વિક્રમ સંવંત ૨૦૮૧ની શરૂઆત માં શનિ મહારાજ કુંભ રાશિમાં વક્રી ચાલી રહ્યા છે જયારે ૧૫ નવેમ્બરથી તેઓ માર્ગી થશે અને ૨૯ માર્ચ ૨૦૨૫ થી મીન રાશિમાં પ્રવેશ કરશે જયારે ગુરુ શરૂઆતમાં વૃષભમાં વક્રી છે જે ૪ ફેબ્રુઆરી ૨૦૨૫ના માર્ગી થશે અને ૧૪ મેં ૨૦૨૫થી મિથુન રાશિમાં પ્રવેશ કરશે જયારે છાયા ગ્રહ રાહુ અને કેતુ શરૂઆતમાં અનુક્રમે મીન અને કન્યામાં છે જે તેની સદાની વક્રી ચાલે ૧૮ મેં ૨૦૨૫ થી અનુક્રમે કુંભ અને સિંહમાં આવશે.
1. મેષ (અ,લ,ઈ) : વિક્રમ સંવંત ૨૦૮૧ માં તમારા માટે મિશ્ર અનુભવ રહેશે , ગુરુ મહારાજ પણ ફેવરેબલ છે વળી રાહુ ની અસર ધીમે ધીમે પોઝિટિવ થશે , જેના આધારે કહી શકાય કે મેષ રાશિના લોકો માટે મિશ્ર પરિણામો અથવા અનુભવો થવાની સંભાવના છે. આરોગ્ય, કારકિર્દી અને વૈવાહિક જીવનના ક્ષેત્રમાં આખા વર્ષ દરમિયાન ઉતાર-ચડાવ આવી શકે છે. આ વર્ષ મેષ રાશિ સાથે સંકળાયેલા લોકોના સ્વાસ્થ્યની દ્રષ્ટિએ વધુ સજાગ રહેવાનું વર્ષ છે. નાની મોટી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ રહી શકે છે જેના કારણે માનસિક તાણની સ્થિતિ પણ ઊભી થઈ શકે છે. જીવનસાથી સાથેના સંબંધોમાં બિનજરૂરી ગેરસમજો થઈ શકે છે જો કે બહુ જલ્દી તેનું નિરાકરણ થતું પણ જોવા મળશે. જે મિત્રો પ્રણયમાર્ગે માર્ગે જવા ઈચ્છે છે તેમને સારા સબંધ મળી રહેશે. વિક્રમ સંવંત ૨૦૮૧ માં મેષ રાશિના લોકોએ કારકિર્દીના ક્ષેત્રમાં વિશેષ કાળજી લેવાની જરૂર છે. આ વર્ષે તમારી કારકિર્દીમાં થોડી રુકાવટો આવી શકે છે. વર્ષના મધ્ય ભાગથી નોકરીમાં પરિવર્તનની પણ સંભાવનાઓ છે. આ વર્ષે મેષ રાશિના લોકોની અંદર વધુ મહેનત કરીને ઓછા પરિણામ મળવાની ફરિયાદ રહે છે. જે વિદ્યાર્થીઓ વિદેશમાં અભ્યાસ કરવાનું વિચારી રહ્યા છે અથવા હાલમાં વિદેશમાં અભ્યાસ કરી રહ્યા છે તેઓને પણ ગુરુના આ ગોચરથી લાભ થવાની અપેક્ષા છે. વિક્રમ સંવંત ૨૦૭૮માં મેષ રાશિના લોકોનું દામ્પત્ય જીવન સામાન્ય રહેવાની સંભાવના છે. નાણાકીય દૃષ્ટિકોણથી આ વર્ષની શરૂઆત મેષ રાશિના લોકો માટે વધુ સારી રહેશે. માગશર માસ માં મેષ રાશિના લોકો શુભ ફળ મેળવી શકે છે. આ વર્ષે તમારા વડીલોની સંપત્તિમાં વધારો થવાની સંભાવનાઓ છે જે તમારા માટે ચોક્કસપણે ફાયદાકારક રહેશે. આ વર્ષે તમને નજીવી શારીરિક સમસ્યાઓ અને પાચક તંત્રને લગતી કેટલીક બીમારીઓ રહી શકે છે. વિવાહયોગ્ય મિત્રો માટે સારી વાત આવી શકે છે. એકંદરે વર્ષ તમારા માટે ઘણું પ્રભાવી રહેશે. આ વર્ષે તમામ રીતે સુખ શાંતિ સમૃદ્ધિ માટે તમે ગણેશજીની આરાધના કરી શકો તેમને દરરોજ દુર્વા ચડાવી ગોળ ઘી ધરવાથી લાભ થાય અને તમારે આ વર્ષે સુખી થવા માટે શિવક્ષેત્રમાં કે ખુલ્લી જગ્યામાં ખેરનું વૃક્ષ વાવી તેનું જતાં કરવું જોઈએ.
