‘અબતક’ના મોભી સતીષભાઈ મહેતાના પિતા સ્વ.શાંતિભાઈ મહેતાની આજે ૯મી પુણ્યતિથિ
સતત ૨૦ વર્ષ સુધી પડધરીના સરપંચપદે રહેલા સ્વ.શાંતિભાઈએ ગામમાં લાઈટ, ઘેર ઘેર નળ દ્વારા પાણીની સુવિધા, ગટરની વ્યવસ્થા, સ્મશાન, ગામના ચોરાથી માંડીને તમામ સુવિધાથી ગામને ખરા અર્થમાં ગોકુળિયું બનાવ્યું હતું
સેવા સમર્પણ અને રાષ્ટ્ર સેવામાં સંપૂર્ણપણે સમર્પિત સેવામૂર્તિ સ્વ.શાંતિભાઈ મહેતાએ દાયકાઓ પહેલા ગુજરાતના જ નહીં સમગ્ર દેશમાં પંચાયતી રાજમાં ગામડાનો અને ગ્રામજનોનો કેવો વિકાસ થાય તેનો એક આગવો ઈતિહાસ રચ્યો હતો. સેવામૂર્તિ નગરસેવક અને માત્રને માત્ર માનવ સેવા અને રાષ્ટ્ર સેવાના હેતુથી પંચાયતી રાજના રાજકારણમાં સક્રિય થઈને પડધરીના સરપંચ તરીકે દાયકાઓ સુધી સેવા આપનાર સ્વ.શાંતિભાઈ મહેતાને આજે પણ પડધરી સહિત સમગ્ર પંથકના લોકો નિસ્વાર્થ, નિડર અને પરકાજે કાયા ઘસીને લોકોના દુ:ખ દૂર કરનાર પોતીકા સ્વજન તરીકે આજે પણ યાદ કરે છે.
પડધરી ગામના સરપંચ તરીકે દાયકાઓની સમાજ સેવા થકી જનમાનસમાં અમર બનેલા સરપંચ શાંતિભાઈ મહેતાનો આજે તા.૩૦મી જાન્યુઆરીએ આવતી પૂણ્યતિથિ માત્ર મહેતા પરિવાર માટે જ નહીં પરંતુ પડધરી પંથકના લોકોને પણ એક પોતીકા સ્વજનની તિથિ તરીકે યાદ રહે છે.
મુળ પડધરીના વતની અને સમગ્ર પંથકમાં સખાવતી મહાજન અને ગરીબોના બેલી તરીકે છાપ ધરાવતા ગ્રામજનોના મદદગાર સ્વ. શાંતિલાલ ઓધવજીભાઈ મહેતા ‘શાંતિભાઈ’એ દાયકાઓ પૂર્વે પંચાયતી રાજની અસરકારક કામગીરી અને ગામડાની સુવિધાઓમાં સ્માર્ટનેસનો સંચાર કરાવ્યો હતો. ૩૦ જાન્યુઆરી ૨૦૦૯ના સંધ્યાકાળે આ ફાની દુનિયાને અલવિદા કરી દેનાર સ્વ.શાંતિભાઈ આજે પણ પડધરીના ગ્રામજનો અને સમગ્ર પંથક મહાજન અને એક સારા સરપંચ તરીકે યાદ કરે છે.
પડધરી પંથકમાં ગર્ભશ્રીમંત મહેતા પરિવારમાં જન્મીને માનવ સેવાના સંસ્કારોનું સિંચન કરીને યુવાન થયેલા શાંતિભાઈ મહેતા યુવા અવસ્થાથી જ પરદુ:ખ ભજનનો પારિવારીક સંસ્કારોનો સ્વભાવ ધરાવતા હતા. પરિવારના જામેલા વેપાર-ધંધામાં શાંતિભાઈનું યોગદાન ખુબ મોટુ હતું. એકના અનેક કરવાના વાણીયાના દિકરાના ગુણને શાંતિભાઈએ જીવનમાં માત્ર બેંકના ખાતાઓમાં ધનના ઢગલા કરવા માટે જ નહોતો ઉપયોગ કર્યો. શાંતિભાઈએ એકના અનેક કરવાના વાણીયાના દિકરાના ગુણને સામાજિક સેવા અને સંબંધોના ગુણાકાર માટે ઉપયોગ કર્યો હતો.
કપાસ, સીંગદાણા અને ખેતીની ઉપજની લે-વેચના વ્યવસાય સાથે જોડાયેલા શાંતિભાઈએ પરિવારનો આ ધંધો માત્ર નફો રળવા માટે જ નહીં પરંતુ ગામના લોકોનું સુખ અને જરૂરીયાતમંદોને કામ આવવાની ભાવનાને ઉજાગર કરવા માટે પણ કર્યો હતો.
