શહેરના પોલીસ તંત્ર છેલ્લા કેટલાક સમયથી વ્યાજંકવાદ અંગે ખાસ ઝુંબેશ ચલાવી પિડીતોની વ્હારે આવી છે. ત્યારે પોલીસની મીઠી નજર હેઠળ કે પછી પોલીસની બાજ નજર બહાર શહેરના પાંચ સ્થળે જુગાર કલબ શરુ થયાનું પ્રકાશમાં આવ્યું છે.  જુગાર રમાડી મોટી કમાણી કરતા પાંચેય શખ્સો પોલીસ પોતાના ખિસ્સામાં હોવાનું માની રહ્યા છે. અથવા પોલીસને ગમે ત્યારે ખરીદી શકવાની ક્ષમતા ધરાવતા શખ્સો દ્વારા શરુ કરાયેલા જુગારધામનું સંચાલન પણ મોટા ગજાના શખ્સો કરી રહ્યા છે. એટલું જ નહી જુગાર કલબમાં આવતા ખેલીઓને વીઆઇપી સગવડ પુરી પાડવામાં આવી રહી છે. પોલીસે વ્યાજખોરો સામે કરેલી કડક કાર્યવાહીની જેમ જુગારના ધંધાર્થીઓ પર ધોસ બોલાવી પોતાની મીઠી નજર ન હોવાનું સાબીત કરવાનો સમય થયો છે.

મોટા મવા ખાતેની હોટલ, સૌરાષ્ટ્ર યુનિર્વસિટી વિસ્તારના ફલેટ, દુધની ડેરી, રેલનગર અને સંત કબીર રોડ પર જુગારધામનો ધમધમાટ

અઢી અક્ષરના ઉલામણા નામથી જાણીતા અને ધન વર્ષા કરી પોતાની આગવી ઓળખ બનાવનાર ધન રાશીના જાતકે કેટલાક સમયથી મોટા મવા વિસ્તારમાં આવેલી નામાંકિત હોટલનો ચોક્કસ નંબરનો રુમ કાયમ માટે બુક કરાવી જુગાર રમાડવાનું શરુ કર્યુ છે. આ જુગાર કલબનું સંચાલન પણ મોટી હસ્તીઓ કરી રહી છે. આમ છતાં પોલીસની બાજ નજરે કેમ આ જુગાર કલબ ન આવી તે પણ એક આશ્ર્ચર્ય પમાડે તેવો સવાલ  છે.

જ્યારે સૌરાષ્ટ્ર યુનિર્વસિટી વિસ્તારમાં પણ એક જુગાર કલબ બે નામચીન શખ્સોએ ભાગીદારીમાં શરુ કરી છે. મિત્રના ફલેટમાં રમાતા જુગારધામમાં સંચાલક પૈકી એક શખ્સ તાજેતરમાં જ કોર્પોરેશનની ચૂંટણી લડયો હતો અને હમેશા નશો કરેલી હાલતમાં જોવા મળે છે. તેને પોતાના મિત્ર સાથે ભાગીદારીમાં યુનિર્વસિટી નજીકના ફલેટમાં અને નાના મવા ખાતેના મોકાજી સર્કલ પાસે એક ઓફિસમાં જુગાર રમાડી રહ્યા છે. બંને મિત્ર જુગાર કલબના ધંધામાં ફસાય ત્યારે મોટા મવાની જુગાર કલબ ચલાવતા શખ્સની મદદ લેવામાં આવે છે.

આ ઉપરાંત દુધની ડેરી પાસે, રેલનગર અને સંત કબીર રોડ પર પણ છાને ખૂણે જુગારના હાટડા શરુ થયા છે.

શહેર પોલીસે વ્યાજના ધંધાર્થી અને દારુના ધંધાર્થીઓ પર ધોસ બોલાવી તેમ નામચીન જુગારના ધંધાર્થીઓની જુગાર કલબ બંધ કરાવવી જરુરી છે. પોલીસ દ્વારા જુગારના સામાન્ય કેસ કરી મોટા ગજાના જુગાર કલબના સંચાલક સામે ઘુમ્મટો કેમ તાણી લીધો છે તેવો સવાલ થઇ રહ્યો છે. સુત્રોના જણાવ્યા મુજબ મોટા મવા ખાતેની હોટલમાં ચાલતા જુગાર કલબ બે દિવસ હોટલમાં અને એક દિવસ વાડી વિસ્તારમાં રમાડવામાં આવે છે. જ્યારે સૌરાષ્ટ્ર યુનિર્વસિટી અને મોકાજી સર્કલ પાસે જુગાર કલબ ચલાવતા બે ભાગીદારોની એક જુગાર કલબ રાજસ્થાનમાં પણ ચાલતી હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.

