- સંગઠનના માણસ તરીકેની છબી ધરાવતા પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને ભાજપ હાઇકમાન્ડ દ્વારા સોંપાય મહત્વપૂર્ણ જવાબદારી: પંજાબ-ચંદીગઢના પ્રભારી બનાવાયા
- ગુજરાતના રાજકારણમાં વ્યાપક અસરની સંભાવના પ્રભારી બનતા હવે વિજયભાઇ રૂપાણીને પાર્લામેન્ટરી બોર્ડ અને કોર કમિટીમાં યથાવત રખાશે? વિધાનસભાની ટિકિટ અપાશે? જેવા અનેક સવાલો
પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની સંગઠન શક્તિને પારખી ભાજપ દ્વારા તેઓને રાષ્ટ્રીય જવાબદારી સોંપવામાં આવી છે. તેઓની પંજાબ અને ચંદીગઢના પ્રભારી તરીકે નિયુક્તી કરવામાં આવી છે. જો કે તેઓની વરણીની ગુજરાતના રાજકારણમાં વ્યાપક અસરો વર્તાય તેવી સંભાવના પણ સ્પષ્ટ દેખાય રહી છે. રાષ્ટ્રીય જવાબદારી સોંપાતા હવે તેઓને પ્રદેશ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડના સભ્ય અને કોર કમિટીના સભ્ય તરીકે ચાલુ રાખવામાં આવશે કે કેમ? વિધાનસભાની આગામી ચૂંટણી લડાવાશે કે કેમ? જેવા અનેક સવાલો ઉભા થયા છે. પૂર્વ મુખ્યમંત્રીને તેઓના રાજકીય કદ મુજબ સ્થાન આપવામાં આવ્યું કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા રાજ્યવટો આપી દેવામાં આવ્યો છે. તેવી તરેહ-તરેહની ચર્ચાનો દૌર શરૂ થઇ ગયો છે.
અગાઉ પ્રદેશ ભાજપના મહામંત્રી તરીકે વિજયભાઇ રૂપાણી સૌરાષ્ટ્ર ઝોનના પ્રભારી હતા. તેઓએ સૌરાષ્ટ્રમાં ભાજપને મજબૂત બનાવવા માટે કાળી મજૂરી કરી છે. તેવું કહેવામાં આવે તો પણ જરા અમસ્થી પણ અતિશીયોક્તી નથી. ગુજરાતમાં ભાજપને મજબૂત બનાવવામાં વિજયભાઇનો સિંહફાળો રહ્યો છે. પંજાબમાં ભાજપ વર્ષોથી નબળુ છે આવામાં રાષ્ટ્રીય નેતાગીરીએ સંગઠન શક્તિને ધ્યાનમાં રાખી વિજયભાઇને પંજાબના પ્રભારી બનાવ્યા છે કે પછી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોઇ મહત્વપૂર્ણ જવાબદારી સોંપવી ન પડે તે માટે પાણી પહેલા પાળ બાંધી લીધી છે. ગુજરાતથી વિજયભાઇને પંજાબ મોકલી દેવાતા હવે તેઓના જૂથના નેતાઓની આગામી વિધાનસભાની ચૂંટણીમાં શું રોલ રહેશે તે પણ સમય જ બતાવશે.
પક્ષે માત્ર ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી પ્રભારીઓની નિમણુંક કરી હોય તેવું નથી. સંપૂર્ણ ફોક્સ લોકસભાની 2024માં યોજાનારી ચૂંટણી પર છે. ભાજપ લોકસભાની આગામી ચૂંટણીમાં 400થી વધુ બેઠકો જીતવાનો લક્ષ્યાંક રાખી રહી છે. આ માટે અર્થતંત્રની મજબૂતાય અને આતંકવાદના સફાયા પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે. સાથે સાથે સંગઠન માળખાને પણ મજબૂત બનાવવામાં આવી રહ્યું છે.
સંગઠનના માણસ ગણાતા ભાજપના અદના કાર્યકર તરીકેની છબી ધરાવતા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની સંગઠન માળખાને તાકાતવર કરવાની શક્તિને પારખી ભાજપ હાઇકમાન્ડ દ્વારા તેઓને પંજાબમાં કમળને કદાવર બનાવવાની મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે. લોકસભાની આગામી ચૂંટણીમાં ભાજપ રેકોર્ડબ્રેક બેઠકો સાથે જીતની હેટ્રીક કરે તે માટે રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા દ્વારા ગઇકાલે 15 રાજ્યોના પ્રભારીઓ તથા સહ પ્રભારીઓની નિમણૂંક કરવામાં આવી છે. જેમાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે.
