ન્યાય પરથી વિશ્ર્વાસ ડગમગી ગયો; દોષિતોની મુક્તિ પર બિલ્કીશ બાનોનું દુ:ખ છલકાયું
ગુજરાતના 2002 ગોધરા રમખાણ સમયે બીલકિસ બાનો પર સામુહિક દુષ્કર્મ આચરી તેના પરિવારના 7 સભ્યોની હત્યા નિપજાવી દેવામાં આવી હતી. આ કેસમાં મુંબની વિશેષ અદાલતે 11 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી હતી પરંતુ હવે તમામ 11 દોષીતોને જેલ મુક્ત કરી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય પાછળ રેમિશન પોલિસીનો હવાલો આપવામાં આવ્યો છે પરંતુ રેમિશન પોલિસી મુજબ હત્યા, દુષ્કર્મ, આતંકવાદી પ્રવૃત્તિ સહિતના ગુન્હાના દોષીતોની સજા માફ કરી શકાતી જ નથી ત્યારે હત્યા અને નારી ગૌરત્વનું હનન કરી સામુહિક દુષ્કર્મ આચરનારાઓને આટલા ગંભીર અપરાધ બાદ જેલ મુક્ત કેવી રીતે કરી શકાય તે મોટો સવાલ છે.
કાયદાથી માંડી સરકારો સુધી તમામ તબક્કે નારી ગૌરત્વ, નારી સશક્તિકરણની વાતો મોટા પાયે કરવામાં આવે છે પણ જ્યારે આ પ્રકારના ગુન્હાના દોષીતો જેમણે નારી ગૌરત્વનું હનન કરવામાં કોઈ કસર છોડી નથી તેવા નરાધમોને જેલ મુક્ત કરી દેવા એ ખરેખર નારી સશક્તિકરણના દાવાને પોકળ સાબિત કરનારું છે. એકતરફ નારી ગૌરત્વની વાતો કરવામાં આવે અને બીજી બાજુ નારી ગૌરત્વનું હનન કરનારા કે જેમના વિરુદ્ધ ગુન્હો પણ સાબિત થઈ ચૂક્યો છે તેમને જેલ મુક્ત કરવાનો નિર્ણય લઈ સરકારે કાચું કાપ્યું છે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે.
રેમિશન પોલિસી હેઠળ મહિલા, ટ્રાન્સજેન્ડર, 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના દોષિતોએ તેમની અડધી સજા ભોગવી લીધી હોય તો તેમને મુક્ત કરી શકાય છે પરંતુ હત્યા, દુષ્કર્મ જેવા ગુન્હાના આરોપીઓનો રેમિશન પોલિસીમાં સમાવેશ કરી જ ન શકાય ત્યારે રેમિશન પોલિસી હેઠળ બીલકિસ બાનો કેસના આરોપીઓને જેલ મુક્ત કેવી રીતે કરી શકાય ? તે પણ મોટો સવાલ છે.
ગોધરા રમખાણ સમયે ચોક્કસ અમુક વર્ગ પર દમન ગુજારવામાં આવ્યો હતો જેના લીધે કોમી રમખાણો ફાટી નીકળ્યા હતા પરંતુ તેનો બદલો લેવા જંગલીયાત પર ઉતરી જવું એ કેટલી અંશે વ્યાજબી અને કાયદાની દ્રષ્ટિએ સ્વીકાર્ય છે ?
ગુજરાતના 2002 પછીના ગોધરા રમખાણોમાં બચી ગયેલી બિલ્કીસ બાનોએ તેના પરિવારના સાત સભ્યોની હત્યા અને દુષ્કર્મના કેસમાં આજીવન કેદની સજા પામેલા તમામ 11 દોષિતોની અકાળે મુક્તિ પર નિરાશા વ્યક્ત કરી છે. બિલ્કીસ બાનોએ કહ્યું છે કે 11 દોષિતોની અકાળે મુક્તિએ ન્યાયમાં તેમનો વિશ્વાસ હચમચાવી નાખ્યો છે. જણાવી દઈએ કે ગોધરાકાંડ બાદ ગુજરાતમાં તોફાનો ફાટી નીકળ્યા હતા અને આ રમખાણો દરમિયાન બિલકિસ બાનોના પરિવારના સાત સભ્યોની હત્યા કરી દેવાઈ હતી. એટલું જ નહીં, તોફાનીઓએ બિલ્કીસ બાનો પર પણ ગેંગરેપ આચર્યું હતું.
