ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી અને લાખાભાઈ સાગઠીયાએ ‘અબતક’ની મુલાકાત દરમિયાન વિજય વિશ્ર્વાસ વ્યકત કર્યો
૬૮-રાજકોટ પૂર્વ વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર અરવિંદભાઈ રૈયાણી, ૭૦-રાજકોટ દક્ષિણ વિધાનસભા બેઠકના ઉમેદવાર ગોવિંદભાઈ પટેલ અને ૭૧-રાજકોટ ગ્રામ્ય વિધાનસભા બેઠકના ઉમેદવાર લાખાભાઈ સાગઠીયાએ આજરોજ ‘અબતક’ની મુલાકાત દરમિયાન વિજય વિશ્ર્વાસ વ્યકત કર્યો હતો.આગામી વિધાનસભા ચૂંટણીમાં વિકાસનો મુદ્દો જ તારણહાર બનશે તેવું તેમણે કહ્યું હતું. ઉમેદવાર અરવિંદભાઈ રૈયાણીએ જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા વર્ષથી હું લોકોની સેવામાં જોડાયેલો છું, વોર્ડમાં હું સતત કાર્યરત છું, લોકો પાસે મત માંગવા હું વિકાસનો મુદ્દો લઈને જઈશ, ભાજપના શાસનમાં થયેલા વિકાસની લોકો સુધી માહિતી પહોંચાડીશ. ઈન્દ્રનીલ દ્વારા આ વિસ્તારમાં કોઈ પણ પ્રકારના કામ થયા નથી. ઈન્દ્રનીલ આ વિસ્તાર માટે બહારના વ્યક્તિ છે. લોકો મારી સાથે રહેશે.ગોવિંદભાઈ પટેલે જણાવ્યું હતું કે, ૨૦૧૨ અને ૨૦૧૭ની પરિસ્થિતિ અલગ છે. ભાજપે અનેક વિકાસ કાર્યો કર્યા છે. જેને લોકો સમક્ષ લઈ જવાના છે. દુશ્મનને નબળો ગણતા નથી, સેન્ટર અને વિજળી સહિતના કામો ભાજપ સરકારે પૂર્ણ કર્યા છે. ભાજપની જીત તો નિશ્ર્ચિત છે. હરિફાઈ જીત કેટલી લીડથી થઈ તેના આધારિત રહેશે. સ્માર્ટ સિટી બનાવવા ઉપર ધ્યાન અપાશે. આવતા વર્ષે સાયન્સ સિટી જેવું સેન્ટર બનાવવાનું કામ પૂર્ણ થશે. લોકો માત્ર વિકાસને જ મત આપશે તેની પાસે કામગીરી બતાવવા જેવા કોઈ હથિયાર નથી બુઠા હથિયાર વડે કોંગ્રેસ ચૂંટણી લડી રહી છે.લાખાભાઈ સાગઠીયાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદી અને મુખ્યમંત્રી ‚પાણીએ ટિકિટ આપી મારા પર વિશ્ર્વાસ વ્યકત કર્યો છે. તે બદલ હું તેમનો આભાર માનું છું, ત્રણ વર્ષમાં મેં ૧૫ હજાર સભ્યો ભાજપમાં નોંધ્યા છે. ગ્રામ્ય વિસ્તારમાં ભાજપની બહોળી ચાહના છે. હું ગ્રામ્ય વિસ્તારમાં લોકો સમક્ષ ભાજપની વિકાસ કામો લઈ જઈશ, ઉપરાંત અન્ય સ્થળોએ પણ હું આગેવાનોને સાથે રાખી કામ કરીશ. ભાજપની જીત નિશ્ર્ચિત હોવાનો વિશ્ર્વાસ તેમણે પણ વ્યકત કર્યો હતો. આ તકે મેયર જૈમનભાઈ ઉપાધ્યાય, શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ અને જીતુભાઈ કોઠારી તથા પૂર્વ શાસક પક્ષના નેતા રાજુભાઈ બોરીચા હાજર રહ્યાં હતા.