વડાપ્રધાન નરેન્દ્રભાઇએ ફરી એકવાર ધોરાજીમાં સભા દરમિયાન વિજયભાઇ સાથે કરી વાતચિત

ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીમાં સૌરાષ્ટ્રની 48 બેઠકો પર ભાજપના ઉમેદવારોને રેકોર્ડ બ્રેક લીડથી જીતાડી કમળ ખીલવવાની જવાબદારી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને સોંપવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. ગઇકાલે ધોરાજીમાં ચૂંટણી સભા દરમિયાન વડાપ્રધાને વધુ એક વખત વિજયભાઇને પોતાની પાસે બેસાડીને ચૂંટણીલક્ષી ચર્ચાઓ કરી હતી.

સંગઠનમાં જ્યારે વિજયભાઇ રૂપાણી મહામંત્રી તરીકેની જવાબદારી નિભાવતા હતા ત્યારે તેઓને સૌરાષ્ટ્ર ઝોનનો હવાલો આપવામાં આવતો હતો. વિજયભાઇએ પરિશ્રમની પરાકાષ્ઠા સર્જીને સૌરાષ્ટ્રમાં ભાજપને મજબૂત બનાવ્યું છે. તેઓ સૌરાષ્ટ્રના તમામ જિલ્લા અને તાલુકાની તાસીરથી સારી રીતે વાકેફ છે. સૌરાષ્ટ્રમાં ચૂંટણીની વ્યૂહરચના ગોઠવવામાં તેઓનો જોટો ભાજપને મળે તેમ નથી. મુખ્યમંત્રી પદે હાલ ન હોવા છતાં વિજયભાઇ પૂરા ખંતથી પક્ષ માટે કાર્ય કરી રહ્યાં છે. ચૂંટણીની તારીખો જાહેર થઇ તે પહેલા જામકંડોરણા અને રાજકોટમાં જાહેર સભા દરમિયાન વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને પોતાની પાસે બોલાવ્યા હતા અને વિસ્તૃત વાતચિત કરી હતી.

આ પરંપરા ગઇકાલે પણ જોવા મળી હતી. જેમાં ધોરાજી ખાતે ભાજપના ઉમેદવાર ડો.મહેન્દ્ર પાટલીયાના સમર્થનમાં ચૂંટણી સભા સંબોધવા આવેલા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ વિજયભાઇ રૂપાણીને પોતાની પાસે બોલાવ્યા હતા અને ચૂંટણીલક્ષી ચર્ચા કરી હતી. સૌરાષ્ટ્રની 48 બેઠકો પર ભાજપના ઉમેદવારને જીતાડવાની આડકતરી જવાબદારી વિજયભાઇને સોંપી દેવામાં આવી હોવાનું ચર્ચાઇ રહ્યું છે. પ્રથમ તબક્કાના મતદાનના આડે હવે 10 દિવસનો સમયગાળો બાકી રહ્યો છે ત્યારે વિજયભાઇએ પણ ભાજપને આ વખતે રેકોર્ડ બ્રેક બેઠકો મળે તે માટેનું બીડું ઉપાડી લીધું છે. સ્ટાર પ્રચારક તરીકે તેઓ સતત ચૂંટણી સભાઓ સંબોધીત રહ્યા છે અને ચૂંટણીની વ્યૂહરચના ગોઠવી રહ્યાં છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.