શકિતકપૂરના ડાયલોગ ‘નંદુ સબકા બંધુ’ અને ‘આઉ…. લોલીતા’ આજે પણ લોકો યાદ કરે છે, ઉત્તમકુમારની શ્રેષ્ઠ ફિલ્મ ‘અમાનુષ’ દર્શકો કયારેય ભૂલી નહી શકે, તેમને ‘લિજેન્ડ ઓફ ઇન્ડિયન સિનેમા’ના બિરૂદથી સન્માનીત કરાયા હતા
આજે ફિલ્મ જગતના બે મહાન કલાકારોના જન્મદિવસ છે. બન્ને કલાકારોએ પોતાના અભિનયથી ફિલ્મોને હીટ બનાવી હતી. ૩ સપ્ટેમ્બર ૧૯૫૨માં જન્મેલ શકિતકપૂરનું મૂળ નામ સુનિલ સિકંદરલાલ કપૂર હતું. તેણે ભારતીય ફિલ્મ જગતમાં ખલનાયક સાથે કોમેડિયનની શ્રેષ્ઠ ફિલ્મો કરી હતી. તેણે ૧૯૯૦ ના દશકામાં અસરાની અને કાદરખાન સાથે ૧૦૦ થી વધુ ફિલ્મોમાં અભિનય કરીને દર્શકોના દિલ જીત્યા હતા. શકિતકપૂરે તેના ફિલ્મ કેરીયમાં ૭૦૦ થી વધુ ફિલ્મો કરી છે. તેઓ ૨૦૧૧માં ભારતીય રિયાલીટી શો ‘બિગ-બોસ’માં એક સ્પર્ધક તરીકે જોવા મળ્યા હતા. તેમના પુત્ર-પુત્રી સિઘ્ધાર્થ કપુર અને શ્રઘ્ધા કપૂર છે.
શકિતકપૂરનો જન્મ દિલ્હીમાં પંજાબી પરિવારમાં થયો હતો. તેના પિતા કોર્નોટ પ્લેસમાં દરજીની દુકાન ચલાવતા હતા. બોલીવુડમાં એન્ટ્રી માટે સંઘર્ષ કરતાં શકિતકપૂરને સુનિલ દત્તે મુલાકાત વેળાએ સંજય દત્તને લોંચ કરતી ફિલ્મ ‘રોકી’માટે સાઇન કર્યોને સાથે તેનું નામ બદલીને શકિતકપૂર કરી નાખ્યું. તેનો તકિયા કલાજી ‘આ…ઉ’ આજે પણ દર્શકો યાદ કરે છે. ૧૯૭૭માં ખિલાડી-ખિલાડી, કુર્બાની-રોકી ૧૯૮૩માં હિંમતવાલાને પછી તો હિરો, રાજાબાબુ, ઇન્સાફ, બાપ નંબરી બેટા દશ નંબરી, અંદાજ અપના-અપના, તોહફા, ચાલબાજ, બોલ રાધાબોલ, માલામાલ વીકલી જેવી અસંખ્ય ફિલ્મોમાં અભિયન કર્યો.
૧૯૮૪માં ‘મવાલી’ફિલ્મ, ૧૯૮૫માં તોહફા, રાજાબાબુ ૧૯૯૫ સાથે અંદાજ અપના અપના, લોફર, જુડવા જેવી ફિલ્મોના અભિયન માટે ફિલ્મ ફેર એવોર્ડ મળ્યો હતો. શકિતકપૂરે નચબલીયે-૩ તથા બીગબોસ જેવી ટીવી શ્રેણીમાં પણ કામ કર્યુ હતું. ૧૯૯૦ થી ૨૦૦૦ ના દશકામાં ઘણી ફિલ્મોમાં શ્રેષ્ઠ અભિનય કર્યો હતો. ખલનાયકના રૂપમાં શકિત કપૂરે ઘણી ફિલ્મો કરી તેમના પ્રખ્યાત ડાયલોગ ‘નંદુ સબકા બંધુ’, ‘આઉ… લોલીતા’દર્શકોને બહુ જ પસંદ પડયા હતા. તેમની શૈલી નિહાળી હતી. તેની પ્રારંભિક ફિલ્મ ખલનાયકનાં પાત્રથી શરૂ થઇને બાદ ઘણી ફિલ્મોમાં વિલનનું અને બાદમાં કોમેડિયન પાત્રમાં શ્રેષ્ઠ અભિયન કર્યો હતો. જાણીતી અભિનેત્રી પદમીની અને તેજસ્વીની મોટી બહેન શિવાંગી કોલ્હાપુરે સાથે લગ્ન કર્યા હતા.
