‘વિપશ્યના વિદ્યા સર્વથા સંપ્રદાય વિહીન એક પ્રયોગાત્મક વિદ્યા છે.’
આ વિશ્વમાં અનેક પ્રકારે ધ્યાનની સાધના કરવામાં આવે છે.અનેક પૂર્વસુરીઓએ ધ્યાન બાબતે પોતાના સ્વાનુભવ દ્વારા સમાજને ધ્યાન બાબતનું માર્ગદર્શન આપ્યું છે.વિવેકાનંદજીએ પણ ધ્યાન સાધનાનું મહત્વ અને પરિણામો વિશે ઘણું સમજાવ્યું છે.ઘણી બધી સંસ્થાઓ પણ ધ્યાન વિધિ અંગેની શિબિરો કરતા હોય છે.બ્રહ્માકુમારી વિશ્વવિદ્યાલય,શ્રી શ્રી રવિશંકરજીના આર્ટ ઓફ લિવિંગ,શિવ કૃપાનંદ સ્વામી(બાબા સ્વામી)ના સમર્પણ ધ્યાન યોગ સાધના વગેરે દ્વારા સાધકોને ધ્યાનની સમજણ આપવામાં આવી રહી છે.કોઈને કોઈ પ્રકારે લોકોએ ધ્યાન સાધનામાં જોડાવું જોઈએ.આજે સમગ્ર વિશ્વમાં અશાંતિ, અજંપો, અરાજકતા, નિરાશા, ઉદ્વેગથી લોકો પીડાય છે.આ તમામ સમસ્યાઓનો ઉકેલ માત્ર ધ્યાન જ છે.વિપશ્યના લગભગ 2600 વર્ષ પૂર્વે ગૌતમ બુદ્ધે ફરીથી શોધી કાઢેલી દુનિયાની સૌથી પ્રાચીન ધ્યાન વિધિ છે.’પશ્ય’ એટલે ખુલ્લી આંખથી જોવું અને ’વિપશ્યના’ એટલે જે જેવું છે,તેને સાચા સ્વરૂપમાં જોવું,અનુભવવું.વિપશ્યનાને અંગ્રેજીમાં ’ઈંક્ષતશલવિં ખયમશફિંશિંજ્ઞક્ષ’ પણ કહેવામાં આવે છે.
ગૌતમ બુદ્ધના શાસનકાળના 45 વર્ષોમાં જે પદ્ધતિનો અભ્યાસ પોતે કર્યો અને લોકોને કરાવ્યો,તે પદ્ધતિનો સાર એટલે વિપશ્યના.ભગવાન બુદ્ધના સમયમાં મોટી સંખ્યામાં ભારતના લોકોએ વિપશ્યનાના અભ્યાસ વડે પોતાના દુ:ખોમાંથી મુક્તિ મેળવી,તેમજ જીવનના અનેક ક્ષેત્રોમાં ઘણી ઉન્નતિ સાધી.સમય જતાં આ ધ્યાન વિધિ ભારતના પડોશી દેશો બર્મા,શ્રીલંકા,થાઈલેન્ડ વગેરે દેશોમાં ફેલાઈ અને ત્યાં પણ વિપશ્યનાના કલ્યાણકારી પરિણામો જોવા મળ્યાં.ભગવાન બુદ્ધના પરિનિર્વાણના 500 વર્ષ પછી વિપશ્યનાની કલ્યાણકારી વિધિનું ભારતમાંથી અસ્તિત્વ જ ભૂંસાઈ ગયું.બીજા દેશોમાં પણ આ વિધિની શુદ્ધતા ન જળવાઈ.ફક્ત બર્મામાં આ વિધિ પ્રત્યે સમર્પિત આચાર્યોની સળંગ શૃંખલાને કારણે વિપશ્યના પોતાના શુદ્ધ સ્વરૂપમાં કાયમ રહી શકી.છેલ્લાં 2000 વર્ષોમાં ત્યાંના નિષ્ઠાવાન આચાર્યોની પરંપરાએ પેઢી – દર – પેઢી આ ધ્યાન વિધિને તેના મૂળ સ્વરૂપમાં સાચવી રાખી.આ પરંપરાના પ્રસિદ્ધ આચાર્ય ’સયાજી ઊ બા ખિ’ને લોકોને વિપશ્યનાનું પ્રશિક્ષણ આપવાનો અધિકાર 1969 માં સત્યનારાયણ ગોયંકાજીને આપ્યો.