કાયદાના રખેવાળ દ્વારા જ કાયદાનો ભંગ: નિયમોનો ઉલાલિયો કરી LRD જવાનો ગરબે ઘૂમ્યા !!
જૂનાગઢમાં એલઆરડીના જવાનોએ સોશિયલ ડિસ્ટન્સ ના ધજાગરા ઉડાડી, સરકારી જાહેરનામાના ઉલ્લંઘન કરી અને પોલીસને સોંપાયેલી કામગીરીને નજર અંદાજ કરી, મોટી સંખ્યામાં દાંડિયા રમતા હોવાનો એક વીડિયો વાયરલ થતાં આ બાબત જૂનાગઢ શહેરની ટોક ઓફ ધી ટાઉન બનવા પામ્યો છે અને આ વીડિયો વાયરલ થયા બાદ વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર આ અંગે શું પગલાં ભરશે તે તરફ સૌની મીટ મંડાઈ છે.
કોરોનાના કપરા કાળમાં મરણ જેવા પ્રસંગે પણ મર્યાદિત સંખ્યા સરકારી ગાઇડલાઇન મુજબ નક્કી કરવામાં આવી છે અને લગ્ન જેવો સારો પ્રસંગ ઉજવવા માટે મંજૂરી માંગવામાં માંગવી પડે છે, આ સિવાય સોશિયલ ડિસ્ટન્સ અંગેની અનેક ગાઈડ લાઈન સરકાર દ્વારા જાહેર કરાઈ છે, તથા તંત્ર દ્વારા જાહેરનામા પ્રસિધ્ધ કરાયા હોવા છતાં જવાબદાર એવા પોલીસ તંત્રના એલઆરડી જવાનોની ટ્રેનિંગ પૂરી થયા બાદ, ખુશીનો નશો ચડી જતા, બુધવારની રાત્રિના સમયે વગર મંજૂરીએ રાસની રમઝટ બોલાવી હતી,તેમાં એલઆરડી જવાનો મોટી સંખ્યામાં મન ભરીને રાસ રમ્યા હતા અને આ બાબતનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં આ બાબત ચર્ચાનો વિષય બનવા પામી હતી.
જૂનાગઢ શહેર અને જિલ્લામાં કોરોના અંતર્ગત સરકારની ગાઇડ લાઇન અને તંત્રના જાહેરનામાં અંગે પોલીસતંત્ર દ્વારા અત્યાર સુધી સરાહનીય અને નોંધનીય કામગીરી હાથ ધરાઇ છે અને તેને લઈને અનેક લોકો સામે કાયદાકીય કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને લગ્ન પ્રસંગે પણ વધુ સંખ્યા હોય તો પોલીસ તંત્ર દ્વારા જવાબદાર લોકો સામે ગુન્હાઓ નોંધવામાં આવ્યા છે.
ત્યારે જુનાગઢ ખાતે ટ્રેનિંગ પૂર્ણ કરી ખુશીમાં મદ થયેલા એલઆરડીના જવાનોએ સોશિયલ ડિસ્ટન્સ ના ધજાગરા ઉડાડી, તંત્રની ગાઈડ લાઈન અને જાહેરનામાના ભંગ કરી વગર મંજૂરીએ રાસડે રમ્યા છે ત્યારે જવાબદાર સામે કેવા ? અને કેટલા ? પગલાં ભરાય છે તેની તરફ સૌની નજર મંડાઈ છે.