- પંજાબ હવે ‘આમ આદમી’નું રહ્યું નથી!!
- જલંધરમાં ભાજપ નેતા મનોરંજન કાલિયાના મકાન પર ગ્રેનેડ એટેક: લોરેન્સ બિશ્નોઈ અને ખાલિસ્તાની કનેકશન આવ્યું સામે
- પંજાબ પોલીસ પર સહેજ પણ ભરોષો નહિ, જરૂર પડ્યે કેન્દ્રીય એજન્સીની સુરક્ષા વચ્ચે પ્રવાસ ખેડીશું : વિજયભાઈનું સૂચક નિવેદન
- ‘અબતક’ સાથે પંજાબ પ્રદેશ ભાજપ પ્રભારી વિજયભાઈ રૂપાણીની એક્સકલુઝીવ વાતચીત
પંજાબમાં ભાજપના દિગ્ગજ નેતા મનોરંજન કાલિયાના મકાન પર ગ્રેનેડ એટેક કરવામાં આવ્યો છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની સર્જાઈ નથી પણ હુમલાની ઘટનામાં લોરેન્સ બિશ્નોઈ અને ખાલિસ્તાની આતંકીઓનું કનેક્શન ખુલવા પામ્યું છે ત્યારે પંજાબ ભાજપના પ્રભારી વિજયભાઈ રૂપાણીએ ’અબતક’ સાથેની એક્સકલુઝીવ વાતચીતમાં પંજાબની આમ આદમી પાર્ટી સરકાર પર મોટા આક્ષેપ કર્યા છે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈએ ખાલિસ્તાની આતંકીઓ સાથે મળી આપ સરકાર જ આ હુમલા કરાવી રહી છે તેવા આક્ષેપ સાથે મામલાની તપાસ એનઆઈએને સોંપવામાં આવે તેવી માંગ કેન્દ્ર સરકાર સમક્ષ કરી છે. વધુમાં તેમણે અબતક સાથેની એક્સકલુઝીવ વાતચીતમાં એમ પણ કહ્યું હતું કે, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવામાં તદ્દન નિષ્ફળ નીવડેલી આપ સરકાર ભાંગફોડીયા તત્વોને પ્રોત્સાહન આપતી હોય તે પ્રજા જાણી ગઈ છે માટે આગામી ચૂંટણીમાં માન સરકારને પણ પ્રજા ઘરભેગી કરી દેવાની છે.
પંજાબમાં બનેલી સમગ્ર ઘટના પર એક નજર કરવામાં આવે તો પંજાબના જલંધરમાં ભાજપ નેતા મનોરંજન કાલિયાના નિવાસસ્થાને મોડી રાત્રે ગ્રેનેડ હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં પોલીસે બે લોકોની ધરપકડ કરી છે. આ હુમલાની જવાબદારી આતંકવાદી હૈપ્પી પાસિયાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને લીધી છે. બીજીતરફ આ હુમલામાં લોરેન્સ બિશ્નોઈ ગેંગ અને પાકિસ્તાનની ગુપ્તચર એજન્સીનું કનેક્શન સામે આવ્યું છે.
મામલામાં પંજાબ ભાજપ પ્રભારી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે, સૌ પ્રથમ તો પંજાબની આમ આદમી પાર્ટીની માન સરકાર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવામાં સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ છે. અમારા નેતા મનોરંજન કાલિયાના ઘર ઓર બે હેન્ડગ્રેનેડ ફેંકી બ્લાસ્ટ કરવામાં આવ્યો છે. અગાઉ પણ પટિયાલા સહિતના વિસ્તારોમાં ગ્રેનેડ હુમલા થઇ ચુક્યા છે. પંજાબમાં ગેંગવોર, ફાયરિંગની અનેક ઘટનાઓ સામે આવતી હોય છે જેથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવામાં સદંતર નિષ્ફ્ળ ગઈ છે જેના કારણે આ પ્રકારના તત્વો માથું ઊંચકે છે. દેશના ભાગલા પાડવા રઘવાયા બનેલા ખાલિસ્તાનવાદી તત્વોને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. વર્ષો પછી પંજાબ આતંકીઓના કબ્જામાથી બહાર નીકળ્યું અને સ્થિર થયું પરંતુ આમ આદમી પાર્ટી સરકારને કારણે પંજાબની હાલત બગડતી જઈ રહી છે.
પ્રશ્ર્ન : બંગાળમાં જે રીતે ભાજપ કાર્યકરો પર હુમલા થયાં, હત્યા કરાઈ તે જ પ્રકારે ક્યાંક પંજાબમાં પણ ભાજપ નેતાઓ પર હુમલા કરી દહેશતનો માહોલ ઉભો કરવામાં આવી રહ્યો છે?
