દર્દી ભેગા જાવ અને બિમાર થાવ એવી સરકારની નવી કાર્યપઘ્ધતિ: કોંગ્રેસનો પ્રહાર
જયાં લોકો દર્દ મટાડવા માટે જતા હોય છે તે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં જાણે સાજા માણસોને માંદા કરવાની વીઆઈપી ટ્રીટમેન્ટ ચાલી રહી હોય તેવું લાગી રહ્યું છે. વરસાદ બાદ પણ સિવિલમાં આજે ખુલ્લી ગટરો અને સેલરમાંથી પાણી ઉભરાય રહ્યા છે જેનાં કારણે મચ્છરનો ઉપદ્રવ વઘ્યો છે. દર્દી ભેગા જાવ અને બિમાર થાવ તેવી સરકારની કાર્યપઘ્ધતિ હોય તેવું લાગી રહ્યું છે તેવો આક્ષેપ વિપક્ષી નેતા વશરામભાઈ સાગઠીયાએ કર્યો છે.
તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, સિવિલ હોસ્પિટલ જાણે મચ્છર પેદા કરવાની ફેકટરી બની ગયું હોય તેમ લાગે છે. રાજકોટમાં છેલ્લા ૯ માસમાં ડેન્ગ્યુનાં ૧૯૩ અને મેલેરિયાનાં ૧૬૫ કેસો નોંધાયા છે પરંતુ કોર્પોરેશન સાચા આંકડા જાહેર કરતું નથી. જયાં દર્દી સારા થવાની આશા સાથે જતો હોય છે તે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ઠેર-ઠેર ગંદકીનાં ગંજ જોવા મળી રહ્યા છે. ગટરનાં ગંધાતા પાણીથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે છતાં શાસકો કુંભકર્ણની નિંદ્રામાંથી બહાર આવતા નથી. સ્માર્ટ સિટીની વાતો વચ્ચે આરોગ્યલક્ષી કામગીરી સાવ ખાડે ગઈ છે. સેલરમાંથી છોડાતા પાણીથી શહેરભરમાં મચ્છરોનો ઉપદ્રવ વઘ્યો છે અને ઘેર-ઘેર માંદગીનાં ખાટલા પડયા છે. જે લોકો સેલરનાં પાણી રોડ પર છોડે છે તેની સામે મહાપાલિકાનાં ઈજનેરો કોઈ પગલા લેતા નથી.
રાજકોટના પ્રાણપ્રશ્ર્ને મૂખ્યમંત્રી પાસે મળવાનો સમય માંગતા વિપક્ષી નેતા
રાજકોટ મહાનગરપાલિકાના વિરોધપક્ષના નેતા વશરામભાઈ સાગઠીયા દ્વારા આજરોજ રાજકોટના કલેકટર પાસે મુખ્યમંત્રીને મળવાનો સમય મેળવી આપવા અંગેની રજૂઆત કરવામાં આવેલ છે. વધુમાં જણાવ્યું છે કે રાજકોટ મહાનગરપાલિકાના કોંગ્રેસ પક્ષના કોર્પોરેટરઓએ ગુજરાતના માનનીય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને રાજકોટના લોકોના પ્રાણ પ્રશ્નોની રૂબરૂ રજૂઆત કરવા માટે મળવાનું હોય તેમજ આગામી દશેરાના રોજ મુખ્યમંત્રી રાજકોટ આવતા હોય તે સમયે અમારે મુખ્યમંત્રીને રૂબરૂ મળી રાજકોટના લોકોના પ્રાણ પ્રશ્નોની ચર્ચા કરવા અંગે રાજકોટ મહાનગરપાલિકાના વિરોધપક્ષના નેતા વશરામભાઈ સાગઠીયાએ મુખ્યમંત્રીનો સમય મેળવી આપવા અંગેની રજૂઆત કરવામાં આવેલ છે.