2. વૃષભ (બ,વ,ઉ) : વૃષભ રાશિના મિત્રો માટે વિક્રમ સંવંત ૨૦૮૧ અનેક ભેટ સોગાદ લઈને આવી રહ્યું છે આ વર્ષે તમે શનિની પનોતી માં નથી વળી ગુરુ મહારાજ પણ ફેવરેબલ છે હા, રાહુ મહારાજ કેટલીક અડચણો પેદા કરી શકે છે માટે આગામી એપ્રિલ માસ પછી તમારે કાયદા કાનૂન બાબતે અને ટેક્સ બાબતે વિશેષ કાળજી રાખવી પડશે. તમે કોઈ કાનૂની દાવપેચમાં ના ફસાઈ જાવ તેની તમારે કાળજી રાખવી પડશે. શનિ મહારાજ આ વર્ષે તમારા કર્મ અને લાભ સ્થાન થી પસાર થશે જે તમને જાહેરજીવન અને રાજકીય રીતે સફળતા અપાવશે અને તમારા ક્ષેત્રમાં તમે પ્રગતિ કરી શકશો. વિવાહયોગ મિત્રોને આ વર્ષે એપ્રિલ સુધી થોડો વિલંબ થતો જોવા મળશે વિદેશ જવા ઇચ્છતા મિત્રો એ પણ થોડી રાહ જોવી પડશે. ઉચ્ચ અભ્યાસ કરનારા મિત્રોને તક મળશે પરંતુ એ માટે થોડો સંઘર્ષ કરવો પડશે. આ વર્ષે તમારું દામ્પત્યજીવન સારું રહેશે. પ્રણયમાર્ગે ચાલનારા માટે સમય સારો છે પરંતુ સામી વ્યક્તિને સમજવાની તમારી તૈયારી હોવી જોઈએ. કેટલાક જુના મિત્રો સાથે અનબન થઇ શકે છે તો વાટાઘાટોથી તેનો ઉકેલ પણ લાવી શકશો. જમીન મકાન વાહન સુખ સારું રહેશે. નવી પ્રોપર્ટી લેવા માં ઉતાવળ ના કરવા સલાહ છે વળી કોઈ પણ બાબત માં કાગળ બરાબર ચેક કરવાની સાવધાની રાખવી પડશે. આ વર્ષે સફળતા મેળવવા તમારે આળસ ત્યજી ને નક્કર કામ પર લાગવું પડશે. આ વર્ષે તમને સમયાંતરે ઘણા લાભ થશે આ માટે તમારે ભગવાન લક્ષ્મીનારાયણની પૂજા કરવી જોઈએ અને શુક્રવારનું વ્રત કરવું જોઈએ આ ઉપરાંત શિવક્ષેત્ર કે ખુલ્લી જગ્યામાં ઉંબરાનું વૃક્ષ વાવવાથી તમને લાભ થશે.
3. મિથુન (ક,છ,ઘ) : વિક્રમ સંવંત ૨૦૮૧ માં શરૂઆતમાં દશમે થી પસાર થતા રાહુ મહારાજ તમને કોર્ટ કચેરી અંગે દોડાવી શકે છે વળી વર્ષની શરૂઆતમાં ગ્રહો મધ્યમ રહેશે પરંતુ એપ્રિલ માસથી ગુરુ મહારાજ પણ ફેવરમાં આવવાથી કામકાજમાં સફળતા મળશે. તમને તમારા નોકરી ધંધા માં એપ્રિલ પછી સારી સફળતા જોવા મળશે. જે મિત્રો નોકરી ધંધો શોધે છે તેમને માટે પણ એપ્રિલ પછીનો સમય સારો રહેતો જોવા મળશે. આ સમયમાં તમારે મોટી લોન ના લેવી જોઈએ, નહી તો એ ભરપાઈ કરવામાં તમને તકલીફ આવશે વળી આ વર્ષે તમારી પર કોઈ આર્થિક અપરાધની બાબત લાગુ ના પડે તે પણ જોવું પડશે. આ વર્ષમાં તમે નવી શરૂઆત કરી શકશો પણ સમજ્યા વિનાના સાહસ કરશો તો તમને તકલીફ પડશે. કઈ પણ મોટું કાર્ય એપ્રિલ પછી કરજો એ પહેલા તમને એટલી સફળતા નહિ મળે. ભાગીદારીમાં તકલીફ પડવાના ચાન્સ છે માટે બને તો ભાગીદારી ના કરવા સલાહ છે. વિવાહયોગ્ય મિત્રો માટે સારી વાત આવી શકે છે. પ્રણયમાર્ગે ચાલનારા મિત્રોએ કેટલીક તકલીફમાં થી પસાર થવું પડે. અન્ય પર વધુ પડતા વિશ્વાસે ના ચાલવા સલાહ છે. બિનજરૂરી અન્ય ની વાત માં માથું ના મારવું અને નોકરિયાતવર્ગે ઉપરી અધિકારી થી સંઘર્ષ નિવારવા જેવું વર્ષ છે. પાડોશીઓ સાથે પણ સમજીને ચાલવું પડે. આકસ્મિત લાભ થવાના યોગ નથી. વાહન ચલાવતા સાંભળવું પડે . જમીન મકાન વાહન યોગ મધ્યમ છે. તમામ રીતે સુખાકારી માટે ગાયની સેવા કરવી તેને ઘાસ નાખવું અને વિષ્ણુ સહસ્ત્રનામના પાઠ કરવા તથા શિવક્ષેત્ર કે ખુલ્લી જગમાં આંબળાનું વૃક્ષ વાવવું.
