પ્રદૂષણ સહિતના પ્રશ્ર્ને રોષે ભરાયેલા નાકરાવાડીના લોકોએ ગઇકાલ બપોરથી 20 ટન કેપેસિટીના કચરાના 30 જેટલા ડમ્પર રોકી દેતાં શહેરના તમામ વોર્ડમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનની કામગીરી બે કલાક માટે બંધ: સમજાવટ અને બાંહેધરી બાદ સમાધાન

શહેરના તમામ 18 વોર્ડમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન દરમિયાન એકત્રિત થતાં કચરાનો નિકાલ કોર્પોરેશન દ્વારા નાકરાવાડી ગામ ખાતે આવેલી ડમ્પીંગ સાઇટ ખાતે કરવામાં આવે છે. પ્રદૂષણ મુદ્ે ગ્રામજનો અને કોર્પોરેશન વચ્ચે વર્ષોથી બબાલ ચાલી રહી છે. દરમિયાન ચાલુ વરસાદમાં કચરો નદીમાં ભળી જતા પાણી પ્રદૂષિત થઇ જવા પામ્યું છે. જેના વિરોધમાં ગઇકાલે નાકરાવાડીના ગ્રામજનો રોડ પર ઉતરી આવ્યા હતા. કચરો લઇને આવતા કોર્પોરેશનના 20 ટન કેપેસિટીના 30 જેટલા ડમ્પરોને ડમ્પીંગ સાઇટ ખાતે જતા અટકાવી દેવામાં આવતા આજે તમામ વોર્ડમાં સવારે બે કલાક માટે ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનની કામગીરી રઝળી જવા પામી હતી. જો કે, સમજાવટ અને યોગ્ય કરવાની બાંહેધરી બાદ બપોરે સમાધાન થયું હોવાનું જાણવા મળી રહ્યું છે.

છેલ્લા 10 દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે નાકરાવાડી ડમ્પીંગ સાઇટનો કચરો નદીમાં ભળી જતાં પાણી પ્રદુષિત થઇ ગયો છે. અતિશય ગંદકી અને દુર્ગંધ સહિતના પ્રશ્ર્ને ગઇકાલે બપોરે નાકરાવાડી ગામના લોકો વિરોધમાં રોડ પર ઉતરી આવ્યા હતા. કચરા નિકાલ માટે નાકરાવાડી ડમ્પીંગ સાઇટ ખાતે આવેલા ડમ્પરોને રોકી દેવામાં આવ્યા હતા. આજે બપોર સુધીમાં અંદાજે 30 જેટલા ડમ્પરો રોકી દેવામાં આવતા સવારે તમામ 18 વોર્ડમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનની કામગીરી બે કલાક માટે રઝળી પડી હતી. પાઇપલાઇન ફીટ કરવા અને અન્ય સમસ્યાઓ ઝડપી નિકાલ કરી દેવાની બાંહેધરી આપતા સમાધાન થયું હતું અને ગ્રામજનોએ ડમ્પરને ડમ્પીંગ યાર્ડ ખાતે જવાની છૂટ આપી હતી.

