વ્યવસાય વેરામાં વ્યાજ માફી યોજના લાવ્યા અને સૌની યોજનાથી આજી, ન્યારી, ભાદરને નર્મદાનાં નીરથી ભર્યા: શહેરનાં વિકાસ માટે મન મુકીને ગ્રાન્ટ ફાળવનાર મુખ્યમંત્રીનો આભાર માનતા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદય કાનગડ
ગુજરાતનાં મુખ્યમંત્રી તરીકે વિજયભાઈ રૂપાણી સતારૂઢ થયા બાદ રાજકોટ માટે મોસાળે જમણ અને મા પીરસનાર જેવો માહોલ સર્જાય ગયો છે. છેલ્લા બે વર્ષમાં વિજયભાઈએ માદરે વતન રાજકોટનાં વિકાસ માટે ખુલ્લા હાથે ગ્રાન્ટની ફાળવણી કરી છે. આટલું જ નહીં શહેરનાં વિકાસનો હાર્દ ગણાતી એવી ૧૯ ટીપી સ્કીમોને પણ સૈઘ્ધાંતીક અને આખરી મંજુરી આપવામાં આવી છે. વ્યવસાય વેરામાં વ્યાજમાફી યોજના અને સૌની યોજના થકી આજી, ન્યારી અને ભાદરમાં નર્મદાનાં નીર પણ ઠાલવવાનો મહત્વકાંક્ષી નિર્ણય લીધો છે. સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેન ઉદયભાઈ કાનગડે આજે મુખ્યમંત્રીનો આભાર વ્યકત કર્યો હતો. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતનાં મુખ્યમંત્રી તરીકે સતારૂઢ થયાનાં ૩ વર્ષ પૂર્ણ કર્યા બાદ વિજયભાઈ આજે પ્રથમ વખત રાજકોટની મુલાકાતે આવ્યા છે. તેઓએ છેલ્લા બે વર્ષમાં રાજકોટને રૂા.૧૨૬૬ કરોડની ગ્રાન્ટ ફાળવી છે જેમાં શહેરનાં ત્રણેય ઝોનમાં રોડ-રસ્તાનાં કામ માટે રૂા.૨૫ કરોડની મોનસુન ગ્રાન્ટ, સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની ગ્રાન્ટમાંથી પેવર કામ, ડીઆઈ પાઈપલાઈન, ડ્રેનેજ નેટવર્ક સહિતનાં કામો માટે રૂા.૪૧.૪૩ કરોડ, ૧૪માં નાણાપંચની ગ્રાન્ટ તથા અમૃતમાંથી જુદી-જુદી સોસાયટીનાં રસ્તા અને વોટર વર્કસનાં કામ માટે રૂા.૧૯.૫૦ કરોડ, પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ૩૩૧૪ આવાસ બનાવવામાં આવ્યા છે અને હાલ ૬૪૭૮ આવાસની કામગીરી પ્રગતિમાં છે જેના માટે રાજય સરકાર દ્વારા રૂા.૧૬૩.૭૮ કરોડની ગ્રાન્ટ, મુખ્યમંત્રી ગૃહ યોજના અંતર્ગત બનાવવામાં આવેલા ૪૬૮૫ આવાસ માટે રૂા.૫૯.૬૬ કરોડની ગ્રાન્ટ, હોસ્પિટલ ચોક પાસે શાળા નં.૧૦નું જુનુ બિલ્ડીંગ તોડી તેની જગ્યાએ નવી ડોલમેટરી બનાવવા અને નિભાવ માટે રૂા.૨.૪૯ કરોડની ગ્રાન્ટ, આંતરરાષ્ટ્રીય કક્ષાનાં મહાત્મા ગાંધી મ્યુઝિયમ માટે રૂા.૨૬.૦૯ કરોડની ગ્રાન્ટ, વેસ્ટ ઝોનમાં અત્યાધુનિક લાયબ્રેરી બનાવવા માટે રૂા.૨.૦૭ કરોડની ગ્રાન્ટ, પૂર્વ ઝોનમાં લાયબ્રેરી બનાવવા સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી યોજના અંતર્ગત રૂા.૫.૩૭ કરોડની ગ્રાન્ટ, ઓગસ્ટ માસમાં જુદા-જુદા વિકાસ કામો માટે રૂા.૧૦૮.૪૧ કરોડની ગ્રાન્ટ, શહેરમાં અલગ-અલગ સ્થળે ૭ બ્રીજ બનાવવા માટે રૂા.૭૫ કરોડની ગ્રાન્ટ, ચાલુ સાલ ચોમાસાની સીઝનમાં રોડ-રસ્તાને થયેલા નુકસાન માટે રૂા.૨૫ કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. આ ઉપરાંત આજે મુખ્યમંત્રીનાં હસ્તે શહેરમાં જે ૫૯૨ કરોડનાં વિકાસ કામોનું લોકાર્પણ કે ખાતમુહૂર્ત થવાનું છે જેમાં ૫૭૪.૪૯ કરોડનાં કામો માત્ર મહાપાલિકાનાં જ છે જેના માટે તમામ ગ્રાન્ટ રાજય સરકાર દ્વારા ફાળવવામાં આવી છે.
તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, તેઓએ રજુઆતને ધ્યાનમાં લઈ રાજયભરનાં વેપારીઓ માટે વ્યવસાય વેરામાં વ્યાજમાફી યોજના પણ અમલમાં મુકી અને તેની મુદતમાં પણ એક માસનો વધારો કર્યો આ ઉપરાંત રાજકોટની જળસમસ્યાનો કાયમી નિકાલ આવે તે માટે સૌની યોજના અંતર્ગત નર્મદાનાં નીર આજીડેમ, ન્યારીડેમ અને ભાદર ડેમમાં ઠાલવવા માટે કરોડોનાં ખર્ચે પાઈપલાઈન બિછાવવામાં આવી. મુખ્યમંત્રી તરીકે સતારૂઢ થયા બાદ વિજયભાઈએ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, બસપોર્ટ, એઈમ્સ જેવી અનેક સુવિધાઓ રાજકોટને મળે તે માટે પુષ્કર પ્રયાસો કર્યા છે અને તેને સફળતા પણ સાંપડી છે.