સોરઠમાં કોરોનાની ગાઈડલાઈનનો સરેઆમ ભંગ: તંત્ર મૌન
ભવનાથ લોવર સ્ટેશનમાં હૈયે હૈયુ દળાય તેવી ભીડ
વ્યવસ્થાના નામે મીંડુ, ટિકિટ માટે લોકો ત્રણ-ત્રણ કલાક સુધી લાઈનમાં ઉભા રહ્યા
તંત્રની મીઠી નજર નીચે ગઈકાલે જૂનાગઢના ભવનાથ સ્થિત રોપવે લોવર સ્ટેશન ખાતે રોપવેમાં બેસવા માટે હજારોની સંખ્યામાં લોકો ત્રણ ત્રણ કલાક સુધી સરકારી ગાઈડ લાઈન ના કોઈપણ પાલન વગર લાઈનમાં ઊભા રહ્યા હતા, પરંતુ રોપવે ના સંચાલકો દ્વારા નિયમોને નેવે મૂકી, ઘરની ધોરાજી હોય તેમ તંત્રની ગાઈડ લાઈન ના ઉલાલીયા કરાયા હતા. અને તંત્ર દ્વારા ફરી એક વખત સંચાલકોની આ દાદાગીરી અને બેદરકારી સામે આંખ મીંચી લેવામાં આવતા, પ્રવાસીઓમાં પણ નારાજગી પ્રસરી હતી, જ્યારે જૂનાગઢ શહેરના પ્રબુદ્ધ લોકોમાં આ બાબતે ભારે રોષ ફેલાયો છે.
નાતાલ પર્વને લઇને છેલ્લા ત્રણ દિવસથી જૂનાગઢ શહેરની સાથે સાસણ તથા જિલ્લાના ધાર્મિક અને ફરવા લાયક સ્થળો એ દેશ-વિદેશના પ્રવાસીઓ મોટી સંખ્યામાં મીની વેકેશન ગાળવા પહોંચ્યા હતા, તમામ હોટલો હાઉસ ફૂલ થઇ જવા પામી હતી. તો જુનાગઢ તરફ આવતા અને જતા રાજમાર્ગો ભરચક રહ્યા હતા, અને શહેરમાં અનેક વખત ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા, તો રેસ્ટોરન્ટ તથા હોટેલોમાં પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી રહી હતી. બીજી બાજુ તાજેતરમાં જ શરૂ થયેલ લોકોએ રોપવેમાં બેસવા પ્રવાસીઓનો નોંધપાત્ર વધારો છેલ્લા ત્રણ દિવસથી જોવા મળી રહ્યો છે, ત્યારે ગઈકાલે રવિવારનો રજાનો દિવસ હોય, પ્રવાસીઓની સંખ્યા હજારોમાં થઈ જવા પામી હતી અને ભવનાથના લોવર સ્ટેશન ખાતે પ્રવાસીઓના હૈયે હૈયુ દળાય તેવી ભીડ જોવા મળી રહી હતી.રોપવેમાં ચાલકોના અંદાજ મુજબ ગઈકાલે પ્રવાસીઓની ભારે ભીડ હોવા છતાં પ્રવાસીઓ માટે કોઈ જરૂરી ખાસ વ્યવસ્થા કરવામાં આવી ન હતી અને રોપ વેમાં બેસવા માટે લોકોને ત્રણ ત્રણ કલાક સુધી લાઇનમાં ઊભું રહેવું પડ્યું હતું. સાથોસાથ લોવર સ્ટેશન ભવનાથ અને અંબાજીના અપર સ્ટેશન ઉપર રોપવાના સંચાલકો દ્વારા સરકારી ગાઇડલાઇન મુજબ જરૂરી સેનેટાઈઝ તથા સોશિયલ ડિસ્ટન્સ માટે કોઈ જ વ્યવસ્થા રાખવામાં આવી ન હતી. જાણે ઘરની ધોરાજી ચાલતી હોય અને માત્ર પૈસા કમાવાની જ રૂચી હોય તેવું છેલ્લા ત્રણ દિવસ દરમિયાન સંચાલકો દ્વારા બિન્દાસ ચાલી રહ્યું હતું. છતાં દુકાનો, લારી, રેકડી ઉપર વધુ ગ્રાહકો હોય ત્યારે દંડ અને કાયદાકીય કાર્યવાહી કરનાર પોલીસ તંત્ર આજે મૂક પ્રેક્ષક બની બધું જોઈ રહ્યું હતું, તો જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય તંત્ર આ બાબતથી સભાન હોવા છતાં રોપવેના સંચાલકો સામે કોઈપણ કારણોસર કોઈ કડક કે કાયદેસરની કાર્યવાહી કરતું નથી, ત્યારે જૂનાગઢનું રોપવે જુનાગઢ માટે કોરોનાનુ સુપર સ્પ્રેડર ન બની જાય તો જ સારું તેવી ચિંતા સાથે જૂનાગઢના લોકોમાં ભારે ચિંતા અને રોષ ભભૂકયો છે.