- ફાફડા ગાંઠીયા, જલેબી, વિવિધ મીઠાઇઓ આરોગી વિજયા દશમીના પર્વની ઉજવણી કરતા સૌરાષ્ટ્રવાસીઓ: ઠેર-ઠેર હોમ-હવન સહિતના ધાર્મિક કાર્યક્રમો: વાહન ખરીદી, મિલકત ખરીદી, સોનું-ચાંદી ખરીદી, ભૂમિપુજન, ઉદ્ઘાટન સહિતના શુભ પ્રસંગો માટે આજનો દિવસ શ્રેષ્ઠ
- સૌરાષ્ટ્રમાં અનેક ગામોમાં રાવણ દહનના કાર્યક્રમો યોજાશે: ક્ષત્રિય સમાજ અને પોલીસ વિભાગ દ્વારા શસ્ત્ર પુજન
- રાજકોટમાં ગુજરાતના સૌથી વિશાળ 64 ફૂટ લાંબા રાવણના પુતળાનું દહન
આસુરી શક્તિ પર દૈવી શક્તિના વિજય, ધર્મનો અધર્મ પર વિજયનું મહા પર્વ એટલે વિજયા દશમી. સતત નવ-નવ દિવસ સુધી ભારે ભક્તિભાવ અને હોંશભેર ર્માં જગદંબાની આરાધના કર્યા બાદ આજે દેશભરમાં વિજયા દશમીના પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. રાજકોટમાં ગુજરાતના સૌથી વિશાળ 64 ફૂટની ઉંચાઇના રાવણના પુતળાનું સાંજે દહન કરવામાં આવશે. જૂનાગઢ અને જામનગર સહિતના સૌરાષ્ટ્રના વિવિધ શહેરોમાં રાવણ દહન સહિતના ધાર્મિક કાર્યક્રમો ઉજવાશે. વિજયા દશમીએ શૌર્યનો તહેવાર છે.
આજે ક્ષત્રિય સમાજ અને પોલીસ વિભાગ દ્વારા શસ્ત્રપુજન કરવામાં આવ્યું હતું. અમુક સ્થળોએ શાસ્ત્રોનું પણ પુજન કરવામાં આવ્યું હતું. આસો સુદ એકમથી આસો સુદ નોમ સુધી નવરાત્રિ પર્વની ઉજવણી કરવામાં આવે છે. સતત નવ-નવ દિવસ સુધી ગરબે ઘૂમી ર્માં નવદુર્ગાની આરાધના કર્યા બાદ આસો સુદ દશમના દિવસે દેશભરમાં ભક્તિભાવ અને હર્ષોલ્લાસ સાથે દશેરાના પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે.
રાજકોટમાં વિશ્ર્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ સહિતની સંસ્થાઓ દ્વારા આજે રેસકોર્ષ મેદાન ખાતે ગુજરાતના સૌથી વિશાળ 64 ફૂટની ઉંચાઇ ધરાવતા રાવણના પુતળાનું અને 30-30 ફૂટની ઉંચાઇ ધરાવતા મેઘનાદ અને કુંભકર્ણના પુતળાનું દહન કરવામાં આવશે. ફટાકડા ફોડી આતશબાજી કરવામાં આવશે. પ્રથમ વખત લેસર-શો પણ યોજાશે. જેમાં ભગવાન રામના જન્મ તેઓને મળેલી બાણ વિદ્યા સહિતની વિવિધ 14 પ્રકારની વિદ્યા, 14 વર્ષનો વનવાસ અને સિતાહરણ સહિતના કિસ્સાઓનું વર્ણન કરવામાં આવશે.
જૂનાગઢ અને જામનગર ખાતે પણ રાવણ દહન સહિતના વિવિધ કાર્યક્રમો યોજાશે. આજે રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં ક્ષત્રિય સમાજ અને પોલીસ વિભાગ દ્વારા પરંપરાગત શસ્ત્રપુજન કરવામાં આવ્યું હતું. વિજયા દશમીએ શૌર્ય અને વિરત્વનું પર્વ છે. તેથી આજે શસ્ત્ર પુજન કરવામાં આવે છે. વિજયા દશમીના દિવસે ફરસાણ અને મીઠાઇ ખાવાનું અનેરૂ મહત્વ રહેલું છે. આજે સૌરાષ્ટ્રવાસીઓએ ફાંફડા ગાંઠીયા, વણેલા ગાંઠીયા સહિતના વિવિધ પ્રકારના ફરસાણ અને જલેબી-સાટ્ા સહિતની વિવિધ મીઠાઇઓ આરોગીને આજે વિજયા દશમીની ઉજવણી કરી હતી. આજે ગરબી મંડળના આયોજકો દ્વારા હોમ-હવન સાથે માતાજીને વિદાય આપવામાં આવી હતી. ગરબી મંડળની બાળાઓને લ્હાણીનું વિતરણ કરવામાં આવ્યું હતું.
ગુજરાતવાસીઓને વિજયાદશમીના પર્વની શુભેચ્છા આપતા મુખ્યમંત્રી
આજે દેશભરમાં ભારે હર્ષોલ્લાસ સાથે વિજયાદશમીના શોર્ય પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ગુજરાતની સાડા છ કરોડની જનતાને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે વિજયાદશમીના પર્વની હાર્દિક શુભકામના પાઠવી હતી. જયારે રાજય સરકારના ગૃહ રાજયમંત્રી હર્ષભાઇ સંઘવી એ આજે સવારે સુરત પોલીસ હેડ કવાર્ટર ખાતે પરંપરાગત શસ્ત્ર પુજન કયુૃ હતું. મુખ્યમંત્રીએ વિજયાદશમીનું આ પર્વ સદભાવના-સમરસતા સૌહાર્દ, આપસી પ્રેમ તથા બંધુતા અને સૌના સાથ સૌના વિકાસની નેમ પાર પાડનારૂં પર્વ બને તેવી અપેક્ષા પણ વ્યકત કરી છે.