- ગુજરાતમાં સંગઠન માળખામાં ફેરફાર અને રાજય સરકારના મંત્રી મંડળના વિસ્તરણ પૂર્વે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની વડાપ્રધાન સાથેની ઓચિંતી મુલાકાતથી અટકળોની આંધી
ગુજરાત ભાજપના સંગઠન માળખામાં ઘરમુળથી ફેરફાર તોળાય રહ્યા છે. રાજય સરકારના મંત્રી મંડળના વિસ્તરણની વાતો ચાલી રહી છે. ત્યારે રાજયના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાથેની ઓચિંતી મુલાકાતથી ફરી અટકળોની આંધી ઉઠી છે. ગુજરાતમાં ભાજપની દિશા અને દશામાં બદલાવનો પવન ફુંકાય રહ્યો હોય તેવું લાગી રહ્યું છે.
મજબુત સંગઠન માળખુ ધરાવતા ગુજરાતમાં ભાજપની સ્થિતિ સતત વણસી રહી છે. ઉપરથી સબ સલામત લાગી રહ્યું છે પરંતુ અંદરો અંદર બરાબરની જામેલી છે. લોકસભાની ચુંટણીમાં બનાસકાંઠા લોકસભા બેઠક ગુમાવ્યા બાો હાઇકમાન્ડ સ્થાનીક સંગઠનથી ભારોભાર નારાજ છે. વર્તમાન પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલને કેન્દ્ર સરકારમાં જળ શકિત મંત્રાલયના કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા હોવાના કારણે તેઓ ગુજરાતમાં સંગઠનની કામગીરી પર ઘ્યાન આપી શકતા નથી. તેઓએ પોતાને આ જવાબદારીમાંથી મુકિત કરવાની પણ માંગણી કરી છે.
ઉપરથી મજબુત લાગતા ગુજરાત પ્રદેશ ભાજપનું સંગઠન અંદરથી સાવ ખોખળુ થઇ ગયું છે. આયતીઓને વધુ પડતુ માન પાન આપવામાં આવતું હોવાના કારણે પક્ષના સનિષ્ઠ કાર્યકરોમાં ભારોભાર નારાજગી જોવા મળી રહી છે.
આવામાં હવે ગુજરાતની કમાન પક્ષના સિનીયર નેતાને સોંપવાનું ભાજપ હાઇકમાન્ડરે મજબુત મન બનાવી લીધું છે. ગુજરાતની દિશા અને દશા નકકી કરવાની જવાબદારી વધુ એક વખત ભાજપ દ્વારા સંગઠનના માણસ મનાતા રાજયના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને સોંપવામાં આવે તેવી શકયતા પણ મજબુત બની રહી છે.
પક્ષ દ્વારા સોંપવામાં આવતી કોઇપણ જવાબદારી સ્વીકારવામાં વિજયભાઇએ કયારેય હા-ના કાની કરી નથી. દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાથેથી વિજયભાઇ રૂપાણીની ઓચિંતી મુલાકાત ગુજરાતમાં દિશા અને દશામાં બદલાવ લાવશે તેવી વાતો પણ વહેતી થવા માંડી છે. હાલ આ મુલાકાતને માત્ર શુભેચ્છા મુલાકાત માનવામાં કે ગણવવામાં આવતી હોય પરંતુ સાવ એવું નથી.
ગુજરાતમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા અને ગ્રામ પંચાયતની સ્થાનીક સ્વરાજયની ચુંટણીના આડે હવે ચાર મહિના જેટલો જ સમય બાકી રહ્યો છે. લોકસભાની ચુંટણીમાં બનાસકાંઠા બેઠક ના પરિણામે ભાજપને આંચકો આપ્યો છે. તેવો આંચકો સ્થાનીક સ્વરાજયની ચુંટણીમાં ન લાગે તે માટે હાઇકમાન્ડરે અત્યારથી જ સંગઠનને મજબુત કરવાનો નિર્ણય લીધો છે.
આગામી 1 સપ્ટેમ્બરથી સંગઠન પર્વનો આરંભ થઇ રહ્યો છે. તે પૂર્વે ભાજપ ગુજરાતમાં નવા પ્રદેશ પ્રમુખની નિમણુંક કરી દે તેવી સંભાવના પણ હાલ દેખાય રહી છે. વિજયભાઇ રૂપાણીને આગામી દિવસોમાં ગુજરાતમાં સંગઠન માળખામાં મોટી જવાબદારી સોંપવામાં આવે તેવી શકયતા પણ જણાય રહી છે. મોદી સાથેની શુભેચ્છા મુલાકાત દરમિયાન બન્ને વચ્ચે અનેક મુદ્ાઓ પર વિસ્તૃત વાતચીત થયા હોવાના અહેવાલો પણ મળી રહ્યા છે.
ભાજપનું સંગઠન માળખુ પણ જેમ અંદરથી લુણો લાગી રહ્યો હોય તેમ સતત નબળુ બની રહ્યું છે. આ ઉપરકાંત રેકોર્ડ બ્રેક બહુમતિ હોવા છતાં રાજયની ભુપેન્દ્રભાઇ પટેલની સરકાર ગુજરાતની જનતાના મનમાં જોઇએ એટલી લોકપ્રિયતા હાંસલ કરી નથી. સંગઠનની કામગીરીથી પક્ષના કાર્યકરોમાં નારાજગી છે. આવતા તરલ વાતાવરણમાં ગુજરાતમાં ભાજપની દિશા અને દશામાં બદલાવ લાવવા માટે મોટા ફેરફારો તોળાય રહ્યા છે.
સાઇડલાઇન કરી દેવાયેલા પક્ષના સિનીયર અને વફાદાર નેતાઓ ફરી હાઇકમાન્ડને સાંભર્યા છે. કેન્દ્રમાં ભાજપ પાસે પૂર્ણ બહુમત નથી એનડીએ ગઠબંધનના સાથી પક્ષોના ટેકાથી સરકર ચલાવવી પડે છે. તમામને રાજી રાખવા મોદી-શાહની મજબુરી બની ગઇ છે. આવામાં ગુજરાતમાં સંગઠન અને સરકારની ચિંતા માંથી હાઇકમાન્ડ ખાસ કરીને મોદી-શાહની જોડી સંપૂર્ણ પર્ણે મુકત થઇ જવા માંગે છે. આવું કરવા માટે તેઓએ વર્ષોથી પક્ષના વફાદાર સૈનિક તરીકે કામ કરતા કોઇ સિનીયર નેતાને સંગઠનની જવાબદારી સોંપવાનું મન બનાવી લીધું છે.
વડાપ્રધાન અને કેન્દ્રીય ગૃહ મંત્રી હોય સ્ટેટ એવા ગુજરાતમાં ભાજપની દશા વધુ ખરાબ ન થાય અને પક્ષ નકકી કરેલી યોગ્ય દિશામાં આગળ વધે તે માટે આગામી દિવસોમાં હાઇકમાન્ડર દ્વારા મોટી ઘોષણા કરવામાં આવે તેવું મનાય રહ્યું છે.