ગુજરાત રાજ્ય મોડલ અને વિકાસની ગાથા વચ્ચે વાંકાનેર તાલુકાના નાના એવા પાજ ગામના ગ્રામજનોએ સરકારશ્રીને સ્પષ્ટ સંદેશો આપ્યો છે કે આપની વિકાસની વાતો ફક્ત જાહેરાતો અને ચૂંટણીલક્ષી જ રહી છે કારણ કે વર્ષોથી ગ્રામજનોની વેદના ના તો સરકારના મંત્રીઓએ જાણી કે ના સરકારના અધિકારીઓ એ. ગ્રામજનોની માગણી સરકારી કચેરીમાં વર્ષો સુધી ધૂળ ખાતી રહી અને કોઇ જ પરિણામ ન આવતાં ગ્રામજનોએ એક એવો નિર્ણય લીધો કે આખી સરકારી વિકાસની વાતને ખળભળાવી મૂકી.
વાંકાનેર તાલુકા મથકથી 13 કિમી દૂર નાના એવા પાજ ગામે પહોંચવા માટે વચ્ચે મછુ નદી આવે છે અને ચોમાસાની સિઝનમાં મચ્છુ નદી અને ગામની પાછળ મછોરો વોકળો આવેલ હોય ચોમાસાના પાણી ગામને ફરતે હોવાથી ચાલુ વરસાદે આ ગામ બોટમાં ફેરવાઈ જતું હોવાથી અને ગામ સંપર્ક વિહોણું થઇ જવાથી વર્ષોથી ગ્રામજનો પીડાતા હતા અને અનેક વખત સરકારી અધિકારીઓ અને સ્થાનિક રાજકીય આગેવાનો અને મુખ્યમંત્રી સુધી ગામ ની વેદના ગ્રામજનોએ વર્ણવી અનેક રજૂઆતો કરી પરંતુ તેમની રજૂઆતો નું પરિણામ મળતું ન હતું ત્યાં સુધી કે ચોમાસા દરમિયાન ગામને રાસન પણ ખલાસ થઇ જતું. બીમારી કે પ્રસૂતિ માટે પણ ચોમાસા દરમિયાન ગામની બહાર નીકળી શકાતું ન હતું આવા બધા પ્રશ્નોના લીધે ગ્રામજનો હેરાન પરેશાન થઈ રહ્યા હતા. અંતે ગ્રામજનોએ સરકારની અપેક્ષા છોડી અપના હાથ જગન્નાથ સુત્રને સાર્થક કરી ગ્રામ સમિતિ બનાવી અને ઘરદીઠ ફાળો એકત્ર કર્યો બાકી રકમ આજુબાજુના ગ્રામજનોએ અને ઉદ્યોગપતિઓએ પણ આપી. આમ ગ્રામજનો દ્વારા બિનરાજકીય રીતે અંદાજિત એક કરોડના ખર્ચે બ્રિજનું નિર્માણ શરૂ કર્યું.
આ ઉપરાંત આ પુલ બનાવવા માટે કોઈ ને મજૂરીએ પણ રાખવામાં આવ્યા નથી ગ્રામજનો દ્વારા જાત મહેનતથી પૂલનું નિર્માણ કાર્ય ચાલુ કરવામાં આવેલ. એન્જિનિયરિંગ પણ ગ્રામજનો દ્વારા કરવામાં આવેલ આમ જે કામ સરકારી અધિકારીઓએ કરવું જોઈએ તે કામ ગ્રામજનો દ્વારા ફક્ત ૨૦૦ દિવસમાં પરિપૂર્ણ કરી સરકારી અધિકારીઓને બતાવ્યું કે તમે જે કામમાં વર્ષો લગાડો છો તે કામ અમે થોડા દિવસોમાં પરિપૂર્ણ કરી શકીએ છીએ.
ગઈકાલે આ બ્રિજને લોકાર્પણ પ્રસંગે મોરબી જિલ્લા કલેક્ટરશ્રી, વાંકાનેર મામલતદાર, વાંકાનેર તાલુકા પી. એસ. આઈ. અને વીજ કંપનીના અધિકારીઓ હાજર રહેલ અને જિલ્લા કલેકટર દ્વારા આ બ્રિજનું લોકાર્પણ કરી ગ્રામજનો માટે ખુલ્લો મુકવામાં આવેલ. ગ્રામજનો રાજકીય વ્યક્તિઓથી એટલા કંટાળી ગયા છે કે આ લોકાર્પણ કાર્યક્રમમાં રાજકીય વ્યક્તિઓને આમંત્રણ પણ આપવામાં આવેલ ન હતું.