બંગાળનાં શ્રેષ્ઠ અભિનેતા ઉત્તકકુમારનો જન્મ ૩ સપ્ટેમ્બર ૧૯૨૬ના રોજ થયો, તેમનું અવસાન ર૪ જુલાઇ ૧૯૮૦માં થયું હતું. મુળનામ અરુણકુમાર ચેટર્જી હતું. તેમણે મુખ્યત્વે બંગાળી ફિલ્મોમાં વધુ કામ કર્યુ હતું. તેઓ બંગાળના દિલીપકુમાર કહેવાતા હતા માત્ર ૫૩ વર્ષે તેમનું દુ:ખદ અવસાન થયું હતું.
તેમની ફિલ્મી કેરીયર ૧૯૪૮ થી ૧૯૮૦ રહી હતી. તેમને બંગાળ સહિત ભારતમાં મહાનાયક અને ગુરૂ તરીકે પણ ઓળખાતા હતા. સત્યજીત રે ની ફિલ્મ નાયક (ધ હીરો) માં શ્રેષ્ઠ ભૂમિકા હતી. તેમનાં જીવન કથની પરથી આ ફિલ્મની પટકથા લખાય હતી. બાદમાં ૧૯૬૭માં સતયજીત રે સાથે ‘ચિરીયાખાના’ ફિલ્મ કરી હતી. બંગાળી સિનેમા ઇતિહાસ તેના અભિયનને કારણે સુવર્ણ યુગ કહેવાયો હતો. તેની અને સુચિત્રા સેનની જોડી ફિલ્મોને હીટ કરી દેતી હતી.
ઉત્તમકુમારે હિન્દી ફિલ્મ ‘અમાનુષ’માં શ્રેષ્ઠ અભિનય કર્યો હતો. જેનું ગીત ‘દિલ ઐસા કિસીને મેરા તોડા’ આજે પણ ગીતના ચાહકોનું કિશોરકુમારનું શ્રેષ્ઠ ગીત છે. ૧૯૭૫માં આ ફિલ્મ માટે તેમને એવોર્ડ પણ મળ્યો હતો. બંગાળી ફિલ્મોમાં તો ૧૯૫૫,૬૧, ૬૩, ૬૭,૬૮ જેવા લગભગ દર વર્ષે શ્રેષ્ઠ અભિયનેતાનો એવોર્ડ તેની શ્રેષ્ઠ ફિલ્મો માટે મળ્યો હતો.
મહાનાયક ઉત્તમકુમારની યાદમાં કોલકતાના ટોલીગંજ મેટ્રો સ્ટેશનનું નામ બદલીને ઉત્તમ કુમાર મેટ્રો સ્ટેશન કર્યુ હતું. ત્યાં તેમની પ્રતિમા પણ છે. ૨૦૦૯ માં પોસ્ટ વિભાગે તેમની ટપાલ ટિકીટ પણ બહાર પાડી હતી. ઉત્તમ કુમારને ‘લીજેન્ડ ઓફ ઇન્ડિયન સિનેમા’નું બિરૂદ અપાયું હતું. ૨૦૧૫-૧૬ માં તેમને ભારત સરકારે પણ સન્માનીત કર્યા હતા.
૧૯૬૭માં ‘એક છોટી સી મુલાકાત’હિન્દી ફિલ્મથી શરૂઆત કરી હતી. તેમણે રફી સાહેબ અને હેમંતકુમાર જેવા પ્રસિઘ્ધ ગાયક કલાકાર સાથે સારા સંબંધો હતા. તેમના અવસાન સમયે રોડ પર ટ્રાફીક જામ થઇ ગયો હતો. તેમણે જાણીતી અભિનેત્રી સુપ્રીયા દેવી સાથે લગ્ન કર્યા હતા.પતિ-પત્નિ બન્નેએ એક સાથે ઉતરાયણ, અગ્નિ સંસ્કાર, સત્યાસી રાજા જેવી અનેક ફિલ્મોમાં કામ કર્યુ હતું.
ઉત્તમકુમાર ખુબ જ સારા ગાયક પણ હતા. રવિન્દ્ર સંગીતમાં ટાગોરના ગીતોનો સુંદર આલ્બમ બહાર પાડયો હતો. જાણીતા સહાયક અભ્નિેતા તરૂણકુમારના તેઓ ભાઇ હતા. તેમની બંગાળી ફિલ્મો ઉપરથી આપણી ઘણી બધી હિન્દી ફિલ્મો બની જેમાં કાલા પાની, હમ દોનો, અંગુર, સાહબ બીબી ઔર ગુલામ, ચુપકે ચુપકે, અમરપ્રેમ, અભિમાન મોખરે છે. આજે ઘણા બધા ફિલ્મ સ્ટારો અભિનયના બાદશાહ કહે છે.