શાંતિભાઈ મહેતા યુવા વયથી જ માનવ સેવા અને સમાજ સેવાને વરેલા યુવાન તરીકે સમગ્ર પંથકમાં પ્રખ્યાત થયા હતા. શાંતિભાઈની આ સખાવત, માનવતા અને પરકાજે કાયા ઘસવાના ગુણના ‘અનુરાગી’ બનીને પડધરીના ગ્રામજનોએ કોઈપણ જાતના રાજકારણનો ભ્રમ રાખ્યા વિના શાંતિભાઈ મહેતાને સ્વયંભૂ ગામનું સરપંચ પદ સોંપ્યું હતું.
શાંતિભાઈએ પણ ગ્રામજનોની આ લાગણીને સંપૂર્ણપણે ન્યાય આપીને પારિવારીક ધંધાના વિકાસ અને પરિવારની જવાબદારીની સાથે સાથે ગ્રામ સેવામાં ૨૪ કલાક પોતાની જાતને સમર્પિત કરી દીધી. ૨૦ વર્ષ સુધી ગામના સરપંચ પદે રહેલા શાંતિભાઈએ પંચાયતી વહીવટમાં પારદર્શકતા લાવીને ગ્રામજનોના કરની એક-એક પાઈનું વળતર લોકોને પ્રાથમિક સુવિધા પૂરી પાડીને આપવાનું શરૂ કર્યું.
ગામમાં લાઈટ, ઘેર-ઘેર નળ દ્વારા પાણીની સુવિધા, ગટરની વ્યવસ્થા ઉભી કરવામાં આવી, ગામના રસ્તા,સ્મશાન, અંતિમ વિશામા અને ગામના ચોરાથી લઈ ગામમાં વૃક્ષારોપણ, ગામ સુશોભન અને લાઈટ, પાણી, રસ્તાની તમામ સુવિધાઓથી ગામને ખરા અર્થમાં ગોકુળીયુ બનાવ્યું હતું.
સરપંચ બનેલા શાંતિભાઈએ ગ્રામપંચાયતના સભ્યોની જેમ ગામના દરેક વર્ગના લોકોના પરિવાર સાથે ઘરના સભ્યો જેવો નાતો બાંધ્યો હતો. ગામમાં આવતી આપત્તિ અને સુખ-દુ:ખના પ્રસંગોમાં શાંતિભાઈ દરેક ગ્રામજનોની પડખે રહેતા હતા. કોઈને શાંતિભાઈ પારકા લાગતા ન હતા. ૨૦ વર્ષના સરપંચકાળ દરમિયાન શાંતિભાઈના રાજકીય, સામાજિક લાભથી ગામ દિવસે ને દિવસે સમૃધ્ધ બન્યું. સરપંચ હતા ત્યારે શાંતિભાઈના મિત્ર ગણાતા સહકારી અગ્રણી વલ્લભભાઈ પટેલની મૈત્રીએ ગામને ઘણો લાભ અપાવ્યો. શાંતિભાઈના મિત્રો તેમને રાજકારણમાં વધુ ખેંચવા માંગતા હતા પરંતુ શાંતિભાઈએ પોતાની રાજકીય અને માનવ સેવાનું ક્ષેત્ર પડધરી ગામને જ બનાવી રાખ્યું હતું.
આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સ્માર્ટ સિટી અને સ્માર્ટ ગામડાઓનો જે ક્ધસેપ્ટ આપ્યો છે તે ગામડાની સ્માર્ટનેસ શાંતિભાઈએ પડધરીને દાયકાઓ પહેલા આપી હતી. દુકાળના વર્ષમાં મહાજન શાંતિદાદાએ કેટલ કેમ્પો શરૂ કરાવ્યા હતા, ગાયો અને પશુઓને નિભાવવા માટે આખે આખા શેરડીના વાડ રાખી લોકભાગીદારોથી દુકાળના વર્ષમાં પશુઓને બચાવી લીધા હતા. પડધરીમાં બટુક ભોજન, ક્ધયા કેળવણીની ઉપાસના જેવા સામાજિક કાર્યક્રમોમાં શાંતિભાઈ કયારેય પાછા પડતા ન હતા.
એક વખત ગામમા મનહરલાલજી મહારાજની નકકી થયેલી કથા છેલ્લી ઘડીએ મુલત્વી રાખવાની નોબત આવેલ. ગામના સરપંચ અને મહાજનના દિકરા તરીકે શાંતિભાઈએ છેલ્લી ઘડીએ મુલત્વી રહેલી કથાના આયોજનનું બિડુ ઝડપી લીધું અને હજ્જારો ભાવિકોની મેદનીઓને કથાનું સુપેરે સંચાલન કરીને પોતાની નેતૃત્વ શક્તિ અને મહાજનપણાની પ્રતિતિ કરાવી હતી.