વિજયભાઇએ છેલ્લા ચાર દાયકામાં ભાજપના એક અદના કાર્યકર્તા તરીકે સંગઠન માળખાને મજબૂત કરવા માટે પરિશ્રમની પરાકાષ્ઠા સર્જી છે. તેઓ પ્રદેશ ભાજપના અધ્યક્ષ, મહામંત્રી, સૌરાષ્ટ્ર ઝોનના ઇન્ચાર્જ તરીકેની જવાબદારી સફળતા પૂર્વક નિભાવી ચુક્યા છે. પાંચ વર્ષ તરીકે મુખ્યમંત્રી તરીકેના તેઓના કાર્યકાળમાં ગુજરાતનો અદ્વિતીય વિકાસ થયો છે. તેઓ સંગઠનના માણસ ગણાય છે. સંગઠનને મજબૂત કરવા માટેની તેઓની ચાણક્ય બુધ્ધીને કોઇ અન્ય નેતા પહોંચે તેમ નથી. પંજાબમાં ભાજપ નબળુ છે. અનેક પ્રયાસો કરવા છતા પંજાબમાં કમળ મજબૂત થતું નથી. આવામાં આમ આદમી પાર્ટી શાસિત પંજાબમાં ભાજપને કદાવર બનાવવાની જવાબદારી ભાજપ હાઇકમાન્ડ દ્વારા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને સોંપવામાં આવી છે. તેઓને પંજાબ ઉપરાંત ચંદીગઢના પણ પ્રભારી બનાવવામાં આવ્યા છે.
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા દ્વારા ગઇકાલે અલગ-અલગ 15 રાજ્યોના પ્રભારી તથા સહ પ્રભારીની નિમણુંક કરવામાં આવી છે. જેમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને પંજાબ અને ચંદીગઢના પ્રભારી બનાવાયા છે. આ ઉપરાંત ત્રિપુરાના પૂર્વ મુખ્યમંત્રી વિપ્લય દેવને હરિયાણાના પ્રભારી, ઓમ માથુરને છતીસગઢના પ્રભારી, પૂર્વ કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરને કેરળના પ્રભારી, વિનોદ તાવડેને બિહારના પ્રભારી, લક્ષ્મીકાંત વાજપેયીને ઝારખંડના પ્રભારી, રાધામોહન અગ્રવાલને લક્ષદ્વીપના પ્રભારી, પી.મુરલીધર રાવને મધ્યપ્રદેશના પ્રભારી, તરૂણ ચુઘને તેલંગણાના પ્રભારી, અરૂણસિંહને રાજસ્થાનના પ્રભારી, મહેશ શર્માને ત્રિપુરાના પ્રભારી, મંગલ પાંડેને પૂર્વોત્તરના પ્રભારી બનાવવામાં આવ્યા છે.
રાજસ્થાનના પ્રભારી અરૂણસિંહને નોર્થ ઇસ્ટ પ્રદેશના સહ પ્રભારી તરીકે નિયુક્તી કરવામાં આવી છે. લોકસભાની ચૂંટણીમાં આડે હવે દોઢ વર્ષનો સમયગાળો બાકી રહ્યો છે ત્યારે સત્તાધારી પક્ષ ભાજપ દ્વારા કેન્દ્રમાં ફરી એકવાર પૂર્ણ બહુમત સાથે સરકાર બનાવવા માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. 2019માં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં જે 144 બેઠકો પર ભાજપ નબળુ હતું. ત્યાં પક્ષને વધુ મજબૂત બનાવવા માટેની રણનીતી ઘડવામાં આવી છે. આ 144 બેઠકો પર વધુ ફોક્સ કરવામાં આવી રહ્યું છે.
પંજાબમાં ભાજપની સ્થિતિ ખૂબ જ નબળી છે. વિધાનસભાની ગત ચૂંટણીમાં પંજાબમાં ભાજપ માત્ર ત્રણ બેઠક જીતી શક્યું હતું. અહીં કમળને કદાવર બનાવવા માટે ભાજપે ફરી એક વખત સંગઠનના માણસ ગણાતા વિજયભાઇ રૂપાણી પર નજર દોડાવી છે. તેઓને પ્રભારી તરીકેની મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે. આગામી દિવસોમાં વિજયભાઇ રૂપાણી પંજાબ-ચંદીગઢનો પ્રવાસ ખેડશે અને ત્યાં પક્ષને કેવી રીતે મજબૂત બનાવવું તેની વ્યૂહરચના ઘડશે.