રાજ્ય સરકાર દ્વારા રાજકોટમાં નિર્માણ પામનાર અદ્યતન મલ્ટીપર્પઝ સ્પોર્ટસ સંકુલનું તેમજ રૂ.૬૭ કરોડના ખર્ચે રીજીયોનલ સાયન્સ મ્યુઝિયમનું ખાતમુહૂર્ત થશે
રાજકોટને અદ્યતન સ્પોર્ટસ સંકુલની સુવિધા મળશે.
રાજકોટ શહેરમાં રાજ્યના માન. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના વરદ હસ્તે અંદાજીત રૂ.૩૦૦ કરોડના ખર્ચે જુદા જુદા કામોના લોકાર્પણ તથા ખાતમુહૂર્ત થનાર છે. જેમાં રાજ્ય સરકાર દ્વારા રાજકોટમાં નિર્માણ પામનાર અદ્યતન મલ્ટીપર્પઝ સ્પોર્ટસ સંકુલનું પણ ખાતમુહૂર્ત થશે.
આ ઉપરાંત, રાજકોટ મહાનગરપાલિકાના મચ્છુનગરમાં રૂ.૩૦.૧૨ કરોડના ખર્ચે નિર્માણ પામનાર આવાસોનું લોકાર્પણ, પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મવડી વિસ્તારમાં રૂ.૩૩.૮૮ કરોડના ખર્ચે નિર્માણ પામનાર ઘર-૨નું ખાતમુહૂર્ત, ચંદ્રેશનગર ખાતે ૨૪/૭ માટે વોટર સપ્લાય સવલતોનું ખાતમુહૂર્ત, વોર્ડ નં.૭ અને ૧૪માં રૂ.૩૧.૭૦ કરોડના ખર્ચે ડી.આઈ. પાઈપલાઈનનો શુભારંભ, સોલિડ વેસ્ટ, ફાયર બિગ્રેડ તથા ડ્રેનેજ વિભાગના ઉપયોગ માટેના અંદાજીત રૂ.૫ કરોડના વાહનોની અર્પણવિધિ, એરપોર્ટ ઓથોરીટી ઓફ ઇન્ડિયાના સહયોગથી ઇલેક્ટ્રિક બસ માટે MOU, શહેરી વિકાસ સતા મંડળ દ્વારા રૂ.૫૪.૨૫ કરોડના ખર્ચે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ EWS એક્ટના ૭૮૪ આવાસોનું ખાતમુહૂર્ત, જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રૂ.૫.૨૫ કરોડના ખર્ચે મામલતદાર કચેરીનું ખાતમુહૂર્ત, આ ઉપરાંત રૂ.૬૭ કરોડના ખર્ચે રીજીયોનલ સાયન્સ મ્યુઝિયમનું ખાતમુહૂર્ત થશે.
રાજકોટ શહેરમાં નિર્માણ પામનાર અદ્યતન મલ્ટીપર્પઝ સ્પોર્ટસ સંકુલમાં ગ્રાઉન્ડ ફ્લોર ૨૦૦૦.૧૫ ચો.મી.માં ૪ બેડમિન્ટન, ૮ ટેબલ ટેનિસ, જીમ હોલ, કોચ ઓફીસ, ચેઈન્જ રૂમ, ટોઇલેટ બ્લોક, સ્ટોર રૂમ, પ્રેક્ષક ગેલેરી-૫, પ્લેયર ગેલેરી-૩, આ ઉપરાંત મેઝનીન ફ્લોર ૯૧૮.૧૬ ચો.મી.માં જીમ્નાસ્ટીક હોલ, જુડો હોલ, ચેઈન્જ રૂમ, પ્રેક્ષક ગેલેરી-૧, પ્લેયર ગેલેરી-૧ વિગેરે સુવિધાઓ સાથે નિર્માણ પામનાર છે. આ સંકુલ નિર્માણ પામવાથી રાજકોટ શહેરના તથા સૌરાષ્ટ્રભરના ખેલાડીઓને તેમજ રમતવીરોને પોતાની ખેલકૂદની કારકિર્દી ઘડવામાં ખુબ જ ઉપયોગી થશે. તેમજ આં રમતવીરોને રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય કક્ષાએ ખેલકૂદ સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે સુવિધાસભર પ્લેટફોર્મ તરીકે ઉપયોગી થશે.
આ યોજાનાર લોકાર્પણ, ખાતમુહૂર્તના સયુંકત ડાયસ કાર્યક્રમ માટે આજરોજ સ્થળ મુલાકાત લેતા, મેયર ડૉ. જૈમન ઉપાધ્યાય, ડે. મેયર ડૉ. દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની, શાસક પક્ષ નેતા તથા ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણી, દંડક રાજુભાઈ અઘેરા, બાંધકામ સમિતિ ચેરમેન મુકેશભાઈ રાદડીયા, વોટરવર્કસ શાખા ચેરમેન દલસુખભાઈ જાગાણી, આવાસ સમિતિ ચેરમેન કિરણબેન સોરઠીયા, સાંસ્કૃતિક સમિતિ ચેરમેન જયમીનભાઇ ઠાકર, અગ્નિશામક સમિતિ ચેરમેન જાગૃતિબેન ઘાડિયા, વોર્ડ નં.૧૦ના કોર્પોરેટર બીનાબેન આચાર્ય, જ્યોત્સ્નાબેન ટીલાળા, પુર્વ કોર્પોરેટર પરેશભાઈ હુંબલ, પ્રભારી માધવભાઈ દવે, અધિકારીઓ ડે. કમિશનર ડી. જે. જાડેજા, સી. કે. નંદાણી, સ્પોર્ટસ ઓથોરીટી કચેરીના રમાબેન, રૂડા કચેરીના શ્રી જાડેજા સહિતના ઉપસ્થિત રહેલ હતા.
અંતમાં, મેયર ડૉ. જૈમન ઉપાધ્યાયે રાજકોટ શહેરને અદ્યતન સુવિધાસભર સ્પોર્ટસ સંકુલ આપવા માટે ગુજરાત સરકારના સંવેદનશીલ માન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીનો ખુબ ખુબ આભાર માનેલ હતો.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com