4. કર્ક (ડ,હ) : વિક્રમ સંવંત ૨૦૮૧ માં શરૂઆતથી તમે ભાગ્યશાળી રહેશો. આ વર્ષે રાહુ મહારાજ તમને અનેક ભેટ આપશે વળી તમને માલદાર પણ કરશે. આકસ્મિત લાભ થવાના પુરા ચાન્સ છે. વર્ષની શરૂઆત માં નાની પનોતી છે જે મહેનત ખુબ કરાવશે. ગુરુ મહારાજનું મધ્યમ બળ પ્રાપ્ત થશે. આ વર્ષે તમે ઇચ્છશો તો ઘરનું ઘર લઇ શકશો અને મનપસંદ કાર લેવાના પણ યોગ બને છે. તમારે આ વર્ષે દુઃખી થયા વિના આગળ વધવું પડશે. તમારા મૂડ વારંવાર બદલાય છે જેની અસર તમારા કાર્ય પર આવે છે. સહકર્મચારી કે પાડોશીઓથી તમે દુઃખી થશો વળી અમુક લાગણીના સંબંધોમાં પણ અંતરાય આવતી જોવા મળશે તમને એમ લાગશે કે તમને કોઈ સમજી શકતું નથી અને તમે વ્યથાથી ભરાઈ જશો. તમે જો તમારા મન પર જીત મેળવી શકશો તો વિક્રમ સંવંત ૨૦૮૧ તમને ઘણું બધું આપવાની પ્રોમિસ કરે છે. વિવાહયોગ્ય મિત્રોને થોડી રુકાવટ પછી સારી વાત આવી શકે છે. વર્ષની શરૂઆતમાં જ તમને સારા વિચાર આવે તો તેનો અમલ કરી શકો છો. એપ્રિલ પછી સમય થોડો મધ્યમ રહેશે માટે વર્ષની શરૂઆતથી જ સારા સંકલ્પ કરી તમે કાર્ય કરી શકશો. આ વર્ષે તમારે નાની મોટી બીમારીનો સામનો કરવો પડે પરંતુ જો તમે મનથી સ્વસ્થ રેશો તો બહાર આવી શકશો અન્યથા તમે થોડા ડિપ્રેસનનો અનુભવ પણ કરી શકો છો. સિદ્ધ કરેલું રિઅલ મોતી ધારણ કરવાથી તમને લાભ થાય. આ વર્ષે તમને પ્રમોશન મળી શકે છે તમે વેપારમાં હો તો એમાં પણ લાભ થાય. ખાસ કરીને આયાત નિકાસ અને વિદેશ વ્યાપાર સાથે સંકળાયેલા મિત્રોને લાભ થતો જોવા મળે. જુના મિત્રોને મળવાનું બને અને તમારી લાગણી શેર કરી શકો. ભગવાન શિવની ઉપાસનાથી તમને લાભ થાય ખાસ કરી ને પારદ શિવલિંગની પૂજા કરવાથી સમૃદ્ધિ મળે. શિવક્ષેત્ર કે ખુલ્લી જગ્યામાં ખાખરાનું વૃક્ષ વાવવાથી લાભ થાય.
