ગામમાં કાયમી તલાટી મંત્રી ન મુકાતા ગ્રામજનોએ ગ્રામસભાનોમાં રોષ: આ સમગ્ર મામલે સરપંચ પોતે અજાણ હોય તેવો ઢોંગ કરી પોતાનો કર્યો લુલો બચાવ
હળવદ તાલુકાના રણમલ પુર ગામે ગ્રામસભાનું આયોજન કરવામાં આવનાર હોય પરંતુ ગામમાં તલાટી મંત્રીની જગ્યા ભરવામાં ન આવતી હોવાથી ગ્રામજનોએ ગ્રામસભાનો બહિષ્કાર કરતા તંત્રમાં દોડધામ મચી જવા પામી છે જ્યારે બીજી તરફ સરપંચ સમગ્ર કાર્યક્રમથી અજાણ હોવાનું જણાવી પોતાનો લુલો બચાવ કર્યો હતો.
ગ્રામજનોના પ્રશ્નો તંત્ર સુધી પહોંચે અને ગ્રામ્ય વિસ્તારનો સાચી દિશામાં વિકાસ થાય તેવા હેતુ સાથે ગ્રામ સભાનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે આજરોજ હળવદ તાલુકાના રણમલપુર ગામે ગ્રામ સભાનું આયોજન કરવામાં આવનાર હોય પરંતુ ગામમાં છેલ્લા ઘણા સમયથી કાયમી તલાટી મંત્રીની જગ્યા ન ભરાતા અને હાલ ઇન્ચાર્જ તલાટી દ્વારા કામ ચલાવાતુ હોવાથી ગ્રામજનો રોષે ભરાયા હતા અને કાયમી તલાટીની જગ્યા ભરવા માંગ કરી હતી.
તો સાથો સાથ રણમલપુરના ગ્રામજનો દ્વારા ગામમાં કાયમી તલાટી મુકવાની માંગ સાથે આજે યોજાનાર ગ્રામ સભાનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો જ્યારે આ અંગે જિલ્લા વિકાસ અધિકારીને રણમલપુર ગ્રામ પંચાયતના લેટર પેડ પર રજૂઆત કરવામાં પણ આવી હતી. આ અંગે ગામના સરપંચ જાગૃતીબેન અમૃતભાઈ વામજાનો સંપર્ક કરાતા તેઓએ જણાવ્યું હતું કે મે કયાય રજૂઆત કરી નથી અને જે લેટરપેડમાં સહી કરવામાં આવી છે એ પણ મારી નથી તેમ કહી પોતાનો બચાવ કરીને છટકી ગયા હતા. તો સવાલ એ થાય છે કે ગ્રામજનોની રજૂઆતમાં પણ સરપંચ સાથ નથી દેતા કે શું ? સરપંચને ગામનો વિકાસ કરવો છે કે નહીં ? જેવા અનેક સવાલો અહીં ઉઠવા પામ્યા છે.