મુખ્યમંત્રીના હસ્તે બિનનિવાસી ગુજરાતીઓને ગુજરાત કાર્ડ વિતરણ કરાશે: ગુજરાત પ્રવાસન માહિતી કેન્દ્ર ખુલ્લુ મુકાશે
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આજરોજ સાંજે છતીસગઢના રાયપુરમાં સદાકાળ ગુજરાત કાર્યક્રમનો પ્રારંભ કરાવશે. છતીસગઢના મુખ્યમંત્રી ડો.રમણસિંહની વિશેષ ઉપસ્થિતિમાં રાયપુરના પંડિત દીનદયાળ ઓડીટોરીયમમાં યોજાનાર આ સદાકાળ ગુજરાત કાર્યક્રમમાં રાજયની સંસ્કૃતિ-અસ્મિતાની પ્રસ્તુતિ તેમજ વિકાસ ગાથાની ઝાંખી કરાવતું ૪૩ સ્ટોલ્સ સાથેનું પ્રદર્શન પણ યોજાશે. બિન નિવાસી ગુજરાતી પ્રભાગ મંત્રી પ્રદિપસિંહ જાડેજા પણ આ વેળાએ ઉપસ્થિત રહેવાના છે. મુખ્યમંત્રી બિનનિવાસી ગુજરાતીઓની આગવી ઓળખ પ્રસ્થાપિત કરતા ગુજરાત કાર્ડનું છતીસગઢમાં વસતા ગુજરાતીઓને વિતરણ કરશે તેમજ રાજયના પ્રવાસન વૈવિધ્યની તલસ્પર્શી માહિતી પુરી પાડતા પ્રવાસન માહિતી કેન્દ્રને પણ ખુલ્લુ મુકવાના છે. અત્રે ઉલ્લેખનીય છે કે, વિવિધ રાજયોમાં વસતા બિન-નિવાસી ગુજરાતીઓ સાથેના જીવંત સંપર્ક જાળવીને જે તે રાજયમાં રહેતા ગુજરાતીઓને વતન જેવો જ અહેસાસ કરાવવા અને ગુજરાતમાં થયેલ વિકાસ અને વર્તમાન ગુજરાતની ઝાંખી કરાવી રોકાણની તકોથી વાકેફ કરવા ગુજરાત સરકારના બિન નિવાસી ગુજરાતી પ્રભાગ અને ગુજરાત રાજય બિનનિવાસી ગુજરાતી પ્રતિષ્ઠાન દ્વારા અન્ય રાજયોના મુખ્ય શહેરોમાં સદાકાળ ગુજરાત કાર્યક્રમ યોજવામાં આવે છે.
જયાં જયાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાતના ભાવ સાથે અન્ય રાજયોમાં વસતા ગુજરાતીઓનું માતૃભૂમિ સાથે તાદાત્મય સાધવા સદાકાળ ગુજરાતના આવા કાર્યક્રમો મુંબઇ, જયપુર, કોઈમ્બતુર, વારાણસી અને કલકતામાં અગાઉ સફળતાપૂર્વક યોજાયા છે. છતીસગઢમાં આ વર્ષે તા.૨૧-૨૨ એપ્રિલ દરમ્યાન એન.આર.જી.એસોસિએશના સહયોગથી સદાકાળ ગુજરાત કાર્યક્રમ યોજાઈ રહ્યો છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com