શહેરનો તમામ ઘન કચરો એકઠો કરીને રાજકોટ મહાનગરપાલિકા નાકરાવાડી સ્થિત ડમ્પિંગ સાઈટમાં નાખે છે. આ કચરાનું પ્રોસેસિંગ કરવાનું હોય છે. જોકે વર્ષોથી આ મામલે વિવાદ થયા છે અને તેનું પરિણામ ગામવાસીઓને ભોગવવું પડ્યું છે. પ્રોસેસિંગના અભાવે કચરાના ડુંગરો ઊભા થયા છે અને તેને કારણે જમીન અને જળનું પ્રદૂષણ થયું છે. મનપાએ પ્રોસેસિંગ માટે કરોડો રૂપિયા ખર્ચ કર્યા બાદ પણ પરિણામ નથી મળ્યું. વરસાદ બાદ ફરીથી પ્રદૂષણ ફેલાતા ગ્રામવાસીઓ કે જે 20 વર્ષથી પ્રદૂષણ અટકાવવા લડત ચલાવી રહ્યા છે તેઓએ ફરિયાદ કરવા માટે જીપીસીબીને બોલાવી હતી અને મનપાના ડમ્પર અટકાવી દીધા હતા. નાકરાવાડીમાં ડમ્પિંગ સાઈટને કારણે માત્ર નાકરાવાડી જ નહિ આસપાસના અનેક ગામો પ્રભાવિત થયા છે. પ્રદૂષણ સામે જંગે ચડેલા લોકોએ અથાગ પ્રયત્ન કરતા ગ્રીન ટ્રિબ્યૂનલે મનપાની ભારે ઝાટકણી કાઢી છે અને દંડ પણ ફટકાર્યો છે. જેને લઈને મનપાએ જૂના કચરાનો નિકાલ અને નવો કચરો પ્રોસેસિંગ પ્લાન્ટમાં મોકલવાનું કામ ચાલુ કરીને હવે પ્રદૂષણ નહિ ફેલાય તેવી ખાતરી આપી હતી.

જો કે આ બાંહેધરી ખોટી નીકળી હતી. નાકરાવાડીના અનેક કચરાના ડુંગરો પર વરસાદ પડતા પાણી શોષાયું હતું અને હવે આ પાણી કચરાનું ધોવાણ કરીને

આસપાસના નદી-નાળામાં ભળી રહ્યું છે. કચરામાંથી નીકળેલું આ પાણી ગટરના પાણી કરતાં પણ ગંદું અને પ્રદૂષિત છે અને આખા ગામમાં દુર્ગંધ ફેલાઈ છે. જેને લઈને ગામવાસીઓએ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓને ફરિયાદ કરી હતી અને સ્થળ પર બોલાવ્યા હતા. જો કે અધિકારીઓએ એમ કહ્યું કે, આ અટકાવવાનું કામ મનપાનું છે. તેને જાણ કરો. આ કહેતાં જ ગામવાસીઓએ પિત્તો ગુમાવ્યો હતો અને કહ્યું હતું કે, જીપીસીબીને સફાઈ કરવા નહિ પણ મનપા સામે ફરિયાદ કરવા માટે બોલાવવામાં આવ્યા છે. ત્યારબાદ અધિકારીઓએ સર્વેની કામગીરી કરી હતી.

બીજી તરફ મનપાના કચરા ભરેલા ડમ્પર નાકરાવાડી સાઈટ પર જતા હતા. તેમને અટકાવી દઈને વિરોધ કર્યો હતો. જ્યાં સુધી પ્રદૂષિત પાણી વહેતું બંધ ન થાય ત્યાં સુધી કોર્પોરેશનને કામ કરવા દેવામાં આવશે નહિ તેવું કહેતા અધિકારીઓમાં દોડધામ થઈ પડી હતી.

વોર્ડ નં.13ના એસએસઆઇને સફાઇ કામદારે માર માર્યો

શહેરના વોર્ડ નં.13ના એસએસઆઇ વિશાલ રાઠોડને રજા ન આપવા મુદ્ે એક હંગામી સફાઇ કામદારે મારમાર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. તેને હાથમાં ઇજા થવા પામી છે. પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ ચાલી રહી છે. વોર્ડ નં.13/એ ની વોર્ડ ઓફિસે આજે સવારે એક હંગામી સફાઇ કામદારે વોર્ડના એસએસઆઇ વિશાલ રાઠોડ સાથે બબાલ સર્જી હતી અને એસએસઆઇ પર હુમલો કર્યો હતો. વિશાલ રાઠોડને હાથમાં ઇજા થવા પામી છે. આ ઘટનાની જાણ થતા પર્યાવરણ ઇજનેર નિલેશ પરમાર સહિતના અધિકારીઓ વોર્ડ ઓફિસે દોડી ગયા હતા. તાત્કાલીક પોલીસને જાણ કરી દેવામાં આવી છે. સમગ્ર ઘટનામાં હંગામી સફાઇ કામદાર સામે પોલીસ ફરિયાદ નોંધવાની તજવીજ ચાલી રહી છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.