સોશિયલ ડિસ્ટન્સ ન જાળવવાના આક્ષેપ સાથે પોલીસે કોંગ્રેસના કોર્પોરેટરની અટકાયત કરતા માલવીયાનગર પોલીસ મથકે કોંગ્રેસના આગેવાનોએ કરી રજૂઆત
કોરોના વાયરસને આગળ વધતો અટકાવવા કરાયેલા લોક ડાઉન દરમિયાન લાંબા સમયથી કામ ધંધા વિના રહેલા શ્રમિકોને વિના મુલ્યે ઘંઉનું કોંગ્રેસના કોર્પોરેટર દ્વારા વિતરણ કરાયા બાદ ડુંગળીનું વિતરણ કરે તે દરમિયાન પોલીસે સોશ્યલ ડીસ્ટન્સ ન જળવાતા કોંગી કોર્પોરેટર વિજય વાંક અને પોલીસ વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા ડીસીપી ઝોન-૨ માલવીયાનગર પોલીસ મથકે પહોચી મામલો થાળે પાડયો છે.
વોર્ડ નંબર ૧૨ના કોર્પોરેટર વિજયભાઇ વાંકે તાજેતરમાં શ્રમજીવીઓને ઘંઉનું વિના મુલ્યે વિતરણ કર્યા બાદ મવડી વિસ્તારમાં શ્રીનાથજી સોસાયટી શેરી નંબર ૫માં આવેલા ઉદેશ્ર્વર મહાદેવ મંદિર ખાતે એક પરિવારને સાત કિલો ડુંગળી વિના મુલ્યે આપવા માટે ૩૫૦૦ પરિવારને ડુંમળી આપવાનો કાર્યક્રમ રાખ્યો હતો.
ઉદેશ્ર્વર મહાદેવ મંદિર ખાતે કોંગી કોર્પોરેટર વિજયભાઇ વાંક અને તેમના કાર્યકરો શ્રમજીવીઓને ડુંગળી આપી રહ્યા હતા તે દરમિયાન માલવીયાનગર પોલીસ મથકના સ્ટાફ સોશ્યલ ડીસ્ટન્સ જાળવવા અંગે તાકીદ કર્યા બાદ કોર્પોરેટર વિજયભાઇ વાંક અને ક્રિષ્ના યુવા ગૃપના કાર્યકરોની અટકાયત કરી માલવીયાનગર પોલીસ મથકે લાવ્યા હતા. પોલીસ મથકે શ્રમજીવીઓ મોટી સંખ્યામાં હતા અને તેઓને બસમાં રેલવે સ્ટેશન સુધી પહોચડાવાની પોલીસ દ્વારા કાર્યવાહી થતી હતી તેમાં પણ સોશ્યલ ડીસ્ટન્સ ન હોવાનો વિજયભાઇ વાંક દ્વારા આક્ષેપ કરી એસીપી જે.એમ.ગેડમ અને પી.આઇ. એન.એન.ચુડાસમા સાથે ઉચા અવાજ સાથે રજૂઆત કરતા પોલીસ મથકે પોલીસ સ્ટાફ અને કોંગી કાર્યકરો આમને સામને આવી ગયા હતા.
પોલીસ મથકે બબાલ થાય તેવી દહેશત જણાતા ડીસીપી ઝોન-૨ મનોહરસિંહ જાડેજા માલવીયાનગર પોલીસ મથકે દોડી ગયા હતા. પોલીસ મથકે શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઇ ડાંગર, મહેશભાઇ રાજપૂત અને જસવંતસિંહ ભટ્ટી સહિતના કાર્યકરો સાથે ચર્ચા કરી હતી. માલવીયાનગર પોલીસ સ્ટાફ દ્વારા પરપ્રાંતિય શ્રમજીવીઓને રેલવે સ્ટેશન પહોચતા કરવાની કાર્યવાહી ચલતી હતી અને બીજી તરફ કોંગ્રેસના કાર્યકરો દ્વારા સેવાના કાર્યમાં પોલીસ વિક્ષેપ કરતી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા. ડીસીપી ઝોન-૨ મનોહરસિંહ જાડેજાએ કોંગ્રેસના આગેવાનો સાથે ચર્ચા કર્યા બાદ અશોકભાઇ ડાંગર, મહેશભાઇ રાજપૂત અને જસવંતસિંહ ભટ્ટી જતા રહ્યા હતા.