કોરોનાના કારણે ટ્રસ્ટે લીધો મહત્વનો નિર્ણય : ભાવિકોને રૂબરૂ આવવાને બદલે સોશિયલ મીડિયા ઉપર સોમનાથ મહાદેવના દર્શન કરવા ટ્રસ્ટની અપીલ
સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવતા કોરોના વાયરસનો પગપેસારો ગુજરાતમાં ન થાય તે માટે વિવિધ ધર્મસ્થળોએ પણ જરૂરી ફેરફારો કરવામાં આવ્યા છે. જેમાં સોમનાથ મહાદેવ મંદિરે વીઆઇપી દર્શન બંધ કરી દેવાયા છે. ઉપરાંત આરતી વખતે ભાવિકોને ઉભા રહેવા ઉપર પણ પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે. બીજી બાજુ ટ્રસ્ટે ભાવિકોને એવી જાહેર અપીલ પણ કરી છે કે રૂબરૂ દર્શનાર્થે આવવાને બદલે સોશિયલ મીડિયાના માધ્યમથી દર્શન કરવામાં આવે તે જનઆરોગ્ય માટે હિતાવહ રહે.
કોરોનાના કારણે સોમનાથમાં યાત્રિકોનો ઘટાડો જોવા મળી રહ્યો છે. અને મોટી સંખ્યામાં એડવાન્સ બુકીંગ કેન્સલ થયા હોવાનું પણ સામે આવ્યું છે. હાલ કોરોનાને કારણે સરકારે અનેક મહત્વના નિર્ણયો લીધા છે. સરકારે જાહેર સ્થળોએ મોટી સંખ્યામાં લોકોને એકત્રિત ન થવા અપીલ કરી છે. ત્યારે સોમનાથ ટ્રસ્ટે પણ આગળ આવીને જન આરોગ્યને ધ્યાને રાખીને જરૂરી ફેરફારો કર્યા છે. ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાના જણાવ્યા મુજબ મંદિરમાં વીઆઇપી દર્શન બંધ કરી દેવામાં આવ્યા છે. સાથોસાથ આરતી વેળાએ ભાવિકોને મંદિર પરિસરમાં ઉભા રહેવા માટે પણ પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે. ભાવિકોને માત્ર દર્શન કરીને નીકળી જવા અનુરોધ કરાયો છે. સાથે ચંદન અને ભસ્મ અડવાની પણ ટ્રસ્ટે મનાઈ કરી છે. બીજી તરફ ટ્રસ્ટે લાઇટ એન્ડ સાઉન્ડ શો પણ બંધ કરી દીધો છે. જેથી તેને નિહાળવા માટે મોટી જનમેદની એકત્રિત ન થાય.
વધુમાં ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ જાહેર અપીલ કરીને ભાવિકોને દર્શન માટે રૂબરૂ આવવાનું ટાળીને સોશિયલ મીડિયાના માધ્યમથી સોમનાથ મહાદેવના દર્શન કરવાની અપીલ કરી છે. ઉલ્લેખનીય છે કે સુપ્રસિદ્ધ સોમનાથ મહાદેવના મંદિરે આખું વર્ષ ભવિકોનો અવિરત પ્રવાહ જોવા મળતો હોય છે. પરંતુ કોરોનાના કારણે છેલ્લા થોડા દિવસોથી અહીં આવતા ભાવિકોની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જેથી અહીંના રોજગારને પણ ભારે અસર પહોંચી છે.