પટેલના શિરે મૂકવામાં આવ્યો છે. જ્યારે વાઇસ ચેરમેન તરીકે કાંતિ સોઢા પરમારની નિયુક્તી કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. તાજેતરમાં અમૂલ ડેરીના પાંચ ડિરેક્ટરોએ કોંગ્રેસનો સાથ છોડી ભાજપનો કેસરિયો ખેસ ધારણ કરી લીધો હતો. અમૂલ ડેરી પર હવે કમળનો કબ્જો થઇ ગયો છે.
ગઇકાલે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા તમામ 12 ડિરેક્ટરોની સેન્સ લેવામાં આવી હતી. જેમાં ચેરમેન પદે કોને નિયુક્ત કરવા તે અંગે સૂચન પણ લેવાયાં હતાં. દરમિયાન આજે સવારે 11 કલાકે અમૂલ ડેરી ખાતે ચેરમેન અને વાઇસ ચેરમેનની વરણી કરવા માટે પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં ખેડા જિલ્લા ભાજપના પ્રમુખ અને નડિયાદ માર્કેટીંગ યાર્ડના ચેરમેન વિપુલભાઇ પટેલની અમૂલ ડેરીના નવા ચેરમેન તરીકે નિયુક્તી કરવામાં આવી છે. જ્યારે વાઇસ ચેરમેન તરીકે કાંતિ સોઢા પરમારની પસંદગી કરવામાં આવી હતી.
નવ નિયુક્ત હોદ્ેદારોને ડેરીના ડિરેક્ટરો અને ભાજપના સંગઠનના હોદ્ેદારોએ અભિનંદન પાઠવ્યા છે. આ સાથે અમૂલ ડેરીમાં છેલ્લા બે દાયકાથી ચાલતું રામસિંહ પરમારના એક હથ્થુ શાસનનો અંત આવી ગયો છે.