સ્માર્ટ ઘર હેઠળ નિર્માણ પામેલા ૨૧૭૬ આવાસ, વાવડીની ડ્રેનેજ પ્રોજેકટ, માધાપરથી માલિયાસણ સુધી એલઈડી લાઈટીંગ,મોટામવામાં નિર્માણ પામનાર ૧૯૨ આવાસ અને રૈયામાં નિર્માણ પામનાર ૧૨૮ આવાસોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરવામાં આવશે
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં હસ્તે આગામી વિજયા દશમીનાં દિવસે રાજકોટમાં કોર્પોરેશન તથા રૂડાનાં રૂ.૨૨૩.૬૨ કરોડનાં વિવિધ પ્રોજેકટનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરવામાં આવશે.
આ અંગે વધુ માહિતી આપતા મેયર બીનાબેન આચાર્ય, સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેન ઉદયભાઈ કાનગડ, મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ, બાંધકામ સમિતિનાં ચેરમેન મનિષભાઈ રાડીયા, હાઉસીંગ કમિટીનાં ચેરમેન જયાબેન ડાંગરે જણાવ્યું હતું કે, આગામી ૮મી ઓકટોબર એટલે કે વિજયા દશમીનાં દિવસે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી રાજકોટ આવી રહ્યા છે. તેઓનાં હસ્તે કોર્પોરેશન અને રૂડાનાં વિવિધ પ્રોજેકટનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત યોજવામાં આવશે. સવારે ૧૦ કલાકે સંયુકત ડાયર્સ કાર્યક્રમ સ્પીડવેલ પાર્ટી પ્લોટની બાજુમાં, પેન્ટાગોન એપાર્ટમેન્ટ સામે યોજાશે જેમાં મુખ્યમંત્રી મહાપાલિકાનાં વોર્ડ નં.૧૧માં મવડી ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના, સ્માર્ટ ઘર-૧,૨,૩ હેઠળ રૂ.૧૬૨.૧૮ કરોડનાં ખર્ચે નિર્માણ પામેલા ૧૧૭૬ આવાસોનું લોકાર્પણ કરશે. જયારે રૂડા દ્વારા વાવડી વિસ્તારમાં રૂ.૧૨.૬૨ કરોડનાં ખર્ચે ભુગર્ભ ગટરનું કામ કરવામાં આવ્યું છે જેનું લોકાર્પણ કરવામાં આવશે. જયારે માધાપર ચોકથી માલિયાસણ ચોક સુધી રૂ.૪.૧૦ કરોડનાં ખર્ચે ફીટ કરવામાં આવેલી સેન્ટ્રલ એલઈડી લાઈટીંગનું લોકાર્પણ કરાશે. જયારે મોટામવા ટીપી સ્કીમ નં.૯માં રૂ.૪.૧૦ કરોડનાં ખર્ચે નિર્માણ પામનાર એમઆઈજી લાભાર્થીઓનાં ૧૯૨ આવાસો અને રૈયા ટીપી સ્કીમ નં.૧માં રૂ.૪૪.૭૫ કરોડનાં ખર્ચે ઈડબલ્યુએસ-૨ પ્રકારનાં લાભાર્થીઓ માટેનાં ૧૨૮ આવાસોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે.
આ પ્રસંગે સાંસદ મોહનભાઈ કુંડારીયા, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડનાં ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, મહિલા મોરચાનાં પ્રભારી અંજલીબેન રૂપાણી, પૂર્વ પ્રમુખ ભીખાભાઈ વસોયા, પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, ડે.મેયર અશ્ર્વિનભાઈ મોલીયા, પૂર્વ મેયર જૈમનભાઈ ઉપાધ્યાય, શહેર ભાજપ મહામંત્રી દેવાંગ માંકડ, કિશોર રાઠોડ, જીતુભાઈ કોઠારી, શાસક પક્ષનાં નેતા દલસુખભાઈ જાગાણી, પૂર્વ નેતા રાજુભાઈ બોરીચા, વિપક્ષી નેતા વશરામભાઈ સાગઠીયા તથા દંડક અજયભાઈ પરમાર ઉપસ્થિત રહેશે.