જામનગરના સાધના કોલોનીમાં રહેતા એક વિપ્ર યુવાને સોમવારે ઝેરી દવા પી આત્મહત્યાની કોશિષ કર્યા પછી તે પ્રયત્ન વિફળ રહેતા ગઈકાલે ફરીથી વિષપાન કર્યું હતું જેમાં તેઓનું સારવાર મળે તે પહેલા મૃત્યુ નિપજ્યું છે. પોલીસે આત્મહત્યા માટે બે-બે વખત કોશિષ કરનાર યુવાન ક્યા સંજોગોમાં આપઘાત માટે પ્રેરાયો તે કારણની તપાસ શરૃ કરી છે. જ્યારે પુત્રને વીડિયો ગેમની કેસેટ લાવી દેવાની પત્ની સાથે બોલાચાલી થતા યુવાને ઝેરી દવા પી મોતને મીઠું કરી લેતા ચકચાર જાગી છે.

જામનગરના રણજીતસાગર રોડ પર આવેલી સાધના કોલોનીમાં એલ/૬ નંબરના બ્લોકના રૃમ નં.૨૩૦૬માં વસવાટ કરતા કિશનભાઈ ભરતભાઈ સાતા નામના પચ્ચીસ વર્ષના વિપ્ર યુવાને ગુરૃવારે બપોરે પોતાના બ્લોકની અગાશીમાં જઈ કોઈ ઝેરી દવા ગટગટાવી લીધી હતી તેની અસર થઈ જવાથી કિશનભાઈને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવા માટે ૧૦૮ને બોલાવવામાં આવી હતી. દોડી આવેલી એમ્બ્યુલન્સમાં આવેલા તબીબે આ યુવાનને મૃત્યુ પામેલા જાહેર કરતા કિશનભાઈના માતા જયશ્રીબેન ભરતભાઈ સાતાએ પોલીસને જાણ કરી હતી. દોડી આવેલા પોલીસ કાફલાએ કિશનભાઈના મૃતદેહનો કબજો સંભાળી પી.એમ. માટે ખસેડયો હતો અને માતાનું નિવેદન નોંધ્યું હતું.

નિવેદનમાં જાણવા મળ્યા મુજબ કિશનભાઈએ ગયા સોમવારે રાત્રે સાડા અગિયારેક વાગ્યે પોતાના બ્લોકની અગાશીમાં જઈ અકળ કારણસર મરી જવા માટે કઠોર નિર્ણય કરી ઝેરી દવા પી લીધી હતી તેની તાત્કાલિક જાણ થઈ જતાં સાતા પરિવારે કિશનભાઈને જી.જી. હોસ્પિટલમાં ખસેડયા હતા જ્યાં તેઓને સારવાર આપવામાં આવી હતી. હોસ્પિટલમાં ઈન્ડોર પેશન્ટ તરીકે રાખવામાં આવેલા કિશનભાઈ મંગળવારે ઘેર આવતા રહ્યા હતા ત્યાર પછી ગઈકાલે ગુરૃવારે તેઓએ ફરીથી દવા પીધી હતી અને આત્મહત્યાના બીજા પ્રયાસમાં કમનસીબે તેઓ મૃત્યુને વર્યા હતા. પોલીસે આ યુવાનની આત્મહત્યા પાછળની આટલી પ્રબળ ઈચ્છા અંગે જાણકારી મેળવવા તજવીજ ધરી છે.

જામનગરના જોગર્સ પાર્ક વિસ્તારમાં આવેલા આદર્શ એપાર્ટમેન્ટમાં વસવાટ કરતા અને ખાનગી કંપનીમાં નોકરી કરતા સંદીપભાઈ પ્રભાકરભાઈ જોષી (ઉ.વ.૪૫) નામના યુવાન ગયા રવિવારે બજારમાં ખરીદી કરવા ગયા હતા ત્યારે તેઓએ પોતાના પુત્ર માટે વીડિયો ગેમ્સની એક કેસેટની ખરીદી કરી હતી.

ત્યાર પછી આ કેસેટ તેઓએ પોતાના પુત્રને આપતા તેઓના પત્ની સુરભીબેન (ઉ.વ.૩૮) સાથે સંદીપભાઈને બોલાચાલી થઈ હતી. આથી માઠું લાગી આવતા રવિવારની સવારે જ સંદીપભાઈએ કોઈ ઝેરી દવા પી લીધી હતી તેઓને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા પછી ગઈકાલે તેઓનું મૃત્યુ નિપજ્યું છે. જમાદાર ફિરોઝ દલે સુરભીબેનનું નિવેદન નોંધી મૃતદેહનું પી.એમ. કરાવ્યું છે. પુત્રને ગેમની કેસેટ લાવી આપવા જેવી સામાન્ય બાબતે પતિ-પત્ની વચ્ચે બોલાચાલી થયા પછી પિતાએ આત્મહત્યા વ્હોરતા એક પુત્ર અને એક પુત્રીએ પિતાની છત્રછાયા ગૂમાવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.