5. સિંહ (મ,ટ) : વિક્રમ સંવંત ૨૦૮૧ માં સિંહના જાતકોને ઘણી સિદ્ધિ અને સફળતા પ્રાપ્ત થનાર છે પરંતુ આ માટે તમારે કેટલાક પરિવર્તન કરવા પડશે. આ વર્ષે તમારે સ્વભાવને થોડો મિલનસાર બનાવવો પડશે અને કોઈ બાબતને અહમના પ્રશ્ન ના બનાવવા સલાહ છે. વર્ષની શરૂઆતથી રાહુ મહારાજ કામકાજમાં અંતરાય આપી રહ્યા છે ગુરુ મહારાજ લાભદાયક રહેશે શનિ મહારાજ શત્રુ પર વિજય અપાવનાર બની રહેશે. તમારા હિતશત્રુઓ આ વર્ષે ક્યાંય ફાવી નહિ શકે ઉલટું તેઓ જ મુશ્કેલીમાં મુકતા જોવા મળશે. આ વર્ષે વિવાહયોગ્ય મિત્રોને સારી વાત આવી શકે છે વિદ્યાર્થીવર્ગને પણ સફળતા મળતી જોવા મળશે. ઉચ્ચ અભ્યાસ કરવા ઇચ્છતા મિત્રો સારું ક્ષેત્ર પસંદ કરી શકે છે. પ્રણયમાર્ગે ચાલનારા માટે શરૂઆત સારી છે પરંતુ વર્ષના મધ્ય ભાગ પછી સંભાળવાનું રહેશે. વિવાહિત મિત્રોનું પારિવારિક જીવન સારું રહેશે અને સંતાન સુખ પણ સારું રહેશે. નોકરિયાતવર્ગને સારી જગ્યા કે પ્રમોશનના ચાન્સ રહેશે. પ્રોપર્ટી બાબતે પણ તમે વિચારી શકશો અને આવકમાં વૃદ્ધિ પ્રાપ્ત કરી શકશો. એકંદરે વર્ષ ૨૦૮૧ તમારા માટે ઘણી સારી બાબતો લઇને આવી રહ્યું છે પરંતુ અગાઉ લખ્યા મુજબ તમારે વાતચીત અને વ્યવહારમાં સૌમ્યતા દાખવવી પડશે વળી હકારાત્મક ચિંતન રાખવું પડશે. તમારા માં જો અસંતોષની ભાવના રહેશે કે બદલો લેવાની ભાવના રહેશે તો બનેલા કાર્ય બગડતા જોવા મળશે. આ વર્ષે અપ્રતિમ સફળતા માટે તમે સૂર્ય ઉપાસના કરી શકો. દરરોજ સવારે સૂર્ય નારાયણને જળમાં કંકુ અને ચોખા પધરાવી અર્ધ્ય આપવો અને ૧૧ સૂર્ય નમસ્કાર કરવાથી લાભ થાય આ ઉપરાંત એક બિલ્વ વૃક્ષ વાવી અને ઉછેરવાથી પણ આ વર્ષે તમે લાભ મેળવી શકો.
6. કન્યા (પ,ઠ,ણ) : વિક્રમ સંવંત ૨૦૮૧માં કન્યા રાશિના જાતકોને સ્વાસ્થ્ય બાબતે સાવચેત રહેવું જોઈએ. આ વર્ષે તમને સ્વાસ્થ્ય અંગે નાની મોટી ફરિયાદો રહ્યા કરે આ માટે તમારે આ વર્ષે થોડું પરેજીનું પાલન અને જીવનને નિયમિત કરવું પડશે વળી જીવનમાં યોગ અને પ્રાણાયામને સ્થાન આપવું પડશે. આ વર્ષે તમને તમારા અને તમારા સગા સ્નેહીનાં સ્વાસ્થ્ય અંગે ચિંતા રહેશે આ માટે અગાઉથી જ પગલાં ભરવા યોગ્ય ગણાશે. આ વર્ષે તમે પનોતીની અસરમાં નથી માટે વિશેષ તકલીફ નથી પરંતુ બધા ગોચર ગ્રહો પર દ્રષ્ટિપાત કરીએ તો તમારે વધુ કાળજી થી ચાલવાની જરૂર રહેશે જો કે ભાગ્ય એકંદરે આગળ વધતું રહેશે જો કે આ વર્ષે તમને એક સાથે બહુ મોટો લાભ થાય તેવી શક્યતા ઓછી છે પરંતુ તમે જ્યાં છો તે સ્થિતિને ટકાવી રાખી શકશો. વિવાહયોગ્ય મિત્રોએ થોડી રાહ જોવા પડશે. પ્રણય બાબતમાં તમે પોતે વિચારમાં રહેશો અને અમુક લાગણીના સંબંધો બાબતે અવઢવ અનુભવશો. મનની વાત શેર કરવામાં પણ તમને તકલીફ પડતી જોવા મળશે. વિદ્યાર્થીવર્ગે વધુ એકાગ્રથી આગળ વધવાની જરૂર રહેશે. વિદેશ જવા ઇચ્છતા મિત્રોને વિદેશગમનમાં થોડી તકલીફ પડતી જોવા મળે. વેપારીવર્ગને ધીમે ધીમે લાભ થતો જોવા મળે. નોકરિયાત વર્ગને સ્થાનફેર માટે તૈયાર રહેવું પડે. આર્થિક રીતે આ વર્ષ સારું રહે પરંતુ આ વર્ષે ખર્ચના પ્રસંગો પણ વધુ આવતા જોવા મળે. આ વર્ષે તમારે તમારી વેપારીવૃતિથી બહાર આવી જાત માટે સમય કાઢવો જરૂરી બનશે અને આત્મસંવાદ કરવો જરૂરી બનશે. બીમાર લોકોની સેવા કરવાથી આ વર્ષે તમને લાભ થશે વળી ભગવાન લક્ષ્મીનારાયણની પૂજા કરવાથી અને રામરક્ષા સ્તોત્રના પાઠ કરવાથી તમને લાભ થશે. ઘરે મની વેલ વાવવાથી લાભ થશે.