વિશ્વના 140 દેશોમાં વિપશ્યના કેન્દ્રોમાં 1 લાખ જેટલા સાધકો આ શિબિરમાં સામેલ થાય છે.આ શિબિર શરૂઆતમાં દસ દિવસની થતી હતી.પરંતુ હવે 20,30,45 અને 60 દિવસની શિબિરો પણ થાય છે.ભગવાન ગૌતમ બુદ્ધ દ્વારા શોધાયેલ વિપશ્યના વિદ્યા સર્વથા સંપ્રદાય વિહીન એક પ્રયોગાત્મક વિદ્યા છે.જેમાં પોતાની ભીતરની સચ્ચાઈનું દર્શન કરતા રહીને પોતાના મનને નિર્મળ બનાવવું તથા ઋત એટલે કે પ્રકૃતિના નિયમ અનુસાર આચરણ કરવાનો અભ્યાસ કરવામાં આવે છે.તેને જ ધર્મ કહે છે.સમયાંતરે આપણે ધર્મ શબ્દનો સાચો અર્થ ભૂલી ગયા અને સંપ્રદાયને જ ધર્મ માનવા લાગ્યા.આજે જ્યારે ધર્મના નામ પર ચારે બાજુ આટલી અરાજકતા ફેલાયેલી છે,ત્યારે આ સંપ્રદાયિકતા વિહીન વિદ્યા ઘોર અંધકારમાં દીવાદાંડી સમાન છે.
આ શિબિર દરમિયાન સાધકોએ શિબિર સ્થળ પર જ રહેવાનું હોય છે અને બહારની દુનિયાથી સંપર્ક તોડવાનો હોય છે.સાધકે વાંચવા – લખવાથી વિરત રહેવાનું હોય છે અને પોતાના ધાર્મિક અનુષ્ઠાનો તથા ક્રિયાકાંડો દસ દિવસ માટે બંધ રાખવા પડે છે.દૈનિક કાર્યક્રમ એવો હોય છે કે,દસ દિવસમાં બધું મળીને લગભગ દસ કલાક બેઠાં બેઠાં ધ્યાન કરવાનું હોય છે.તેઓએ મૌનનું પણ પાલન કરવાનું હોય છે,એટલે કે અન્ય સાધકો સાથે વાતચીત નહીં કરવાની.સંપૂર્ણ આર્ય મૌન પાળવાનું અર્થાત્ ઈશારા કે સંકેતથી પણ વાત નહીં કરવાની.જરૂર પડ્યે પોતાના આચાર્ય સાથે સાધના સંબંધી પ્રશ્નો માટે અને વ્યવસ્થાપકોની સાથે પોતાની આવશ્યકતાઓ માટે જરૂર પૂરતી વાતચીત કરી શકાય છે.
પ્રશિક્ષણના ત્રણ સોપાન હોય છે: પહેલું સોપાન:સાધકે હાનિ થતી હોય તેવા કાર્યોથી દૂર રહેવાનું.તેના માટે ’પંચશીલ’ પાળવાનું વ્રત લેવાનું રહે છે,એટલે કે જીવ હિંસા,ચોરી,ખોટું બોલવું,અબ્રહ્મચર્ય તથા માદક પદાર્થોનું સેવન,આ પાંચેય વસ્તુથી વિરત – દૂર રહેવું.આ શિલોનું પાલન કરવાથી મન એટલું શાંત થઈ જાય છે કે,આગળનું કામ કરવું સરળ થઈ જાય છે.
બીજું સોપાન: પહેલા સાડા ત્રણ દિવસ સુધી પોતાના શ્વાસ પર મન કેન્દ્રિત કરી આનાપાન નામની સાધનાનો અભ્યાસ કરવાનો હોય છે.જેથી આપણાં ચંચળ મનને વશમાં કરવાનું સહેલું બની જાય છે.શુદ્ધ જીવન જીવવું અને મનને વશમાં રાખવું એ બંને જરૂરી છે અને લાભદાયક પણ છે.
