‘મોત’ ભાળી જતા દોષિતોનું વર્તન પણ બદલાયું
નિર્ભયા ગેંગરેપના દોષિતોને ૩ માર્ચે ફાંસીના માચડે લટકાવવામાં આવનાર છે જોકે, હજુ આરોપીઓ ફાંસીથી બચવા માટેના તમામ પ્રયત્નો કરી રહ્યા છે. મળતી વિગતો પ્રમાણે ફાંસી ટાળવા માટે દોષિત વિનય શર્માએ સોમવારે જેલની દીવાલ પર માથું પછાડીને પોતાને ઘાયલ કર્યો છે. તેને તિહાર જેલની બેરેક નંબર ત્રણમાં રાખવામાં આવ્યો છે. જેલ ઓથોરિટીએ કહ્યું કે નિર્ભયાના દોષિતો પર વોર્ડન ઈન-ચાર્જની સતત નજર રહે છે, છતાં વિનય પોતાને ઘાયલ કરવામાં સફળ રહ્યો. જોકે, વોર્ડને તેને રોકવાની કોશિશ કરી પણ ત્યાં સુધીમાં તે ઘાયલ થઈ ગયો હતો. તેને હોસ્પિટલમાં લઈ જવાયો હતો અને પ્રાથમિક સારવાર બાદ પરત મોકલાયો છે.
સૂત્રોનું કહેવું છે કે વિનયે જેલની ગ્રિલ્સમાં પોતાનો હાથ ફસાવીને ફ્રેક્ચર કરવાની કોશિશ કરી. તેના વકીલ એપી સિંહે કહ્યું કે આ ઘટના ૧૬ ફેબ્રુઆરીએ બની હતી અને વિનયની માએ તેમને બીજા દિવસે આ માહિતી આપી. ૧૭ ફેબ્રુઆરીએ વિનયએ તેની માતાને ઓળખવાનો ઈનકાર કરી દીધો હતો. સિંહે કહ્યું કે વિનયની માનસિક સ્થિતિ યોગ્ય નથી અને નવું ડેથ વોરન્ટ જાહેર થયા પછી તેની માનસિક સ્થિતિ ખરાબ થઈ ગઈ છે.
મુકેશ, અક્ષય, વિનય અને પવન નિર્ભયાના ચારે દોષિતો છે અને તેઓ આત્મહત્યાની કોશિશ ના કરે તેનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. વોર્ડન્સને ચોવીસ કલાક દોષિતોના સેલમાં લાગેલા સીસીટીવી કેમેરા પર નજર રાખવા માટે કહેવામાં આવ્યું છે. સાથે જ તેમના સેલની બહાર ગાર્ડ્સ તૈનાત છે. જેલના અન્ય કેદીઓ સાથે તેમનો સંપર્ક એકદમ સીમિત કરી દેવાયો છે જેથી કોઈ કેદી સાથે તેમનો ભાવનાત્મક સંબંધ ના બને.
ચારે આરોપીઓને પોતાના માતા-પિતાને મળવાની મંજૂરી છે, જોકે ઘણી વખત તેમણે તેમને મળવાનો ઈનકાર કર્યો છે. તેમને માનસિક રીતે સ્વસ્થ રાખવાના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સૂત્રોએ જણાવ્યું કે ફાંસીની સજા મેળવેલા દોષિતો ઘણી વખત હિંસક વ્યવહાર કરતા હોય છે જેથી તેમણે ઈજા થાય અને ફાંસીને થોડા સમય માટે ટાળવામાં સફળ થઈ શકે. અધિકારીઓનું કહેવું છે કે જો કોઈ દોષી ઘાયલ થાય તો તેનું વજન ઘટી જાય છે અને સ્વસ્થ થાય ત્યાં સુધી તેની ફાંસી ટાળી દેવામાં આવે છે.