7. તુલા (ર,ત) : વિક્રમ સંવંત ૨૦૮૧ માં ગુરુ મહારાજ મેં માસ થી આપને ઘણી બરકત આપી રહ્યા છે પરંતુ મેં સુધી છઠે થી પસાર થતા રાહુ મહારાજ સરકાર સાથેના કામકાજમાં અને કોર્ટ કચેરીમાં સાવધાની રાખવાનું સૂચવે છે. આ સમય દરમિયાન તમે કોઈ કેઈસમાં ફસાયેલા હશો તો તકલીફ પડી શકે છે. આ વર્ષે શનિ મહારાજ વ્યવસાયમાં સારું પરિણામ આપી રહ્યા છે પરંતુ આ સમયમાં તમારા સંબંધો બગડે નહીં તેની કાળજી રાખજો. તુલા રાશિના જાતકો આમ તો સંતુલિત જીવન જીવતા હોય છે પણ વર્ષની શરૂઆતથી એપ્રિલ સુધીનો સમય થોડો પરેશાની વાળો ગણી શકાય વળી આર્થિક બાબતમાં પણ તમારે આયોજનથી ચાલવું પડે. જે જગ્યાએ થી તમે મદદની આશા રાખી હોય ત્યાં થી સમયસર મદદ ના મળે તેમ પણ બને. તમારા ક્ષેત્રમાં જાણે તમે અટકી ગયા હોય તેમ લાગે. તુલા રાશિના જે મિત્રો જાહેરજીવનમાં હશે તેમને પણ એપ્રિલ સુધીનો સમય જાણે અટકી ગયા હોય તેવો અહેસાસ થાય. વિવાહયોગ્ય મિત્રોમાટે સમય સારો છે. જે લોકો સંતાનપ્રાપ્તિ ઈચ્છે છે તેમને પણ સમય સાથ આપી રહ્યો છે. પ્રણય અને લાગણીના સંબંધો માટે વર્ષની શરૂઆતનો સમય ફેવરેબલ નથી. સામી વ્યક્તિ જલ્દીથી તમને સમજી નહિ શકે વિવાહિત વ્યક્તિએ પણ દામ્પત્યજીવનમાં સંભાળવું પડે. આ વર્ષે તમારે જતું કરવાની ભાવના વધુ રાખવી પડશે. નોકર ચાકર સુખમાં પણ કમી આવતી જોવા મળે. આ વર્ષે દરરોજ દેવી કવચના પાઠ અને શનિ સ્તોત્ર કરવાથી તમને લાભ થશે. ઘરના આંગણામાં તુલસી અને સારા ફૂલછોડ વાવવાથી તમને આ વર્ષે લાભ થશે.