બિલ્કીસ બાનોએ ભાવુક થઈને કહ્યું કે, જ્યારે મેં સાંભળ્યું કે 11 ગુનેગારો જેમણે મારા પરિવાર અને મારું જીવન બરબાદ કર્યું અને મારી 3 વર્ષની પુત્રીને મારી પાસેથી છીનવી લીધી, તેઓ આજે આઝાદ છે, ત્યારે હું સંપૂર્ણ રીતે અવાચક થઈ ગઈ. આજે હું એટલું જ કહી શકું છું – કોઈ પણ સ્ત્રી માટે આ રીતે ન્યાય કેવી રીતે સમાપ્ત થઈ શકે? મને મારા દેશની સર્વોચ્ચ અદાલતોમાં વિશ્વાસ હતો. મને સિસ્ટમ પર વિશ્વાસ હતો અને હું ધીમે ધીમે મારા આઘાત સાથે જીવવાનું શીખી રહી હતી. આ દોષિતોની મુક્તિથી મારી શાંતિ છીનવાઈ ગઈ છે અને ન્યાયમાં મારો વિશ્વાસ ડગમગી ગયો છે. મારું દુ:ખ અને મારી ડગમગી ગયેલી શ્રદ્ધા માત્ર મારા માટે જ નથી પરંતુ અદાલતોમાં ન્યાય માટે લડતી દરેક મહિલા માટે છે. આટલો મોટો અને અન્યાયી નિર્ણય લેતા પહેલા કોઈએ મારી સલામતી અને સ્વાસ્થ્ય વિશે પૂછ્યું નથી. હું ગુજરાત સરકારને અપીલ કરું છું, કૃપા કરીને આ નુકસાનને પૂર્વવત્ કરો. મને શાંતિથી અને ભય વિના જીવવાનો મારો અધિકાર પાછો આપો. કૃપા કરીને ખાતરી આપો કે મારો પરિવાર અને હું સુરક્ષિત છીએ.
21 જાન્યુઆરી, 2008 ના રોજ મુંબઈની વિશેષ સીબીઆઈ કોર્ટે હત્યા અને સામૂહિક બળાત્કારના કેસમાં તમામ 11 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી હતી. બાદમાં બોમ્બે હાઈકોર્ટે તેની સજા યથાવત રાખી હતી. આ દોષિતોએ 15 વર્ષથી વધુ સમય સુધી જેલ હવાલે કરાયાં બાદ તેમાંથી એકે તેની અકાળે મુક્તિ માટે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો. સર્વોચ્ચ અદાલતે ગુજરાત સરકારને 1992ની નીતિ મુજબ તેમની સજા માફ કરવાના મુદ્દા પર તપાસ કરવાનો નિર્દેશ આપ્યો હતો. આ પછી, સરકારે એક સમિતિની રચના કરી અને તમામ દોષિતોને સમય પહેલા મુક્ત કરવાનો આદેશ જારી કર્યો.
ઉલ્લેખનીય છે કે ગોધરાની ઘટના બાદ ગુજરાતમાં તોફાનો ફાટી નીકળ્યા હતા અને આ રમખાણો દરમિયાન 3 માર્ચ 2002 ના રોજ દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના રણધિકપુર ગામમાં ટોળાએ બિલ્કીસ બાનોના પરિવાર પર હુમલો કર્યો હતો. બિલ્કીસ બાનો, જે તે સમયે પાંચ મહિનાની ગર્ભવતી હતી, તેના પર સામૂહિક બળાત્કાર કરવામાં આવ્યો હતો અને તેના પરિવારના સાત સભ્યોની તોફાનીઓએ નિર્દયતાથી હત્યા કરી હતી.
