vinesh phogat: ભારતીય કુસ્તીબાજ વિનેશ ફોગાટે ગુરુવાર 8 ઓગસ્ટની વહેલી સવારે કુસ્તીમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. તેણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ માહિતી આપી. X પર પોસ્ટ કરતી વખતે તેણે લખ્યું, ‘માતા કુસ્તી મારાથી જીતી, હું હારી ગય, માફ કરજો.’
‘ પેરિસ ઓલિમ્પિકની ફાઈનલ પહેલા 100 ગ્રામ વધારે વજન હોવાના કારણે તેણીને અયોગ્ય જાહેર કરવી પડી હતી, ત્યારબાદ વિનેશે આ નિર્ણય લીધો હતો. આ સાથે તેનું ઓલિમ્પિકમાં મેડલ જીતવાનું સપનું પણ અધૂરું રહી ગયું. તેણીએ 2016, 2020 અને 2024 ઓલિમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે, પરંતુ તે એક પણ વખત મેડલ જીતી શકી નથી. પેરિસમાં ફાઇનલમાં પહોંચ્યા પછી, તેણીનો સિલ્વર મેડલ કન્ફર્મ થઈ ગયો હતો, પરંતુ વધુ વજનના કારણે તેણીને ગેરલાયક ઠેરવવામાં આવી હતી.
સોશિયલ મીડિયા પર નિવૃત્તિની જાહેરાત કરતા વિનેશ ફોગાટે લખ્યું, ‘મા, કુસ્તી મારાથી જીતી, હું હારી ગય, માફ કરજો, તારું સપનું, મારી હિંમત બધુ તૂટી ગયું છે, મારી પાસે આનાથી વધુ તાકાત નથી. ગુડબાય રેસલિંગ 2001-2024. હું હંમેશા આપ સૌની ઋણી રહીશ, માફ કરશો.
વિનેશ ફોગાટ પેરિસ ઓલિમ્પિકમાં 50 કિલોગ્રામ વર્ગમાં લડી રહી હતી. 6 ઓગસ્ટના રોજ, તેણે વિશ્વના નંબર-1 અને ડિફેન્ડિંગ ઓલિમ્પિક ચેમ્પિયન યુઇ સાસાકી સહિત ત્રણ કુસ્તીબાજોને હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી. જોકે, સ્પર્ધાના બીજા દિવસે 100 ગ્રામ વધારે વજન હોવાને કારણે તેને ગેરલાયક ઠેરવવામાં આવી હતી.
વિનેશ ફોગાટે ઓલિમ્પિકના નિર્ણય વિરુદ્ધ કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ (CAS)માં ફરિયાદ કરી છે. CAS ગુરુવારે વચગાળાનો નિર્ણય આપશે કે વિનેશ ફોગાટને મેડલ મળશે કે નહીં.
વિનેશે વજન ઘટાડવા માટે આખી રાત મહેનત કરી, જેના કારણે તેના શરીરમાં પાણીની ઉણપને કારણે તે બીમાર પડી અને તેને હોસ્પિટલમાં દાખલ કરવી પડી.