8. વૃશ્ચિક (ન,ય) : વિક્રમ સંવંત ૨૦૮૧ માં આપની રાશિ ને ઘણા લાભ થવાના છે . વૃશ્ચિક રાશિમાં ચંદ્ર મહારાજ નીચસ્થ થતા હોવાથી તમે વારંવાર ઉદાસ થઇ જાવ અને તમારી હાલની સ્થિતિ થી નારાજ રહેતા હો તેવું બને પરંતુ જો તમે હાલની સ્થિતિમાં ખુશ રહેતા શીખી જાવ અને ઉદાસી ખંખેરી આગળ વધો તો અવશ્ય તમે આ વર્ષે ઘણા લાભ પ્રાપ્ત કરી શકશો. આ વર્ષે તમારે ભાગીદારીમાં લેણું નથી માટે આ વર્ષે ભાગીદારી ના કરવી વળી અન્ય પર વધુ પડતા વિશ્વાસે ના ચાલવું. આ વર્ષમાં અંગત લોકો જ તમારી જોડે વિપરીત કાર્ય કરે તો નવાઈ ના પામતા!! જો કે તમારે પણ બદલો લેવાની ભાવના ત્યજી દેવી જોઈએ. વિવાહયોગ્ય મિત્રોને ના ધારેલી જગ્યાએ થી વાત આવી શકે છે વળી સારા લાગણીના સંબંધો પણ આ વર્ષે તમારા નસીબમાં છે. વિદ્યાર્થીવર્ગને વારંવાર અભ્યાસ છોડવાની તીવ્ર ઈચ્છા થશે પણ મન મજબૂત રાખી અભ્યાસ કરશો તો લાભ થશે. વિદેશ માત્ર ફરવા માટે આયોજન કરી શકશો લાંબો સમય માટે તમે તમારું સ્થાન છોડી શકો તેમ નથી વળી આ વર્ષે તમારી પર કેટલીક જવાબદારી વધશે. ગાય અને કૂતરાને ખવરાવા થી કે તેની કાળજી લેવાથી લાભ થશે. વેપારીવર્ગને આર્થિક લાભ થાય. નવી પ્રોપર્ટી માટે વિચારી શકો. નોકરિયાતવર્ગે આક્ષેપોથી બચવું પડશે. જાહેરજીવન એકંદરે સારું રહેશે. સ્ત્રીવર્ગ માટે પણ આ વર્ષ ઘણું સારું રહેશે. પરિવાર સાથે આનંદ પ્રમોદ કરી શકશો. મકાન વાહન અને જમીન સુખ સારું રહેશે. તમારા સ્વપ્ન પુરા કરી શકશો. હનુમાનજી મહારાજની પૂજા થી લાભ થશે સુંદરકાંડ પાઠ કરવાથી લાભ થાય. ખુલ્લી જગ્યામાં વાંસનું વૃક્ષ વાવવાથી લાભ થાય.
9. ધન (ધ,ભ,ફ,ઢ) : વિક્રમ સંવંત ૨૦૮૧ માં ધનુ રાશિના મિત્રોને કુદરત અધ્યાત્મ તરફ દોરતી લાગે. આ વર્ષે તમારા માટે આધ્યાત્મિક ચિંતન અને આચરણ દવાનું કામ કરશે. ગ્રહો તમને પરેશાન કરવાની ફિરાકમાં છે પરંતુ જો તમે ધર્મ તરફનું ચિંતન રાખશો તો પ્રગતિ કરી શકશો. આ વર્ષે આમ પણ તમે ઘણું સાત્વિક ચિંતન કરશો તથા એ પ્રકારના કાર્ય કરશો. જે મિત્રો લેખન, સાહિત્ય કે ધર્મ સાથે સંકળાયેલા છે તે જીવનમાં પ્રગતિ જોઈ શકશે અને નવું સર્જન પણ કરી શકશે. શનિ અને રાહુ મધ્યમ પરિણામ આપી રહ્યા હોય નવા મોટા સાહસ ના કરવા સલાહ છે વળી કોઈને ઉછીના પૈસા આપશો તો પૈસા ફસાઈ જશે માટે આ વર્ષે આ પ્રકારના સાહસ થી દૂર રહેજો. ખાનગી નોકરી કરતા મિત્રો હાલની નોકળી છોડી બીજી નોકરીનો વિચાર કરતા હોય તો ધ્યાન રાખીને ચાલવું. આ વર્ષ નોકરિયાતવર્ગ માટે મધ્યમ રહેશે. સહકર્મચારી અને ઉપરી અધિકારી સાથે કાળજી થી વાત કરવા સલાહ છે. આ વર્ષે આમ પણ તમારે કોઈ પણ સંબંધમાં વાતચીતમાં ખાસ કાળજી રાખવી પડશે. કોઈ પ્રોપર્ટી લેવાની થાય તો કાગળ બરાબર ચેક કરવા જરૂરી બનશે. આર્થિક બાબતોમાં અને આવક જાવકમાં વિશેષ ચોકસાઈ રાખવી. ઓનલાઇન પેમેન્ટમાં અને બેન્ક વ્યવહારમાં પણ કાળજી લેવી પડશે. વિવાહયોગ્ય મિત્રો માટે ઘણી સારી વાત આવી શકે છે. પ્રણયમાર્ગે ચાલનારા માટે પણ સારો સમય છે પરંતુ મિત્રોમાં ગેરસમાજ ના થાય તેની કાળજી રાખવી. પારિવારિક કે કૌટુંબિક જવાબદારી તમારી પર આવી શકે છે. વિદ્યાર્થીવર્ગને મહેનતનું સારું પરિણામ મળે. વિદેશગમન ઇચ્છતા મિત્રોએ વિશેષ તૈયારી કરવી પડે. ઉચ્ચ અભ્યાસના દરવાજા ખુલતા જણાય. સ્ત્રીવર્ગ માટે સમય સારો રહે. સારું પદ પ્રાપ્ત થાય. એકંદરે સમય સારો રહે. ભગવાન ગુરુ દત્તાત્રેયની આરાધના અને દત્ત બાવનીના પાઠ કરવાથી લાભ થાય. શિવક્ષેત્ર માં પીપળો વાવી ઉછેરવાથી આ વર્ષે લાભ થાય.
