ભાજપ અને કોંગ્રેસ જ્ઞાતિ-જાતિનું રાજકારણ રમી રહ્યાં છે ત્યારે હું લોકોની સેવા કરવાની ભાવના સાથે ચૂંટણી મેદાનમાં આવ્યો છું: ‘અબતક’ સાથે વિજયભાઈ વાળાની ખાસ વાતચીત
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ જોરશોરથી વાગી રહ્યાં છે. આજે ઉમેદવારીફોર્મ ભરવાના અંતિમ દિવસે રાજકોટ જિલ્લા પંચાયતની જેતપુર તાલુકાની બોરડી સમઢિયાળા બેઠક પરથી જાણીતા ક્ષત્રિય આગેવાન વિજયભાઈ વાળા (સુરભી ગ્રુપ)એ અપક્ષ ઉમેદવાર તરીકે ફોર્મ ભરતા તમામ રાજકીય પક્ષોમાં દોડધામ મચી જવા પામી છે.
ઉમેદવારી નોંધાવ્યા બાદ ‘અબતક’ સાથેની ખાસ વાતચીત દરમિયાન વિજયભાઈ વાળાએ જણાવ્યું હતું કે, ભાજપ અને કોંગ્રેસ જ્ઞાતિ-જાતિનું રાજકારણ રમી રહ્યાં છે ત્યારે હું દિલથી લોકોની સેવા કરવા ચૂંટણી જંગમાં આવ્યો છું અને આજ આશ્રયથી મેં અપક્ષ ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું છે. એક નવી વસ્તુ કરવા માંગુ છું, જેમાં હું ૫૦૦૦ બુટ (શુઝ) લેવાનો છું અને આ શુઝ ચૂંટણી પ્રચાર દરમિયાન લોકોને આપીશ અને એવી અપીલ કરીશ કે જો ચૂંટણી જીત્યા બાદ હું તમારા કામ કરવામાં રતિભાર પણ પાછીપાની કરૂ તો મને આ જ બુટથી મારજો.
હાલ તમામ રાજકીય પક્ષો માત્ર વચનોની લ્હાણી કરે છે અને ચૂંટાયા બાદ તેઓ લોકોને વિસરી જાય છે. ત્યારે બોરડી સમઢિયાળા બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતરેલા વિજયભાઈ વાળાના રગ-રગમાં માત્રને માત્ર સેવા ભાવના વહી રહી છે. તેઓએ આજે ઉમેદવારી ફોર્મ ભરતાની સાથે જ મુખ્ય રાજકીય પક્ષોમાં દોડધામ મચી જવા પામી છે. આગામી દિવસોમાં તેઓ જોરશોરથી ચૂંટણી પ્રચાર શરૂ કરી દેશે.