મુખ્યમંત્રીના આદેશની અવગણના કરીને જુનાગઢમાં ૪૦૦ નિર્દોષ જીવોની હરરાજી કરી કતલમાં મોકલાયા
રાજય સરકારના પશુપાલન ખાતા હેઠળ કૃત્રિમ બિજદાન કેન્દ્રો, ઘેટા-બકરા ઉછેર કેન્દ્રો, મરઘાં ઉછેર કેન્દ્રો, સંવર્ધન કેન્દ્રો, કૃષિ યુનિવર્સિટીઓ, વેટરનીટી કોલેજોમાં પશુ-પક્ષીઓ રાખવામાં આવે છે. આવા જીવોની શારીરિક શકિત ઘટી જાય છે. ઘરડા થાય, બિમાર થાય, દુધ વગરના થાય, કસ કાઢી લીધા બાદ અને કેન્દ્રોની જરૂરીયાતો પુરી થયા બાદ આ નિર્દોષ જીવોની હરરાજી કરવામાં આવતી હતી આવા પશુ-પક્ષીઓને સાચવવા કોઈ પશુપાલક કે માલધારીઓને આજની મોંઘવારીમાં પોસાય તેમ નથી. જેથી આવા પશુ-પક્ષીઓ હરરાજીમાં કોણ લઈ જાય તે તદન સમજી શકાય તેવી સત્ય હકિકત છે. પરીણામે હરરાજીમાં અન્ય લોકો કેટલાક અધિકારીઓ સાથે ગોઠવણ કરી ઓછી કિંમતે લઈ જતા હતા અને નિર્દોષ અબોલ જીવો કમોતે મરતા હતા.
જીવદયાક્ષેત્રે જેઓનો વર્ષો જુનો વિશાળ અનુભવ છે. પાંજરાપોળમાં જેઓની આજીવન નોંધનીય સેવા રહેલી છે અને એનીમલ વેલ્ફેર બોર્ડના ડિરેકટર રાજેન્દ્રભાઈ શાહે આ બાબતે તા.૧૨ માર્ચના રોજ જીવદયાપ્રેમી અને સંવેદનશીલ મુખ્યમંત્રીને લેખિત રજુઆત કરતા તેઓએ તાત્કાલિક આદેશ આપી હરાજી બંધ કરવી, નજીકના પાંજરાપોળમાં આપી દેવી તેવો આદેશ કર્યો છે. આ આદેશથી કોઈ મુશ્કેલી ઉભી થાય તો જીવદયા ઘર, રાજકોટના ટ્રસ્ટી વસંતભાઈ દોશીએ પશુપાલન ખાતાને તા.૨૧ એપ્રિલના પત્રથી જણાવેલ છે કે કોઈપણ પાંજરાપોળ સંજોગોવસાત આવા પશુ-પક્ષીઓને સંભાળી શકે તેમ ન હોય તો તેઓ આવા તમામ પશુ-પક્ષીઓની વ્યવસ્થા ગોઠવી આપશે અને તમામ જરૂરી સહાય કરશે તેવી ખાતરી આપેલ છે તેવી જ રીતે રાજપુર-ડીસા પાંજરાપોળના હસમુખભાઈ વેદલિયાએ પણ આવી જ ખાતરી મુખ્યમંત્રી તેમજ પશુપાલન ખાતાને લેખિત આપેલ છે.
આ અન્વયે એનિમલ વેલફેર બોર્ડના પ્રતિકભાઈ સંઘાણીએ જુનાગઢ વેટરનરી કોલેજના ડીન ડો.ટાંકને તા.૧૪ એપ્રિલના સાંજે ૭ વાગ્યે આ અંગેની જાણ કરી પરિપત્ર મોકલેલ હતો અને વિનંતી કરેલ કે હવે પછી મુખ્યમંત્રીના આદેશ અનુસાર કોઈપણ જીવોની હરાજી કરવાની નથી. તેમ છતાં મુખ્યમંત્રીના આદેશની ઈરાદાપૂર્વક અવગણના કરી ૪૦૦ મરઘાઓની હરરાજી કરી કતલમાં મોકલી આપેલ છે. એકબાજુ મુખ્યમંત્રીની કરૂણા અને તેઓના આદેશ વિરુઘ્ધ ક્રુર અમલદારશાહી સામે રોષ ફાટી નીકળેલ છે. એટલું જ નહીં પરંતુ રાજકોટના જીવદયાપ્રેમી ભાવેશભાઈ શાહ આવા જીવોને કતલથી બચાવવા અવાર નવાર હરરાજીમાં ભાગ લેતા હોય છે. તેઓએ દોઢ-બે માસ પહેલા આવા મરઘાં પ્રતિ કિલો ૭૭ રૂપિયાના ભાવથી હરરાજીમાંથી છોડવેલ હતા તેઓએ પણ કોઈ હરરાજી હોય તો જણાવવા ૨-૪ વખત વિનંતી કરેલ હતી પરંતુ હરાજી હશે તો જણાવીશું તેવો ઉંડાવ જવાબ આપેલ હતો અને ૪૦૦ મરઘાઓની તેઓને જાણ કર્યા વગર રૂપિયા ૭૫ની બજાર કિંમતનો માલ ૫૦ રૂપિયા પ્રતિ કિલોના ભાવથી લાગતા વળગતાને આપી દેવામાં આવેલ છે.
જીવદયાપ્રેમી મુખ્યમંત્રીના આદેશને રાજયની સમગ્ર દયાળુ પ્રજા દિલથી વધાવી આવકારી રહેલ છે. તેમજ જૈનાચાર્યો ભગવંતો પૂ.વિજયરત્ન સુંદરસુરીશ્ર્વરજી મ.સા. પૂ.યશોવિજયસુરીશ્ર્વરજી મ.સા. પૂ.વિજય હર્ષતિલક સુરીશ્ર્વરજી મ.સા. પૂ.રાષ્ટ્ર સંત પૂ.નમ્રમુનિ મ.સા., પૂ.અપૂર્વ સ્વામીજી, મિતલ ખેતાણી, દાસભાઈ, હરેશભાઈ શાહ, પ્રકાશભાઈ શાહ, ભાવેશભાઈ શાહ, સમીરભાઈ બાવીસી, અજીતભાઈ શાહ, રમેશ ઠકકર, ધીરેન્દ્ર કાનાબાર, હેમલ કપાસી, કાર્તિક દોશી, રાહુલ મારવાડી, નિલેષ શેઠ, જયદીપ મોદી, પ્રશાંત શેઠ, રાજેશ મોદી, પરેશ દોશી, યશ શાહ, કેવલ મોદી, અભિજિત મોદી, ઉદીત શેઠ, નિરંજન આચાર્ય, કેતન દોશી, કોઠારી સ્વામી, શ્રીનાથજી દલીયા, શેરનાથબાપુ, લખુ ઓડેદરાએ મુંગા જીવો માટેના અનુકંપામય બિરદાવ્યા હતા તેમ ભાવેશ શાહની યાદીમાં જણાવાયું છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com