પાંચેય જુગાર કલબમાં જુગાર રમવા આવતા પંટરોને વીઆઇપી સગવડ પુરી પાડવામાં આવી રહી છે. મોટા મવા ખાતેની જુગાર કલબ ઘણા લાંબા સમયથી ધમધમી રહી છે. તેમ છતાં કહેવાતી કડક છાપ પોલીસ કેમ અંધારામાં છે તેવી ચર્ચાએ ચકચાર જગાડી છે.  મંદિરમાં ચપ્પલ ચોરાય તો પણ પોલીસને બાતમી મળતી હોય તો આવડી મોટી વૈભવી હોટલમાં ચાલતી જુગાર કલબ પર કાર્યવાહી કરવામાં શુ પોલીસ જાણી જોઇને આંખ આડા કાન કરી રહી છે કે પછી ખરેખર અંધારામાં છે. જો પોલીસ અંધારામાં જ હોય તો જુગાર કલબ પર દરોડો પાડી જુગારના મોટા ગજાના ધંધાર્થી સામે કાર્યવાહી કરી બતાવે અથવા જુગાર કલબ બંધ કરાવી તેરી ભી ચુપ, મેરી ચુપ કરી દેવામાં આવશે તેમ જાણકારો કહી રહ્યા છે.

મદિરા પાનના શોખીન અને જુગારધામના સંચાલકે ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું’તું

શહેરમાં બેફામ થઈને જુગારધામ ચલાવતા અને મદિરા પાનના શોખીન શખ્સે આશરે દોઢથી બે વર્ષ પૂર્વે એક રાષ્ટ્રીય સ્તરના પક્ષના ચૂંટણી નિશાન પર ચૂંટણીજંગમાં ઝંપલાવ્યુ હતું. જો કે, ચૂંટણી જંગમાં આ શખ્સને ભૂંડી હારનો પણ સામનો કરવો પડ્યો હતો. જુગારધામનો સંચાલક મદિરા પાનનો અતિ શોખીન હોય તેવું પણ સૂત્રોએ જણાવ્યું છે. છાંટા પાણીનો દિવાનો દિવસ દરમિયાન પણ નશામાં ધૂત હોવાનું અવાર નવાર સામે આવ્યું છે. જેના પરિણામે શહેરના અનેક પોલીસ સ્ટેશનોમાં જુગારની સાથે પ્રોહીબિશનના ગુનામાં પણ આ શખ્સ ચોપડે ચડી ચુક્યો છે. સ્થાનિક રાજકારણમાં હાલ પોતાને ’કિંગ મેકર’ તરીકે ગણતા શખ્સના પણ ચાર હાથ હોવાનું મનાઈ રહ્યું છે. શહેરના નામાંકિત અને સતત ધમધમતા વિસ્તારોમાં જુગારધામ ચલાવી આ શખ્સો લોકોને લૂંટી રહ્યા છે અને અધૂરામાં પૂરું પોલીસની મીઠી નજર હેઠળ જ સમગ્ર કારસ્તાન રચવામાં આવતું હોય તેવું પણ જાણકારો કહી રહ્યા છે.

આલીશાન હોટેલનો રૂમ જુગાર કલબ માટે ‘ઓલ ટાઈમ બુક’!!

શહેરના મોટા મૌવા વિસ્તારની આલીશાન અને નામાંકિત હોટેલમાં જુગારધામ સતત ધમધમી રહ્યું હોય અને રાજકીય-સામાજિક ક્ષેત્રના અમુક આગેવાનો પણ અહીં ’નસીબ’ અજમાવવા અવાર નવાર આવતા હોય તેવું જાણવા મળ્યું છે.

નામાંકિત હોટેલનો એક રૂમ વર્ષના 365 દિવસ જુગાર માટે બુક જ રાખવામાં આવતો હોય અને કદાચ કોઈ દિવસે જુગાર રમવાનું ’મુહૂર્ત’ ન હોય તો પણ આ રૂમ કોઈને આપવામાં આવતો નથી.

આ રૂમને ઓલ ટાઈમ બુક જ રાખવામાં આવે છે જેથી ’ડબ્બા’ની માહિતી ’ડબ્બા’ની બહાર ન આવે પરંતુ આ વાત હવે વાયુવેગે પ્રસરી રહી છે.

 

પાકીટ ચોરીની સામાન્ય ઘટનાથી વાકેફ રહેનારી પોલીસ જુગારધામથી ‘અજ્ઞાત’?

બોલીવુડની ફિલ્મની સિંઘમમાં ડાયલોગ છે કે, ’મંદિરમાંથી ચોરાયેલા ચપ્પલ અને ચોર વિશે પણ પોલીસને બધી માહિતી હોય છે’. હવે જો આ ડાયલોગને રાજકોટ પોલીસના સંદર્ભમાં મૂલવવામાં આવે તો પછી ચપ્પલચોરીના ગુનેગાર વિશે બધું જ જાણતી પોલીસ શું આટલા મોટા પાયે ધમધમતા જુગારધામથી ’અજ્ઞાત’ હશે  કે કેમ? તે મોટો સવાલ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.