દૈવી શક્તિનો આસૂરી શક્તિ પર વિજય, ધર્મનો અધર્મ પર વિજય, કપટ અને અમાનવીયતા પર માનવતાનો વિજય, નફરત પર પ્રેમનો વિજય, અસત પર સતનો વિજય, આ મહાવિજય પર્વ એટલે, વિજયા-દશમી.વર્ષા રાણીએ માનવીના હૃદયમાં હર્ષની હેલી ભરી હોય એના કારણે નસે-નસમાં ઉત્સાહની રેલી વહેતી હોય, નવ-નવ દિવસ શક્તિની ભક્તિ કરી હોય અને એના કારણે શક્તિનું સામર્થ્ય ઉછાળા મારતું હોય ત્યારે સહુની ભીતર બેઠેલો ક્ષત્રીય-ભાવ વિભોર થઈ હરખાય છે. ધર્મમાં, સમાજમાં, પોતાનું પરાક્રમ દેખાડવા, દુશ્મન સામે લડવા આક્રમક આતુર બની જાય છે. આ દિવસે ખેડૂતો પોતાના ઓજારો, સૈનિકો પોતાના આયુધો અને વિદ્યાર્થીઓ તેમજ બ્રહ્મદેવો પોતાના પુસ્તકો અને ધર્મગ્રંથોની પૂજા કરીને ખેતીમાં રણમેદાનમાં તથા વિદ્યાભ્યાસમાં નૂતન પુરૂષાર્થ કરવા સજ્જ થાય છે અને દશેરાના વિજ્યાશિષ મેળવી વિજય મેળવવા કમર કસે છે.દશેરાએ શૌર્યનો તહેવાર છે, વીરત્વનું પર્વ છે, શક્તિનો સમારોહ છે, ક્ષત્રિયોની દિવાળી છે, દિગ્ગવિજયનું મૂહુર્ત છે, એટલે જ આ દિવસનાં પ્રાંત: કાલને વિજય મુહૂર્ત કહે છે, એ જ રીતે સાંજના સૂર્ય આથમ્યા પછી તારક વૃંદો સ્પષ્ટ દેખાવાના શરૂ થાય એ સમયને પણ ‘વિજય મુહૂર્ત’ કહેવામાં આવે છે.
માનવીની ખરી સીમા પોતાની અપૂર્ણતા, અહમ્, વાસના અને કામનાંઓને હણવા એને નેસ્ત નાબુદ કરવા, આપણામાં સુતેલો ક્ષત્રિય જાગી ઉઠે એ જ સાચુ સીમોલ્લંઘન છે. ‘રઘુરાજાએ પણ કૌત્સના કારણે વેદ વિદ્યાની રક્ષા કાજ કુબેર ઉપર સીમોલ્લંઘનનો આરોપ લગાવ્યો હતો.)આજે પણ આતંકવાદ, વાડાવાદ, સતાવાદ, સગાવાદ, ભોગવાદ અને જડવાદ જેવા માનવ વિકાસના અવરોધક અસૂરો આપણી આસપાસ, ચોપાસ આંટા ફેરા કરે છે, અને માનવતાને લજવે છે, તેને શોધી-શોધી, વીણી-વીણી, સાફ કરવાનો શુભ દિવસ એટલે, ‘વિજયા-દશમી’
‘સંદેશ’
રાવણના દશ માથા એ રાવણની દશ અદ્ભૂત શક્તિઓનાં પ્રતિક છે. (રાવણ એટલે જે, સર્વેને રડાવે તે રાવણ) સાથો સાથ એ દશ માથા એનામાં રહેલા ભયંકર અહંકારનું પણ સૂચન કરે છે. રાવણમાં શિવ-ભક્તિ હતી, તે પરાક્રમી હતો, યુદ્ધમાં નિપૂણ, માહિર હતો, પ્રજાને ચાહનાર હતો, કુટુંબ વત્સલ હતો, તપસ્વી હતો, દ્રઢ સંકલ્પ શક્તિવાન હતો, વેદોમાં વિશારદ હતો, કુશળ રાજનીતિજ્ઞ રાજ્યકર્તા હતો, મહાન કલાપ્રેમી હતો, આ દશ ગુણો રૂપી દશ મસ્તક એના શોભી રહ્યાં હતા. પણ એક અહમના અવગુણે એનો સર્વનાશ નોતર્યો. કહેવાય છે ને, માનવ પાસે ગમે તેટલી શક્તિ, સમૃધ્ધિ, સિધ્ધિ, સામર્થ્ય હોય પણ એનામાં વિવેક, અને વિનમ્રતા ન હોય તો એ સિધ્ધિ-શત્રક્ત આત્મ ઘાતક સાબીત થાય છે. વિજયાદશમીનો પવિત્ર દિવસ આપણા અલ્પ, ક્ષુદ્ર અહંકાર ઉપર વિવેક અને વિનમ્રતા દ્વારા વિજય પ્રાપ્ત કરવાનો પુનિત સંદેશ અર્પે છે. “મનુષ્ય યત્ન ઈશ કૃપા આ બંનેનો જો સુભગ સંગમ સ્થાપતો વિજયનો શુકનવંતો ઘંટનાદ સંભળાય.