જવાબ : વાત બિલકુલ સાચી છે. પંજાબના કાર્યકરોને ધમકીઓ તો સતત મળતી જ હોય છે, હુમલા કરવામાં આવ્યા છે, ફાયરિંગ પણ કરવામાં આવ્યા છે, અમુક કાર્યકરો શહીદ પણ થયાં છે. ગ્રેનેડ એટેકનો બનાવ ઘણા સમય બાદ સામે આવ્યો છે તો આ પ્રકારે ભાજપ કાર્યકરોને દબાવવાનો પ્રયાસ શરૂ થયાં છે પણ ભાજપ કાર્યકર દેશ માટે લડવા માટે કટીબદ્ધ છે અને આવી કોઈ ભય કે દાદાગીરીથી ભાજપનો કાર્યકર દબાવાનો નથી.
પ્રશ્ર્ન : સત્તાની ધુરા હાથમાં રાખવા ભાંગફોડીયા તત્વોનો સહારો લેવાઈ રહ્યો છે?
જવાબ : સરકાર જ પોતે પોતાની સત્તા સાંભળવા માટે આવા તત્વોને પ્રોત્સાહન આપી રહી છે એટલે જ્યાં સરકાર જ પોતે જવાબદાર હોય ત્યાં અપેક્ષા જ શું રાખવી આપણે.
પ્રશ્ર્ન : ઘટના બાદ ઇન્ટેલીજન્સ બ્યુરોના વડા જયસ્વાલને બદલાવી નખાયા, પ્રવીણકુમાર સિન્હાને જવાબદારી સોંપાઈ આ બાબતને કેવી રીતે જુઓ છો?
જવાબ : પંજાબ સરકાર આ તમામ ઘટનાક્રમમાં પોતે જ સંડોવાયેલી છે એવુ અમને લાગે છે. પંજાબ સરકાર કે ત્યાંની પોલીસ પર અમને ભરોષો નથી એટલા માટે કેન્દ્ર સરકાર સમક્ષ આ ઘટનામાં કેન્દ્રીય તપાસ એજન્સી જોડાય, આરોપીઓની ધરપકડ થાય, આકરી પૂછપરછ કરીને સાચી વાત પ્રજા સમક્ષ આવે તેવી અમે માંગ કરી છે.
પ્રશ્ર્ન : ભાજપના ટોચના નેતાઓથી માંડી કાર્યકરો પર જોખમ ઉભું થયું છે, આપ સતત પંજાબના પ્રવાસ કરતા હોય ત્યારે આપની સુરક્ષા અંગે પણ સવાલ છે, શું પંજાબ સરકાર યોગ્ય સુરક્ષા વ્યવસ્થા પ્રદાન કરે છે?
જવાબ : ખરેખર અમને પંજાબ સરકાર પર ભરોશો જ નથી. અમે અમારા જોખમે જ ત્યાં જઈએ છીએ, કાર્યક્રમો કરીએ છીએ અને જરૂર પડશે ત્યારે કેન્દ્રીય દળો પાસે અમે સુરક્ષાની માંગણી કરીશું. અત્યારે તો અમે આ બધી બાબતોને પરવાહ કરતા નથી અને અમારા જોખમે જ કાર્ય કરીએ છીએ.
પ્રશ્ર્ન : કેન્દ્રીય નેતાગીરીને રિપોર્ટ આપી દેવામાં આવ્યો છે?
જવાબ : કેન્દ્રીય નેતાગીરી ગઈકાલે સવારથી જ સતત સંપર્કમાં છે અને ઘટનાને ગંભીરતાપૂર્વક લઇ રહી છે.
પ્રશ્ર્ન : આ પ્રકારના હુમલા જયારે થતાં હોય ત્યારે ભાજપ હવે કેવી રીતે જવાબ આપશે?
જવાબ : અમે બે રીતે આગળ વધી રહ્યા છીએ. ગઈકાલે પંજાબમાં કાર્યકરો દ્વારા દરેક તાલુકા કક્ષાએ સરકાર વિરુદ્ધ દેખાવો કરવામાં આવ્યા. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સહિતના નેતાઓએ પત્રકાર પરીષદમાં પણ આ બધી વાતો દોહરાવી છે. પંજાબ પોલીસ પર અમને ભરોસો નથી માટે તપાસની ધુરા એનઆઈએને સોંપવામાં આવે તેવી રજુઆત ગૃહમંત્રી અમિતભાઇ શાહને કરવામાં આવી છે. સાચા અર્થમાં તપાસ થાય, આરોપીઓ પકડાય અને સજા થાય તે પ્રકારની કાર્યવાહી થવી જોઈએ.
પ્રશ્ર્ન : આક્ષેપ મુજબ જયારે સરકાર જ ભાંગફોડીયા તત્વોને પ્રોત્સાહન આપતી હોય અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળતી જતી હોય ત્યારે પ્રજા આગામી ચૂંટણીમાં શું જનાદેશ આપશે?
જવાબ : પંજાબની પ્રજા બધું સમજી ગઈ છે, જે રીતે દિલ્લીમાં પ્રજાએ કેજરીવાલને ઘર ભેગા કર્યા તેમ પંજાબની પ્રજાએ પણ આમ આદમી પાર્ટીની નીક્કમી સરકારને ઘર ભેગા કરી દેવાનું નક્કી કરી લીધું છે.