સુરતમાં વાહનને સાઈડ આપવાના પ્રશ્ને બોલાચાલી થયા બાદ છરીથી જીવલેણ હુમલો: એકની હત્યા
બોરસદ નજીક ફટાકડા ફોડવા મુદ્દે બે જુથ વચ્ચે પથ્થરમારો: પોલીસ બંદોબસ્ત
રાજયમાં ગણેશ વિસર્જનની શુભ ઘડી સમયે અનેક સ્થળે માથાકૂટના બનાવ બન્યા છે. કયાંક ગણેશ વિસર્જન સમયે નિકળેલી યાત્રામાં રસ્તો આપવા પ્રશ્ર્ને તો કયાંક ડીજેના અવાજ મુદ્દે બબાલ થઈ છે. સુરત નજીકના સાયણમાં રસ્તો આપવાની નાની માથાકૂટે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લેતા એક વ્યક્તિની હત્યા થઈ ચૂકી છે.
બીજી તરફ આણંદના બોરસદ તાલુકાના પીપળી ગામમાં ગણેશ વિસર્જન સમયે ડીજેના અવાજના મુદ્દે બે જુથ સામ-સામે આવી ગયા હતા. બન્ને જૂથો વચ્ચે પથ્થરમારો થયો હતો. ગામની મસ્જિદ નજીક ફટાકડા ફોડવાના મુદ્દે વિવાદ થયો હતો. આ બનાવ બાદ ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.
ગણેશ વિસર્જન સમયે નાની-મોટી માથાકૂટના બનાવ અમદાવાદ, બરોડા સહિતના મોટા શહેરોમાં જોવા મળ્યા છે. પોલીસે સંવેદનશીલતા દાખવીને તુરંત જડબેસલાક બંદોબસ્ત ગોઠવી દીધો હોવાનું માલુમ થઈ રહ્યું છે. જુથ અથડામણ તેમજ વિસર્જન સમયે નદી કે તળાવમાં ડુબવાના કિસ્સા પણ સામે આવ્યા છે. અમદાવાદના પાંચ યુવાનો વાત્રક નદીમાં ડુબી જતાં મોતને ભેટયા હોવાનું જાણવા મળી રહ્યું છે.
ગણેશ વિસર્જન કરવા માટે નીકળેલી શોભા યાત્રા દરમિયાન મુખ્ય રોડ પરથી પસાર થતી મારુતિ વાનને સાઈડ આપવાની વાતે ગણેશ મંડળના યુવકો સાથે થયેલી બોલાચાલીમાં ઉશ્કેરાયેલા વાનમાં બેઠેલા યુવકે પોતાની પાસે રાખેલ ચપ્પુથી ગણેશ મંડળના યુવકો પર જીવલેણ હુમલો કરતા ૬ યુવકોને થયેલી ઈજાઓમાં એક યુવકનું મોત થતા ઉશ્કેરાયેલા ટોળાએ હુમલો કરનારની મારુતિ વેન સળગાવી દેવા સાથે પોલીસ ચોકીને બાનમાં લેતા પોલીસે કરેલા લાઠી ચાર્જથી મહિલાઓએ પણ પોલીસ ચોકીનો ઘેરાવો કરવા સાથે ચોકી બહાર પોલીસનો હુરિયો બોલાવતા વાતાવરણ વધુ ગરમાય તેવું હોવાથી પોલીસ મોટો કાફલો સાયણ ગામે ખડકી દેવાતા કર્ફ્યુ જેવો માહોલ સર્જાયો હતો. ઘટનામાં તળપદા કોળી સમાજના યુવકનું મોત થતા શોકની કાલિમા છવાઈ હતી.