આજ રીતે ૧૯૮૨માં પડધરીના દેરાસરની પ્રાણ પ્રતિષ્ઠામાં પણ શાંતિભાઈએ ૫૦ હજાર શ્રાવકોને જમાડવાની જવાબદારીથી લઈ તમામ વ્યવસ્થા સુપેરે પાર પાડીને પોતાની કાબેલીયત અને સમાજ સેવાનો પરિચય આપ્યો હતો. દુષ્કાળના વર્ષો હોય કે સમાજની મુશ્કેલીઓમાં સાચુ બોલી કોઈની સેહશરમ ન રાખી માત્ર બીજાને મદદ કરવા તત્પર રહેતા શાંતિભાઈની એક નબળાઈ હતી તે કોઈનું દુ:ખ જોઈ શકતા ન હતા.
રોતા આવનારને હસ્તા મોઢે વિદાય આપવી, ભુખ્યાને જમાડવા, મુશ્કેલીમાં સપડાયેલાઓને મદદ કરવી, ગામમાં એવી સ્થિતિ જ ઉભી થાય કે લોકોને કોર્ટ કચેરીના ચકકરમાં ન પડવું પડે. પડધરી ગામમાં કયારેય ખાખીના આંટાફેરા ન થાય તે માટે શાંતિભાઈએ પોતાના સરપંચકાળમાં કયારેય આખી રાતની નિંદર નહોતી કરી મોડે સુધી જાગી વહેલી સવારે સુરજ ઉગે તે પહેલા શાંતિભાઈની સેવાનો ઘોડો દોડવા લાગતો હતો. ગાંધીજીની સત્ય, અહિંસા અને સરદાર વલ્લભભાઈ પટેલનું નિડર નેતૃત્વના સમન્વય જેવા શાંતિદાદાએ પડધરી અને સમગ્ર પંથકની જે સેવા કરી હતી તે આજે પણ લોકો યાદ કરે છે.
દાયકાઓ સુધી સફળ સરપંચ, જવામર્દ શાંતિદાદાને ભારતના ભામાશા સ્વ.દિપચંદ ગારડી પણ ખુબજ ચાહતા હતા, તે કહેતા હતા કે, મારૂ પડધરી રૂડુ રૂપાળુ છે. તે પેરીસ જેવું છે પણ મને ખાતરી છે કે આ ગામનું સુખ શાંતિભાઈની સેવામાં જ છુપાયેલું છે. ૧૯૮૨માં પડધરીમાં દેરાસરની પ્રાણ પ્રતિષ્ઠામાં પણ દિપચંદભાઈ ગારડીએ શાંતિભાઈની સેવાનો સહારો લીધો હતો. શાંતિભાઈ હમેશા ગામની દરેક સુવિધાઓ માટે તત્પર રહેતા, તેમને ગામમાં ઘેર-ઘેર નળ વર્ષો પહેલા પાકી શેરીઓ, સ્ટ્રીટ લાઈટ, બગીચો, પશુ દવાખાનું, ચરખા કેન્દ્ર, કુવા ઉંડા ઉતારી ગામને પાણી માટે સ્વાવલંબી બનાવવું, ગર્લ્સ હાઈસ્કૂલ, પુસ્તકાલય, કુતરાને રોટલા, કબુતરને ચણ, કીડીયા‚, ગીતાનગરમાં ગરીબો માટે ૨૫૦ મકાનો બનાવવાનું ઉત્તરદાયીત્વ જેવી સુવિધા શાંતિભાઈએ દાયકાઓ પહેલા ગામને આપી હતી.
ગામમા કોઈ અનિષ્ઠ ન પ્રવેશે તે માટે શાંતિભાઈ સતત સજાગ રહેતા હતા. જવાની અને શરીરે સાથ આપ્યો ત્યાં સુધી શાંતિભાઈએ ગામની રખેવાળી કરી અને ત્યારપછી સમય અને સંજોગો બદલાયા, રાજકારણના પવન ફર્યા પછી શાંતિભાઈના જયેષ્ઠ પુત્ર સતીષભાઈ મહેતા અભ્યાસ કરી પરત આવ્યા પછી સમજાવટ અને સમયના તકાજાથી શાંતિભાઈએ રાજકારણમાંથી સ્વેચ્છાએ નિવૃત્તિ લીધી. શાંતિભાઈ મહેતાનો પરિવાર રાજકોટમાં સ્થાયી થયું પરંતુ તેમની સેવાનો નાતો હમેશા તેમની સાથે રહ્યો.