10. મકર (ખ,જ) : વિક્રમ સંવંત ૨૦૮૧ માં મકર રાશિ અનેક કસોટીમાં થી પસાર થઇ રહી છે. શનિના ઘરની મકર રાશિ સખત મહેનતકશ રાશિ છે અને શનિ મહારાજને શિસ્ત પ્રિય છે. નિયમિત જીવન અને શિસ્ત તથા સખત મહેનતથી ચાલતા લોકો શનિને પ્રિય છે. આ વર્ષે તમારે વધુ લાભની અપેક્ષા વિના તમારી જવાબદારીઓ પૂર્ણ કરવાની છે સરકાર સાથે કે કોઈ કચેરી સાથે કામમાં સાવધાની રાખવી પડે. કોર્ટ મેટર હોય તો તેમાં પણ કાળજી રાખી ચાલવું પડશે. આ વર્ષે તમારે સમાધાનકારી વલણ અપનાવી ચાલવું પડશે વળી આ વર્ષે તમારે આવક કરતા ખર્ચની પ્રમાણ વધુ રહેશે. ક્યારેક તમને અનિંદ્રા અનુભવાશે અને મનની શાંતિ ચાલી ગઈ હોય તેવું લાગશે. એકંદરે આ વર્ષ તમને મહેનત મુજબ પરિણામ આપશે પરંતુ સાથે સાથે તમારે સતત જાગૃત રહેવું પડશે આ વર્ષે તમે સેવાના કાર્ય અને જાહેરજીવનના કાર્ય કરી શકશો એ બાબતે તમારી નામના પણ થશે પરંતુ તમારા પોતાના માટે કરેલા કાર્યમાં વિલંબ થતો જોવા મળશે. ધાંધો રોજગાર શોધતા મિત્રોને સારી જગ્યા મળી શકે છે વળી નોકરિયાતવર્ગ પણ નિષ્ઠાથી ચાલશે તો અવશ્ય લાભ થશે વેપારીવર્ગે નવી ખરીદીમાં ધ્યાન રાખવું પડશે. આયાત નિકાસ વિદેશવ્યાપારમાં કાળજી થી ચાલવું પડે. વિવાહયોગ્ય મિત્રોએ થોડી રાહ જોવી પડશે. પ્રણયમાર્ગે ચાલનારાઓએ વિરહ નો સામનો કરવો પડશે. વિદેશ જવા ઇચ્છતા મિત્રોને સફળતા મળશે. વિદ્યાર્થીવર્ગને ટેક્નિકલ બાબતોમાં વધુ સફળતા મળે. સ્ત્રીવર્ગ માટે આ વર્ષ સંતોષજનક રહેશે. શનિદેવની આરાધનાથી આ વર્ષે તમને સફળતા મળશે. શનિ સ્તોત્રના પાઠ અને કૃષ્ણ પરમાત્માની ભક્તિથી લાભ થશે. શિવક્ષેત્રમાં ખીજડો વાવી ઉછેરવાથી આ વર્ષે તમને લાભ થાય.
