અમદાવાદ મહાપાલિકાના 48 વોર્ડના 192 ઉમેદવાર, સુરત મહાપાલિકાના 30 વોર્ડના 120 પૈકી 119 ઉમેદવાર, વડોદરા મહાપાલિકાના 19 વોર્ડના 76 ઉમેદવાર, રાજકોટ મહાપાલિકાના 18 વોર્ડના 72 ઉમેદવાર, જામનગર મહાપાલિકાના 16 વોર્ડના 64 ઉમેદવાર અને ભાવનગર મહાપાલિકાના 13 વોર્ડના 52 ઉમેદવારોએ શુભ વિજય મુહૂર્તે ઉમેદવારી ફોર્મ ભરતા ઈતિહાસ રચાયો

રાજકોટ સહિત રાજ્યની છ મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી આગામી 21મી ફેબ્રુઆરીના રોજ યોજાનાર છે. તમામ મહાપાલિકાઓમાં ફરી કેસરીયો લહેરાવા માટે ભાજપ એડીચોટીનું જોર લગાવી રહ્યું છે. ગુજરાત ભાજપના ઈતિહાસમાં પ્રથમવાર તમામ મહાપાલિકાઓ માટે ઉમેદવારોના નામની ઘોષણા ગઈકાલે એક જ દિવસમાં એકી સાથે કરી દેવાયા બાદ આજે વધુ એક ઈતિહાસ રચાયો છે. જેમાં અડીખમ વિજય વિશ્ર્વાસ સાથે રાજ્યની છ મહાનગરપાલિકાના 144 વોર્ડની 576 પૈકી 575 બેઠકો માટે ભાજપના ઉમેદવારોએ બપોરે 12 કલાક અને 39 મિનિટના શુભ વિજય મુહૂર્તે નામાંકન ફાઈલ કર્યા હતા. જ્યારે જૂનાગઢ મહાપાલિકાની 2 બેઠકો માટેની પેટા ચૂંટણી માટે પણ ભાજપના ઉમેદવારોએ આજે ઉમેદવારી પત્ર ભર્યા હતા.

ભાજપમાં હંમેશા ઉમેદવારોની પસંદગી લોકશાહી પ્રક્રિયાને અનુસરીને કરવામાં આવે છે. ઉમેદવારો ફાઈનલ કર્યા પૂર્વે વોર્ડવાઈઝ તમામ કાર્યકરને સાંભળવામાં આવે છે અને અપેક્ષીતોની દાવેદારી પણ સ્વીકારવામાં આવે છે. છ મહાપાલિકા માટે અગાઉ સેન્સ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ગત સોમવારથી સતત ત્રણ દિવસ સુધી પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક ચાલી હતી જે બુધવારે પૂર્ણ થયા બાદ ભાજપ દ્વારા ગઈકાલે બપોર બાદ તબક્કાવાર તમામ છ મહાપાલિકા માટે ઉમેદવારોના નામની સત્તાવાર ઘોષણા કરી દેવામાં આવી હતી. સૌપ્રથમ રાજકોટ પછી જામનગર માટે ત્યારબાદ ભાવનગર, વડોદરા, સુરત અને છેલ્લે અમદાવાદ મહાપાલિકા માટે ઉમેદવારોના નામની ઘોષણા કરી દેવામાં આવી હતી. પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે ‘અબતક’ સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, ભાજપમાં પ્રથમવાર તમામ મહાપાલિકાઓ માટે ઉમેદવારોના નામની ઘોષણા એક દિવસમાં કરવામાં આવી હોય તેવી ઘટના ગઈકાલે બની છે. બીજુ કે, આજે તમામ છ મહાપાલિકાઓના 144 વોર્ડ માટે જાહેર કરવામાં આવેલા ભાજપના 575 ઉમેદવારોએ બપોરે શુભ વિજય મુહૂર્તે એકી સાથે ઉમેદવારી ફોર્મ ભર્યા હતા જે પણ એક ઐતિહાસિક ઘટના છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ઉમેદવારોની પસંદગી માટે ભાજપે જે નીતિ-નિયમો નક્કી કર્યા હતા તે કાર્યકરોએ સહર્ષ સ્વીકારી લીધા છે.

તમામ મહાપાલિકામાં હાલ ખુબ જ સારૂ વાતાવરણ છે. ક્યાંય અસંતોષ જેવું જણાતું નથી. જેઓ કોઈ કારણોસર ટિકિટથી વંચિત રહ્યાં છે તેઓ પણ કમળ ખીલવવા માટે આજથી જ કામે લાગી ગયા છે. આજે બપોરે શુભ વિજય મુહૂર્તે અમદાવાદ મહાપાલિકાના 48 વોર્ડ માટે 192 ઉમેદવાર, સુરત મહાનગરપાલિકાના 30 વોર્ડ માટે 120 બેઠકો પૈકી વોર્ડ નં.11માં એક ઉમેદવારનું નામ જાહેર કરવાનું બાકી છે, 119 બેઠકો માટે આજે, વડોદરા મહાપાલિકાના 19 વોર્ડ માટે 76 ઉમેદવાર, રાજકોટ મહાપાલિકાના 18 વોર્ડ માટે 72 ઉમેદવાર, જામનગર મહાપાલિકાના 16 વોર્ડ માટે 64 ઉમેદવાર અને ભાવનગર મહાનગરપાલિકાના 13 વોર્ડ માટે 52 ઉમેદવારોએ એકી સાથે ઉમેદવારી પત્ર રજૂ કર્યા હતા. જ્યારે જૂનાગઢ મહાપાલિકાના જે બે વોર્ડ માટે પેટા ચૂંટણી યોજાવાની છે તેના ઉમેદવારોએ પણ નામાંકન ફાઈલ કર્યા હતા.

Screenshot 2 2

સુરત મહાપાલિકાના 30 વોર્ડ પૈકી વોર્ડ નં. 11ના 1 ઉમેદવારનું નામ જાહેર કરવાનું બાકી છે બાકીની તમામ 6 મહાપાલિકાઓના 144 વોર્ડની 576 બેઠકો પૈકી 575 ઉમેદવારના નામની ઘોષણા ગઈકાલે કરાયા બાદ આજે ફોર્મ પણ ભરી દેવામાં આવ્યા છે. આગામી રવિવારથી ભાજપ નગરપાલિકા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ઉમેદાવોર નક્કી કરવા માટે પાર્લામેન્ટરી બોર્ડ બેઠકનો ધમધમાટ શરૂી કરી દેશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.