શ્રમિકોથી લઈ ખેડૂતો, ગૃહિણીઓ, ગંગા સ્વરૂપ બહેનો, દર્દીઓ, મધ્યમ વર્ગ,
વિદ્યાર્થીઓ, સાગરખેડુ વગેરેની મુખ્યમંત્રીએ ચિંતા કરી બધાને રાહત-સહાય કરી
ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કોરોના વાયરસની મહામારીમાં લોકડાઉનનાં સમયગાળા દરમિયાન સંવેદનશીલતા અને સતર્કતાથી સેવાકાર્યો કરી દરેક વર્ગને રાહત આપતી યોજનાઓ જાહેર કરી લોકહિતમાં અનેક નિર્ણયો લીધા છે જેના વિશે જાણકારી આપતા રાજ્યનાં મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડનાં ચેરમેન ધનસુખભાઈ ભંડેરી અને પ્રદેશ ભાજપા અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજે જણાવ્યું હતું કે, પ્રથમ ૨૧ દિવસનાં લોકડાઉનનાં સમયગાળા દરમિયાન વિજયભાઈ રૂપાણીએ રાજ્યનાં મુખ્યમંત્રી ઉપરાંત એક મોભીની ભૂમિકા બખૂબી ભજવી રાજ્યનાં સાડા છ કરોડ લોકોની સેવા ચાકરી છે.
વધુમાં ભંડેરી-ભારદ્વાજે જણાવ્યું હતું કે, લોકડાઉનનાં સમયગાળામાં વિજયભાઈ રૂપાણીનાં દ્રષ્ટિવંત નેતૃત્વમાં પ્રધાનમંત્રી કિસાન યોજના હેઠળ ૯૫૬ કરોડનો લાભ ગુજરાતને મળ્યો છે. કિસાન સન્માન યોજના હેઠળ ૪૦ લાખ ખેડૂતોનાં ખાતામાં ૮૦૦ કરોડ રૂપિયા જમા થઈ ગયા છે. ખેડૂતોનાં માર્ચ મહિના સુધીનાં ધિરાણનું ૭ ટકા વ્યાજ બેંકોને સરકાર ચૂકવશે. પાક ધિરાણની મુદત બે મહિના લંબાવાઈ છે. ૩૧ મે સુધીનાં ધિરાણની રકમ જમા કરાવવા છૂટ આપવામાં આવી છે. રવી પાકની લણણી માટે ખેડૂતો અને ખેતીનાં વાહનોની અવરજવરને વિશેષ છૂટછાટ અપાઈ છે. બિયારણ, ખાતર અને પાક જંતુનાશક – પેસ્ટીસાઇઝડસનો આવશ્યક ચીજવસ્તુઓમાં સમાવેશ કરવા ઉપરાંત ખેડૂતો તૈયાર પાક સીધો જ બજારમાં જઈ વહેચી શકે એવી વ્યવસ્થાનું નિર્માણ રૂપાણી સરકારે કર્યું છે. ગુજરાતની કોઈપણ સ્કૂલ આ વર્ષે ફી વધારો નહીં કરી શકે. વાલીઓને માર્ચ-એપ્રિલ-મે માસની ફી ભરવામાં ૬ મહિનાની મુદત આપવામાં આવશે. કોઈ વાલી ફી માસિક હપ્તે ભરવા માંગતા હોય તો તેની પણ સવલત શાળાઓએ આપવાની રહેશે. શાળાઓમાં ૧ જૂન અને કોલેજ – યુનિવર્સિટીમાં ૧૫ મે સુધી વેકેશન જાહેર કરવા ઉપરાંત ધોરણ ૧૦-૧૨ બોર્ડ પરીક્ષાઓના પેપર ચેકિંગનું કામ ૧૬ એપ્રિલથી શરૂ થશે. આ સમયગાળા દરમિયાન વિદ્યાર્થીઓનું ભણતર ન બગડે તે માટે ઘર બેઠા સ્ટડી મટીરીયલ પણ રૂપાણી સરકારનું શિક્ષણ વિભાગ પહોચાડી રહ્યું છે.
વિજયભાઈ રૂપાણીએ અન્નબ્રહ્મ યોજના અંતગર્ત રેશનકાર્ડ વગર નિ:શુલ્ક અનાજ વિતરણ કરવાનો નિર્યણ લીધો છે. નિરાધાર, વૃદ્ધ, નિ:સહાય અને એકલવાયું જીવન જીવતા તથા શ્રમિકો, કામદારોને ફૂડ પેકેટસ-ભોજન વિતરણની વ્યવસ્થા કરવામાં આવી છે. આઠ મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર૪ ભાવનગર, જૂનાગઢ અને ગાંધીનગરમાં એકલા વસવાટ કરતા નિ:સહાય વૃદ્ધ વડિલો અને નિરાધાર વ્યક્તિઓને ઘેર બેઠા વિનામૂલ્યે ભોજન આપવામાં આવી રહ્યું છે.
ભંડેરી-ભારદ્વાજે વધુમાં ઉમેર્યું હતું કે૪ ગુજરાતની કુલ ૧૩.૬૬ લાખ મહિલા લાભાર્થીને એપ્રિલ માસ એડવાન્સ પેન્શન ચૂકવાઈ ગયું છે. ઉજ્જવલા યોજના હેઠળ રાજ્યની ૨૮ લાખ મહિલાઓને ત્રણ મહિના સુધી સિલિન્ડર મફત મળશે. ૪ લાખ ૪૩ હજાર જેટલી ગંગા સ્વરૂપા માતા-બહેનોને એપ્રિલ-મે એમ બે મહિના માટે પ્રતિમાસ રૂ. પ૦૦ પ્રમાણે ૧૦૦૦ રૂપિયાની વધારાની સહાય કરવામાં આવશે.
૩.૨૫ કરોડ લોકોવાળા ૬૬ લાખ ગરીબ વર્ગનાં પરિવારોને અને ૨.૫૦ કરોડ લોકોવાળા ૬૦ લાખ મધ્યમ વર્ગનાં પરિવારોને સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનો પરથી વિનામૂલ્યે એપ્રિલ માસનું અનાજ વિતરણ કરવાનો તેમજ અંત્યોદય અને પીએચએચ રેશન કાર્ડ ઉપરાંત એપીએલ કાર્ડધારકોને વિનામૂલ્યે અનાજ આપનાર દેશભરનું પ્રથમ રાજ્ય ગુજરાતને બનાવવાનો રેકોર્ડ વિજયભાઈ રૂપાણીએ કરી ગુજરાતીઓનાં લાખ-લાખ આશીર્વાદ મેળવ્યા છે. સાગરખેડૂ, માછીમારોને વ્યવસાય માટે દરિયામાં જવા ટોકન ઈશ્યુ કરવા ઉપરાંત આવશ્યક ચીજવસ્તુઓ અને સેવાઓ આપતા લોકો માટે અંદાજીત ૩ લાખ પાસ ઈશ્યુ કરાયા છે. સમગ્ર ગુજરાત અને ગુજરાતની જનતા સહિત સવિશેષ રાજકોટ માટે ગૌરવની વાત છે કે આપણા વિજયભાઈ રૂપાણી ખરા અર્થમાં પ્રજાનાં સેવક, દુખિયાનાં બેલી બની ગુજરાતને કોરોનામુક્ત બનાવવા તરફ અગ્રેસર છે એવું ધનસુખભાઈ ભંડેરી અને નીતિનભાઈ ભારદ્વાજે અંતમાં જણાવ્યું હતું.