11. કુંભ (ગ,સ,શ ) : વિક્રમ સંવંત ૨૦૮૧ માં એપ્રિલ સુધીનો સમય ઘણો પડકારરૂપ રહેશે. એપ્રિલ પછીનો સમય ધીમે ધીમે આપ રાહત અનુભવી શકશો. ગોચર ગ્રહો તમારા માટે આ વર્ષે ચોખ્ખા બે ભાગ પડે છે એપ્રિલ પહેલાનો સમય અને એપ્રિલ પછીનો સમય. આમ તો ગત વર્ષના અનુભવે તમે જાણો જ છો કે હાલ કસોટીજનક સમય ચાલી રહ્યો છે જ્યાં પુરી ઊંઘ પણ આવતી નથી અને મન સતત ચિંતા માં રહે છે બેચેન રહે છે આ સિલસિલો એપ્રિલ સુધી ચાલુ રહેશે ત્યારબાદ ધીમે ધીમે પરિસ્થિતિ તમારી તરફેણમાં આવતી જોવા મળશે. ત્યાં સુધી કોઈ મોટા સાહસ કે મોટી જવાબદારી ના લેવા સલાહ છે. હાલના સમયમાં તમારે સ્વાસ્થ્ય પણ સંભાળવું પડે અને તમામ રીતે જાગૃત રહી કાર્ય કરવું પડે. આ સમયમાં ગુરુવચન પર વિશ્વાસ રાખી ઇષ્ટદેવની પૂજા કરવાથી લાભ થશે અને જતું કરવાની ભાવના રાખવી પડે. કોઈ બાબતે લડાઈ જગડાથી બચવા જેવો સમય ગણી શકાય.વેપારીવર્ગને એપ્રિલ પછી સારું વળતર મળતું જોવા મળે. નોકરિયાતવર્ગે આ વર્ષે સમજીને ચાલવું પડે. સ્ત્રીવર્ગ માટે મધ્યમ ઉપરાંતનો સમય ગણી શકાય. વિધાર્થીવર્ગે ધાર્યું પરિણામ મેળવવા વધુ મહેનત કરવી પડે. વિદેશગમન માટેના પ્રયાસો અટકતા જોવા મળે. મનમાં અનેક વિચારો આવે પણ અમલમાં ના લાવી શકો. આર્થિક રીતે સમય મધ્યમ રહે. પ્રોપર્ટી બાબતે પણ વિલંભ થાય. વાહનમાં ખર્ચ આવતો જોવા મળે. એકંદરે સમય મધ્યમ રહે. આ વર્ષે સારી રીતે આગળ વધવા માટે હનુમાન ચાલીસાના પાઠ અને શિવ આરાધના કરવી જોઈએ અને આસોપાલવનું વૃક્ષ વાવવું જોઈએ.
12. મીન (દ,ચ,ઝ,થ) : વિક્રમ સંવંત ૨૦૮૧માં એપ્રિલ સુધીનો સમય તમારા માટે બધી રીતે સારો છે. આ સમયગાળામાં તમે ધરી પ્રગતિ કરી શકશો તથા સારા સબંધ વિકસાવી શકશો. આ સમયમાં તમે કરેલા દાન ધર્મ તમને એપ્રિલ પછીના સમયમાં કામ લાગશે. આ વર્ષે તમે હકારાત્મક ચિંતનથી આગળ વધશો તો ઘણા લાભ મેળવી શકશો. તમે દરરોજ કઈ ને કઈ પોઝિટિવ તમારા માટે જ લખીને સાથે રાખશો તો બહુ સારી પ્રગતિ જોઈ શકશો. આ વર્ષ તમારા માટે ઘણા ઉપહાર લઈને આવી રહ્યું છે. આ વર્ષે તમે તમારી જાત સાબિત કરી શકશો. જમીન મકાન વાહનમાં વૃદ્ધિ કરી શકશો. વિવાહયોગ્ય મિત્રો માટે ઘણો સારો સમય છે સારી વાતચીત આવી શકે છે. સંતાનપ્રાપ્તિ માટે પણ સમય સારો છે. એક જગ્યા એ સ્થિર થવા માટે ના યોગ પણ બને છે હા તમે સ્થળાંતર કે વિદેશગમન ઇચ્છતા હશો તો તેમાં વિલંબ થશે. સ્ત્રીવર્ગ માટે સમય ઘણો સારો છે, વેપારીવર્ગ માટે પણ લાભદાયક છે વિદ્યાર્થીવર્ગ માટે પ્રગતિકારક છે જો કે એપ્રિલ પછીના સમયમાં તમારે મહેનત વધારવી પડશે. તમે આ વર્ષે તમારા વ્યક્તિત્વનો વિકાસ કરી શકશો. કોઈ નિશ્ચિત ધ્યેય સુધી પહોંચી શકશો. લાગણીના સંબંધોમાં સારું રહેશે. તમારા મનની વાત સારી રીતે વ્યક્ત કરી શકશો. આ વર્ષ તમને ઘણી રીતે અનુકૂળ રહેશે. તમારા ઘર માં માંગલિક અને ધાર્મિક પ્રસંગ કરી શકશો. એકંદરે વર્ષ ઘણું સારું રહેશે. ભગવાન રામની પૂજા કરવાથી અને ગુરુ સ્મરણ કરવાથી લાભ થશે. વિધાર્થીઓને સહાય કરવાથી પણ લાભ મેળવી શકાશે આ ઉપરાંત શિવક્ષેત્ર કે ખુલ્લી જગ્યામાં વડનું વૃક્ષ વાવી ઉછેરવાથી આ વર્ષે લાભ થશે.
—જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી