ફાટી નીકળેલી હિંસામાં 12ના મોત: ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બંગાળના પ્રવાસે
પશ્ચિમ બંગાળમાં 2મેના રોજ ચૂંટણી પરિણામ આવ્યા પછી હિંસાના એક પછી એક બનાવો પ્રકાશમાં આવી રહ્યાં છે. રાજ્યમાં મુખ્યમંત્રી મમતા બેનર્જીની પાર્ટી ટીએમસીને મળેલી ભારે જીત પછી ભાજપ અને સત્તાધારી દળના કાર્યકરોની વચ્ચે રાજકારણનો ખૂની ખેલ શરૂ થઈ ગયો છે.
અત્યાર સુધીમાં 6 જિલ્લામાંથી હિંસાના સમાચાર આવ્યા છે અને બે દિવસમાં લગભગ 12 લોકોના મૃત્યુ થયા હોવાના સમાચાર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યપાલ જગદીશ ધનખડને ફોન કર્યો અને બંગાળમાં આગ લગાડવાના અને હત્યાઓના બનાવો પર ચિંતા વ્યક્ત કરી છે. વડાપ્રધાનની જ્યારે આવી પરિસ્થિતિમાં રાજ્યપાલ સાથે ચર્ચાના સમાચાર દીદીને મળ્યા ત્યારે બંગાળમાં વણસતી જતી કાયદા અને વ્યવસ્થાની પરિસ્થિતિને કારણે રાષ્ટ્રપતિ શાસન લાદી દેવામાં આવશે કે કેમ ? તેની ચિંતા સતાવી રહી છે.
રાજ્યપાલ જગદીશ ધનખડે જણાવ્યું કે રાજ્યની હાલની સ્થિતિ પર તેમની વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ફોન પર વાતચીત થઈ છે. તેમણે કહ્યું કે ચૂંટણી પરિણામ આવ્યા પછી રાજ્યમાં હિંસા, આગ લગાડવાના, લૂંટ અને હત્યાઓની ઘટનાઓ ચાલુ છે. રાજ્યમાં કાયદો વ્યવસ્થાને જાળવવી ખૂૂબ જરૂરી છે. હિંસાના રિપોર્ટ પછી રાજ્યપાલ જગદીપ ધનખડને સોમવારે પોલિસ મહાનિર્દેશક અને કોલકાતા પોલીસ કમીશ્નરને લો એન્ડ ઓર્ડરની સ્થિતિ પર વાત કરવા માટે બોલાવ્યા છે. તેમણે કહ્યું કે પરિણામ આવ્યા પછી રાજ્યમાં થઈ રહેલી હત્યાઓ ખતરનાક સ્થિના સંકેત છે. પોલીસ અધિકારીઓએ સુરક્ષા વ્યવસ્થા જાળવવા માટે તમામ પકારના પગલા ભરવા માટે કહેવામાં આવ્યું છે.
પશ્ચિમ બંગાળમાં ચૂંટણીના પરિણામો પછી રાજકીય હિંસા શરૂ થઈ ગઈ છે. પરિણામના દિવસે જ કોલકાતામાં ભાજપની ઓફિસમાં આગ લગાડવામાં આવી હતી. સોમવારે પણ પાર્ટીના બે કાર્યકર્તાઓની માર-મારીને હત્યા કરવામાં આવી છે. વિપક્ષોના કાર્યકર્તાઓને નિશાન બનાવવા બાબતે ગૃહમંત્રાલયે બંગાળ સરકાર પાસેથી રિપોર્ટ માંગ્યો છે. બીજી તરફ ભાજપ નેતા કૈલાશ વિજયવર્ગીયે કહ્યું- ભાજપ કાર્યકર્તાઓ પર હુમલા મમતા બેનર્જીના આશરા પર થઈ રહ્યાં છે. આ બધાની વચ્ચે પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા મંગળવારે બંગાળના પ્રવાસે જઈ રહ્યાં છે.બંગાળમાં થયેલી હિંસા મુદ્દે વડાપ્રધાને રાજ્યપાલ સાથે ટેલિફોનિક ચર્ચા કરી ત્યાં બીજી બાજુ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડડા બંગાળના પ્રવાસે છે. તેવા સમયે દીદીને ચિંતા સતાવી રહી છે કે, શું બંગાળમાં ફરી એકવાર ’ખેલા હોબે’? શું ચૂંટણી બાદ હિંસાના પગલે બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લાદી દેવામાં આવશે? જો આવું થાય તો દીદીના હાથમાંથી સતાની કમાન તો જશે જ સાથોસાથ સમગ્ર મહેનત પર પાણી ઢોર થઈ શકે છે જેના કારણે દીદી ચિંતામાં મુકાયા છે.