ત્રીજું સોપાન: અંતરમનના ઊંડાણમાં દબાયેલા વિકારોને દૂર કરી મનને નિર્મળ બનાવી લેવું.આ ત્રીજું સોપાન શિબિરના બાકીના સાડા છ દિવસો સુધી વિપશ્યનાના અભ્યાસના રૂપમાં હોય છે.આ દિવસો દરમિયાન સાધક પોતાની પ્રજ્ઞા જગાડીને પોતાના સમગ્ર કાયિક અને ચૈતસિક સ્કંધોનું ભેદન કરી શકે છે.સાધકોને દિવસમાં સમય સમય પર સૂચનાઓ આપવામાં આવે છે અને પ્રત્યેક દિવસ વીતવાની જાણ શ્રી ગોયંકાજીની વાણીમાં ટેપ પર સાંજના પ્રવચનના રૂપમાં કરવામાં આવે છે.પ્રથમ નવ દિવસ પૂર્ણ મૌનનું પાલન કરવાનું હોય છે.દસમા દિવસે સાધક બોલવાનું શરૂ કરે છે,તેથી તે ફરી બહિર્મુખી થઈ જાય છે.શિબિર 11મા દિવસે સવારે પૂર્ણ થાય છે.શિબિર ની પૂર્ણાહૂતિ મંગળમૈત્રીથી કરવામાં આવે છે.મંગળમૈત્રી દરમિયાન શિબિરમાં અર્જિત કરેલા પુણ્યમાં સૌને ભાગીદાર બનાવવામાં આવે છે.
ભારતમાં જેલોમાં પણ ઘણા પ્રયત્નો કરવામાં આવ્યા છે.1975 માં શ્રી ગોયંકાજીએ જયપુરની સેન્ટ્રલ જેલમાં 120 કેદીઓની એક ઐતિહાસિક શિબિર લીધી હતી.ભારતની ’દંડવ્યવસ્થા’ના ઇતિહાસમાં આવો પ્રયોગ પહેલી જ વાર થયો.એ પછી 1976 માં રાજસ્થાન પોલીસ એકેડેમી જયપુરના પોલીસ વિભાગના અધિકારીઓ માટે શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.1991માં સાબરમતી સેન્ટ્રલ જેલ,અમદાવાદમાં પણ જન્મટીપ પામેલા કેદીઓ માટે શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.જેને ગુજરાત વિદ્યાપીઠના શૈક્ષણિક ખાતાએ રિસર્ચનો વિષય બનાવ્યો હતો.તે જ રીતે 1992માં વડોદરાની સેન્ટ્રલ જેલમાં પણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.જેનું પ્રસારણ દૂરદર્શને કર્યું હતું. વિદ્યાર્થીઓમાં પણ શિસ્ત તથા સદાચાર ફક્ત પુસ્તકિયા જ્ઞાનના આધારે નથી લાવી શકાતા.કેવળ દંડના ભયથી જ અપરાધી સારા નાગરિકો નથી બની શકતા.ન તો દંડની માપપટ્ટી અપનાવીને સામાજિક ફાટફૂટ દૂર કરી શકાય.આવા કરેલા પ્રયત્નોની નિષ્ફળતાથી ઇતિહાસ ભર્યો પડ્યો છે.આવા પ્રયત્નોને બદલે વિપશ્યના સાધના દ્વારા હકારાત્મક પરિણામો આવ્યાના ઘણા પ્રસંગો છે. વિશ્વભરમાં વિપશ્યના સાધનાનું પ્રશિક્ષણ નિ:શુલ્ક આપવામાં આવે છે.તેના સંચાલનનો સંપૂર્ણ ખર્ચ સાધકો દ્વારા અપાયેલ સ્વૈરિછક દાનથી જ ચાલે છે.આ સાધકોએ પહેલા કોઈ એક શિબિરમાં ભાગ લઈ લાભ પામી ભવિષ્યમાં અન્ય સાધકો લાભ પામે એ ભાવનાથી દાન આપ્યું હોય છે.એક પણ શિબિર કરી ન હોય તેવા દાતાશ્રીનું દાન સ્વીકારવામાં આવતું નથી.
(ક્રમશ:) સંદર્ભ: વિપશ્યના પરિચય