ગુજરાતમાં થયેલી પરિસ્થિતીને ધ્યાનમાં રાખી પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઇ મોદીએ ગુજરાતમાં અતિવૃષ્‍ટિગ્રસ્‍ત વિસ્‍તારો માટે ભારત સરકાર તરફથી ગુજરાત ડિઝાસ્‍ટર રીલીફ ફંડ માટે રૂા. 500 કરોડથી વધુ રકમની તાત્‍કાલિક રાહત આપવાની જાહેરાત કરી છે. વિગતવાર સર્વે પછી જેટલી રકમની આવશ્યકતા હશે તેને ભારત સરકાર તત્‍કાલ પરિપૂર્ણ કરશે. ગુજરાતની પ્રજા પર અને ગુજરાત સરકારની ક્ષમતા પર પૂરો ભરોસો છે. ગુજરાતના લોકો આપત્તિઓનો સામનો કરીને આગળ વધવાનું સારી રીતે જાણે છે. ગુજરાત પર આવી પડેલી આ કુદરતી આપત્તિનો સામનો કરીને તેને અવસરમાં પલટીને ગુજરાતની પ્રજા પ્રગતિ કરશે. પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ અતિવૃષ્‍ટિને કારણે મૃત્‍યુ થયું હોય તેવા કિસ્‍સામાં રાજ્ય સરકાર તરફથી જે સહાય મળે તે ઉપરાંત પ્રધાનમંત્રી રાહત ફંડમાંથી વધુ રૂા. 2 લાખની સહાય આપવાની જાહેરાત કરી હતી. અતિવૃષ્‍ટિ-પૂરમાં ઇજાગ્રસ્‍તોને રાજ્ય સરકારની સહાય ઉપરાંત પ્રધાનમંત્રી રાહત ફંડમાંથી વધુ રૂા. 50 હજારની સહાય અપાશે. આવતી કાલથી અસરગ્રસ્‍ત વિસ્‍તારોમાં રાહત બચાવ કામગીરી વધુ તેજ ગતિએ હાથ ધરાશે. આવતી કાલથી ભારતીય વાયુ સેનાના વધુ 10 હેલિકોપ્‍ટર્સ બચાવ કામગીરીમાં જોડાશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.