‘કર્મ એજ ધર્મ’ના સિધ્ધાંતને જીવનભર જાળવી રાખ્યું. પડધરીના આદર્શ સરપંચ અને સમાજના પોતીકા સેવક બનીને જીવનભર લોકસેવામાં રત રહેલા નગરસેઠ સ્વ.શાંતિભાઈ મહેતાના જીવનમાં કથની અને કરણીનો યોગ જળવાઈ રહ્યો હતો. કુદરતે પણ તેમને આ આદર્શ જાળવવામાં મદદ કરી હતી. ગાંધી વિચારધારાને વરેલા સત્ય અને અહિંસાના પ્રતિક એવા શાંતિભાઈ મહેતા માત્ર વિચારમાં જ ગાંધીવાદી ન હતા, જીવનના આચરણમાં પણ તેમણે ગાંધીજીની ‘સત્વતા’ જાળવી રાખી હતી. શાંતિભાઈ મહેતાએ જીવનભર ખાદીના કપડા અને સાદા ચપ્પલને જ અપનાવ્યા હતા. સાદગી તેમનો આદર્શ હતો. પરિવારની જાહોજલાલી તેમના જીવનના સાદાઈના સંસ્કારમાં જરાપણ અસર કરતા બની ન હતી.
પડધરીથી રાજકોટ આવીને શાંતિભાઈ મહેતા સાવ નિવૃત્ત થયા ન હતા. અહીં આવીને માર્કેટીંગ યાર્ડમાં પોતાના પિતાના નામની વેપારી પેઢીમાં તેઓએ તેમની પ્રવૃત્તિનો યજ્ઞ ચાલુ રાખ્યો. વેપારમાં પણ ઈમાન્દારી અને નિષ્ઠાના પ્રતિક શાંતિભાઈ મહેતાએ ખેડૂતો અને વેપારીઓને યોગ્ય વહીવટી માર્ગદર્શન આપી પોતાની નેતૃત્વ શક્તિનો છેલ્લે સુધી સમાજના હિતમાં ઉપયોગ કર્યો હતો. રાજકોટમાં પણ માનવ સેવા અને જીવદયાના પ્રયાય બનેલા શાંતિભાઈ મહેતાએ જીવનમાં કર્મ એજ ધર્મનો સમન્વય નિષ્ઠાપૂર્વક નિભાવ્યો હતો.
ખેડૂતો પાસેથી ઓછા ભાવે માલ પડાવી લેવાની વૃત્તિ સામે ખેડૂતોને હમેશા રક્ષણ આપ્યું હતું. ખેડૂતોના માલનો પોષણક્ષમ ભાવ મળી રહે તેની સદાયે શાંતિભાઈ ખેવના રાખતા હતા. ગાંધીજીના આદર્શ શાંતિભાઈના જીવનમાં ગાંધીવિચારધારા કાયમ હયાત રહી. ઈશ્ર્વરે પણ એવા યોગ સર્જયા કે, ૩૦મી જાન્યુઆરીએ ગાંધી નિર્વાણ દિવસે જ શાંતિલાલ મહેતાએ દેહત્યાગ કર્યો. જીવનના છેલ્લા દિવસે પણ ચાર વાગ્યા સુધી માર્કેટીંગ યાર્ડની પેઢીએ કામકાજ કરીને સાંજે ઘેર આવ્યા ત્યારે બાળકોને ચોકલેટ આપી દાદાનું વ્હાલ પણ તેમણે આપ્યું હતું. જીવનની છેલ્લી ઘડી સુધી કાર્યરત રહીને શાંતિભાઈએ જીવનમાં કર્મને જ ધર્મ બનાવવાનો આદર્શ જાળવી રાખ્યો હતો.
શાંતિભાઈના પરિવારના રાજકોટમાં વ્યવસાય છતા તેમણે વેપારીઓ માટે માર્ગદર્શન કેન્દ્ર, ગરીબોની મદદ માટે સમાજ સેવાનું કાર્ય હમેશા ચાલુ રાખ્યું. ઈન્દોરમાં દોહિત્રીના લગ્નમાં જવાની ઈચ્છા અધુરી રહી અને શાંતિભાઈ ૮૦ વર્ષનું જાહોજલાલી ભર્યું જીવન છોડી લીલીવાડી મુકી ૩૦ જાન્યુઆરી ૨૦૦૯ના રોજ વિદાય થયા ત્યારે રાજકોટ અને પડધરી પંથકે એક પોતીકો સ્વજન ગુમાવ્યાનો આંચકો અનુભવ્યો હતો. શાંતિભાઈની ઈચ્છા અનુસરી પરિવારજનોએ દોહિત્રીના લગ્ન દીપાવ્યા શાંતિભાઈ મહેતા અત્યારે આ દુનિયામાં નથી પરંતુ તેમણે કરેલા કાર્ય અને સમાજ સેવા પડધરી અને રાજકોટમાં શાતિભાઈએ કરેલી સુવિધા અને સમાજને આવકારદાયી પરંપરાના રૂપમાં આજે પણ અમર બનીને જીવી રહી છે.