દિલ્હીની પરિસ્થિતિ અને ચૂંટણી આચાર સંહિતા અંતર્ગત પોલીસે કરી કાર્યવાહી
રાજકોટ ખાતે ’ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ દ્વારા એક સભા યોજવા માટેની મંજુરી શહેર પોલીસ કમિશનર પાસે માગવામાં આવી હતી. પરંતુ ૨૬મીએ દિલ્હી ખાતે જે પરિસ્થિતિ સર્જાઇ તેને ધ્યાને રાખી તેમજ રાજકોટમાં હાલમાં ચૂંટણી આચારસંહિતા પણ લાગુ હોઇ તેમજ કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે સહિતના કારણોને ધ્યાને રાખી પોલીસે આજની સભાને મંજુરી આપી નથી. તેમ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ અને ડીસીપી ઝોન-૨ મનોહરસિંહ જાડેજાએ જણાવ્યું હતું. ડીસીપી મનોહરસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે શહેર પોલીસ કમિશ્નરને સંબોધીને અરજદાર પાલભાઇ રામભાઇ આંબલીયાએ તા.૨૭/૦૧ બપોરના ૧૨:૦૦ થી સાંજના ૬:૦૦ સુધી ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ દ્વારા નવા ૧૫૦ ફુટ રીંગ રોડ, લાયન કીંગ વોટર પાર્ક સામે આવેલ ખેતરમાં સૌરાષ્ટ્રના ખેડુતોની જાગૃતી માટે સભાનું આયોજન કરવાના હોઇ તે માટે મંજૂરી આપવા માંગણી કરી હતી. હાલમાં કૃષી અંગે ત્રણ કાયદા પસાર થયેલા હોઇ તે અંગે માર્ગદર્શન તથા જાણકારી આપવાના ઇરાદે આ સભાનું આયોજન કરાયું હોવાનું અને તેમાં સૌરાષ્ટ્રના ખેડૂત આગેવાનો હાજર રહેવાના હોવાનું જણાવાયું હતું. તેમજ આ સભા રાજકીય નહિ પરંતુ માત્ર ખેડુતોમાં જાગૃતી લાવવા માટેની જ હોવાનું તથા સભા દરમ્યાન કોઇ સુત્રોચારો કરવાના ન હોઇ અને હાલમાં કોરોના વાયરસ અન્વયે સરકાર તરફથી આપવામાં આવેલ ગાઇડલાઇનનું સંપુર્ણ પાલન કરવાના હોઇ જેથી સભા માટે મંજુરી આપવા અરજીમાં જણાવાયું હતું. પરંતુ દિલ્હી ખાતે ૨૬મી જાન્યુઆરીએ ટ્રેકટર રેલી દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી ખરાબ થઈ હોય મંજુરી રદ કરવામાં આવી છે તે બાબતે ગુજરાત કિસાન સંઘર્ષ સમિતીના આગેવાનોને રૂબરૂ બોલાવી આ બાબતેની જાણ પણ કરવામાં આવી છે.