મણિપુરમાં સ્થિતિ સુધરતી જણાતી નથી. લગભગ પાંચ મહિનાથી સળગી રહેલા રાજ્યમાં ફરી એકવાર હિંસા ફાટી નીકળી છે. ઇમ્ફાલ ખીણમાં અજાણ્યા હુમલાખોરો દ્વારા બે વિદ્યાર્થીઓની હત્યાના વિરોધમાં સેંકડો વિદ્યાર્થીઓએ મંગળવારે ઇમ્ફાલમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન સુરક્ષા દળો સાથેની અથડામણમાં 34 વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા. બગડતી પરિસ્થિતિને જોતા, મણિપુર સરકારે ફરીથી આગામી પાંચ દિવસ માટે ઇન્ટરનેટ સેવાઓ પર પ્રતિબંધ મૂક્યો છે.
બે વિદ્યાર્થીઓની હત્યા બાદ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ વિરોધ કરવા રસ્તા ઉપર ઉતર્યા, સુરક્ષા દળોએ બળ પ્રયોગ કરતા 34 જેટલા વિદ્યાર્થીઓ ઘાયલ
મણિપુર સરકારે રાજ્યના અધિકારક્ષેત્રમાં મોબાઈલ ઈન્ટરનેટ ડેટા સેવાઓ, વીપીએન મારફતે ઈન્ટરનેટ/ડેટા સેવાઓને 1 ઓક્ટોબર, 2023ના રોજ સાંજે 7:45 વાગ્યા સુધી તાત્કાલિક અસરથી સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. પોલીસે જણાવ્યું કે આંદોલનકારી વિદ્યાર્થીઓએ સુરક્ષા દળો સાથે અથડામણ કરી જ્યારે તેમને મુખ્યમંત્રી એન બિરેન સિંહના બંગલા તરફ કૂચ કરતા અટકાવવામાં આવ્યા. વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓને વિખેરવા માટે સુરક્ષા દળોએ ટીયર ગેસના શેલ છોડ્યા અને લાઠીચાર્જનો આશરો લીધો. ઘાયલ વિદ્યાર્થીઓને સારવાર માટે વિવિધ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
મણિપુરમાં જ્ઞાતિ હિંસા ચરમસીમાએ પહોંચી જતાં 17 વર્ષીય વિદ્યાર્થી હિજામ લિન્થોઈંગમ્બી અને 20 વર્ષીય ફિઝામ હેમજીતનું 6 જુલાઈએ અપહરણ કરવામાં આવ્યું હતું. તેમના પરિવારજનોને શંકા છે કે તેમની હત્યા સશસ્ત્ર હુમલાખોરો દ્વારા કરવામાં આવી છે.બંને વિદ્યાર્થીઓના મૃતદેહના ફોટા ઈન્ટરનેટ મીડિયા પર ફરતા થયા બાદ વિવિધ શાળાઓના સેંકડો વિદ્યાર્થીઓ રસ્તા પર એકઠા થયા હતા. રાજ્ય સરકારે લોકોને સંયમ રાખવાની અને અધિકારીઓને સમગ્ર મામલાની તપાસ કરવા દેવાની અપીલ કરી છે. સરકારે લોકોને ખાતરી આપી હતી કે અપહરણ અને હત્યામાં સામેલ તમામ આરોપીઓ સામે તાત્કાલિક અને નિર્ણાયક પગલાં લેવામાં આવશે.
મણિપુર હિંસાને લઈને બ્રિટનના 21 સાંસદોએ ગૃહમાં ફ્રી ટ્રેડ અટકાવવા કરી દરખાસ્ત
21 બ્રિટિશ સાંસદોએ હાઉસ ઓફ કોમન્સમાં મણિપુરમાં માનવ અધિકારના ઉલ્લંઘનનો મુદ્દો ઉઠાવી ભારત સરકાર સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ અટકાવવા દરખાસ્ત કરવામાં આવી છે. ભારતીય મૂળના લેબર સાંસદ નાદિયા વિટ્ટોમ, દ્વારા આ દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. જે સાંસદોએ હસ્તાક્ષર કર્યા છે તેમાં ડેમોક્રેટિક યુનિયનિસ્ટ પાર્ટીના સાંસદ જિમ શેનોનનો સમાવેશ થાય છે, જેમણે ગયા અઠવાડિયે મણિપુર હિંસાને “ભારતમાં ખ્રિસ્તીઓ પર એક શાંત હુમલો” તરીકે વર્ણવ્યું હતું.
નાગાલેન્ડ અને અરૂણાચલ પ્રદેશમાં સુરક્ષાદળોને છુટ્ટા દોરનો વિશેષ અધિકાર 6 મહિના લંબાવાયો
સુરક્ષા દળ (સ્પેશિયલ પાવર્સ) એક્ટ, જેને એએફએસપીએ તરીકે ઓળખવામાં આવે છે. જેના હેઠળ સુરક્ષા દળોને વિશેષ અધિકારીઓ આપવામાં આવે છે, તેને અરુણાચલ પ્રદેશ અને નાગાલેન્ડમાં 6 મહિના સુધી લંબાવવામાં આવ્યો છે. આના હેઠળ સુરક્ષા દળોને શોધવા, ધરપકડ કરવા અને ગોળીબાર કરવાની વ્યાપક સત્તા આપવામાં આવે છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા અરુણાચલ પ્રદેશના તિરાપ, ચાંગલાંગ અને લોંગડિંગ જિલ્લાઓ અને અરુણાચલ પ્રદેશના નમસાઈ, મહાદેવપુર અને ચોખામ પોલીસ સ્ટેશનના કાર્યક્ષેત્રમાં આવતા વિસ્તારોને એએફએસપીએમાં આવરી લેવામાં આવ્યા છે.