તમામ વર્ગને આવરી લેતુ મનમોહક બજેટ: રાજયનાં ઈતિહાસમાં પ્રથમવાર વાર્ષિક યોજના વિનાનું બજેટ રજૂ કરાયું..

બજેટમાં વિધાનસભાની ચુંટણી જ કેન્દ્ર સ્થાને: લોકો પર નવો કરબોજ નહીં..

ચાલુ વર્ષના અંતે ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. ત્યારે આજે નાયબ મુખ્યમંત્રી તથા નાણામંત્રી નિતીનભાઈ પટેલે વિધાનસભાગૃહમાં વર્ષ ૨૦૧૭-૨૦૧૮નું ચૂંટણીલક્ષી ફુલ ગુલાબી બજેટ રજુ કર્યું હતું. તમામ વર્ગના લોકોને ખુશ કરવા માટેનો પ્રયાસ બજેટમાં કરવામાં આવ્યો છે. રાજયનાં ઈતિહાસમાં પ્રથમવાર વાર્ષિક યોજના વગરનું બજેટ રજુ કરવામાં આવ્યું છે. બજેટ દરમિયાન વિરોધપક્ષ કોગ્રેસે અનેકવાર ગૃહમાં હંગામો મચાવ્યો હતો. મતદારોને ફરી એકવાર ભાજપ તરફ આકર્ષવા માટે રાહતોનો વરસાદ કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીના હોમટાઉન રાજકોટ માટે બજેટમાં ખાસ જાહેરાતો કરવામાં આવી છે. ભાજપના નેતાઓએ બજેટને વિકાસલક્ષી ગણાવ્યું હતું. બીજી તરફ કોંગ્રેસે રાબેતા મુજબ બજેટને આંકડાઓની માયાજાળ અને સંપુર્ણપણે ચૂંટણીલક્ષી ગણાવ્યું હતું.

ગુજરાત વિધાનસભા ગૃહમાં આજે નાણામંત્રી નીતિન પટેલ, રાજ્ય સરકારનું વર્ષ ૨૦૧૭-૧૮ માટેનું બજેટ રજૂ કર્યું હતું. વર્તમાન રાજ્ય સરકારનું આ છેલ્લું અને મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વ હેઠળની સરકારનું આ પ્રથમ બજેટ છે. ગત વર્ષે સરકારના બજેટનું કુલ કદ રૂપિયા ૧,૫૧,૮૫૨ કરોડનું હતું. જે આ વખતે અંદાજ ૧.૬૫ લાખ કરોડનું રહે તેવી સંભાવના છે. ડિસેમ્બર-૨૦૧૭માં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા મતદારોને આકર્ષવા માટે ચૂંટણીલક્ષી બજેટ જાહેર કરી છે. જોકે, બીજીબાજુ વૈશ્વિક મંદી અને નોટબંધીની વિપરીત અસરના ભાગરુપે રાજ્ય સરકારની વેરા સહિતના વિવિધ આવકોમાં મોટો ઘટાડો થવાના કારણે તેની અસર સરકારના બજેટમાં પણ જોવા મળી હતી.

ચાલુ નાણાકીય વર્ષના બજેટમાં ૧,૧૬,૩૬૬ કરોડની મહેસૂલી આવકો અંદાજવામાં આવી છે. એમાં ૭૧,૩૭૦ કરોડની વેરાની આવકો થશે એમ જણાવાયું છે પરંતુ સંજોગો એવા સર્જાયા છે કે, સરકારની આ આવકોના અંદાજ પૂરા થાય તેવી શક્યતા વ્યક્ત કરાય છે.

નોંધનીય બાબત એ છે કે, ગત બજેટમાં ગુજરાત રાજ્યની વાર્ષિક યોજનાનું કુલ કદ રૂપિયા ૮૫,૫૫૮ કરોડ જાહેર કરાયું હતું પરંતુ આ વખતે નીતિ આયોગે વાર્ષિક યોજના અને પંચવર્ષીય યોજનાનો જ એકડો કાઢી નાંખતા ગુજરાતના ઈતિહાસમાં પ્રથમવાર વાર્ષિક યોજના વગર જ બજેટ રજૂ કરાઇ છે. આ વખતે બજેટમાં બીજો મહત્વનો સુધારો એ થવાનો છે કે, અગાઉના બજેટોમાં જે પ્લાન-નોન પ્લાન (આયોજન-બિન આયોજન) ખર્ચ કે બજેટના અંદાજો રજૂ કરાતા હતા પરંતુ આ વખતે પ્રથમવાર આયોજન-બિન આયોજન ખર્ચ કે બજેટને બદલે માત્ર આયોજન હેઠળની જ વિગતો બજેટમાં દર્શાવવામાં આવી છે. જેના કારણે અગાઉના બજેટમાં બિન આયોજન બજેટ કે ખર્ચની કોઈ જ ગણના કરાતી ન હતી.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.