પ્રાચીન કાળથી જ ’સીતા’ એ જ અગ્નિપરીક્ષા આપવી પડી છે તે બાબતનો ઇતિહાસ સાક્ષી છે અને આજે પણ ’સીતા’ની અગ્નિપરીક્ષાનો અંત આવ્યો નથી. નજર પુરુષની ખરાબ હોય અને તેની સજા સ્ત્રીને ભોગવવાની હોય તેવી રીતે સ્ત્રીએ બુરખો ધારણ કરવો પડે છે ત્યારે સભ્ય સમાજની વાતો વચ્ચે ખરેખર સભ્ય સમાજ ક્યારે બનશે તેવો પણ સવાલ છે. જો સમાજમાં હજુ પણ ’સીતા’ની અગ્નિપરીક્ષા લેવામાં આવશે તો અનેક બીલકિસ બાનોના ડુસકા ચાર દીવાલમાં ધરબાઈ જશે.
ઉશ્કેરણીજનક ડ્રેસ પહેરે તો યૌન ઉત્પીડનનો કેસ ન બને
કોર્ટની ટીપ્પણીથી થયો વિવાદ
ઉત્તર કેરળના કોઝિકોડ જિલ્લાની કોર્ટની યૌન ઉત્પીડન કેસમાં કરવામાં આવેલી ટિપ્પણી પર ચર્ચા શરૂ થઈ ગઈ છે. આરોપીને આગોતરા જામીન આપતી વખતે, કોર્ટે અવલોકન કર્યું કે જો મહિલાએ ઉશ્કેરણીજનક ડ્રેસ પહેર્યો હોય, તો પ્રથમ નજરે આરોપી સામે સીઆરપીસીની કલમ 354 હેઠળ જાતીય સતામણીનો કેસ કરવામાં આવતો નથી. કોર્ટે કરેલી ટિપ્પણીનો યહ પણ એવો જ થાય છે કે, નજર પુરુષની ખરાબ હોય અને બુરખો મહિલાએ ધારણ કરવાનો. કોર્ટના આ નિર્ણય પર વિવાદ શરૂ થયો છે. ન્યાયાધીશો. કાર્યકર અને લેખક સિવિક ચંદ્રનને આગોતરા જામીન આપતી વખતે કૃષ્ણકુમારે આ ટિપ્પણી કરી હતી. ચંદ્રન પર બે વર્ષ પહેલા એક લેખિકાની છેડતીનો આરોપ હતો. મહિલા કાર્યકરો અને ભૂતપૂર્વ ન્યાયાધીશોએ કોર્ટની ટિપ્પણી સામે વાંધો ઉઠાવ્યો છે. એટલું જ નહીં, આ મામલે હવે હાઈકોર્ટે હસ્તક્ષેપ કરવો જોઈએ તેવી માંગ તેમના તરફથી કરવામાં આવી છે. આ સિવાય પીડિતાએ એમ પણ કહ્યું છે કે તે ટૂંક સમયમાં હાઈકોર્ટનો સંપર્ક કરશે. ચંદ્રનને જામીન આપતી વખતે, ન્યાયાધીશે અવલોકન કર્યું, ેઆરોપી દ્વારા તેની અરજી સાથે આપવામાં આવેલા ફોટોગ્રાફ્સ પરથી એવું લાગે છે કે ફરિયાદીએ એવો ડ્રેસ પહેર્યો હતો જે ઉશ્કેરણીજનક હતો. તેથી, કલમ 354 હેઠળ આરોપીઓ સામે કેસ કરવામાં આવતો નથી. તે જ સમયે, આ નિર્ણય પર સવાલ ઉઠાવતા પીડિતાના નજીકના સંબંધીઓએ કહ્યું કે તે આશ્ચર્યજનક છે કે સોશિયલ મીડિયામાંથી કેટલીક તસવીરો કોર્ટમાં રજૂ કરવામાં આવી. કોર્ટે આરોપીની ઉંમર અને શારીરિક સ્થિતિનો પણ ઉલ્લેખ કર્યો છે. કોર્ટે કહ્યું, જો એવું માની લેવામાં આવે કે શારીરિક સંપર્ક થયો હતો, તો એ માનવું મુશ્કેલ છે કે 74 વર્ષનો અને શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિ કેવી રીતે કોઈને બળજબરીથી પોતાના ખોળામાં બેસાડી શકે છે અને તેના પ્રાઈવેટ પાર્ટને દબાવી શકે છે. આવા સંજોગોમાં આ કેસમાં આરોપીઓને આગોતરા જામીન આપવા જોઈએ.