વિજયભાઈ રૂપાણીના નિવાસસ્થાને વિશેષ પૂજા: જૈનમુનિએ આપ્યા જીતના આશિર્વાદ
આજીડેમે નર્મદાના નીરના વધામણા કર્યા બાદ બપોરે ૧૨:૩૯ કલાકના શુભ વિજય મુહૂર્તે ઉમેદવારી ફોર્મ ભર્યું
ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આજે વિજય વિશ્ર્વાસ સાથે ૬૯ રાજકોટ પશ્ર્ચિમ વિધાનસભા બેઠક માટે બપોરે ૧૨ કલાક અને ૩૯ મિનિટના શુભ વિજય મુહૂર્તે ભાજપના ઉમેદવાર તરીકે પોતાનું ઉમેદવારી ફોર્મ રજુ કર્યું હતું. પોતાના નિવાસ સ્થાને વિશેષ પૂજા કરી જૈન મુનિઓના આશીર્વાદ લીધા હતા અને શહેરના અલગ-અલગ મંદિરોમાં શીશ ઝુકાવ્યું હતું. આજીડેમ ખાતે મા નર્મદાના નીરના વધામણા કર્યા બાદ નામાંકન પત્ર દાખલ કર્યું હતું. આ તકે યોજાયેલી જાહેરસભામાં જાણે વિજયોત્સવ હોય તેવો અભૂતપૂર્વ માહોલ સર્જાયો હતો.
ગુજરાત વિધાનસભાની ૧૮૨ બેઠકો પૈકી ૮૯ બેઠકો માટે આગામી ૯ ડિસેમ્બરના રોજ મતદાન યોજાવાનું છે. જેના માટે ઉમેદવારી ફોર્મ ભરવાનો આવતીકાલે અંતિમ દિવસ છે. આજે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ૬૯-રાજકોટ પશ્ર્ચિમ વિધાનસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર તરીકે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. આ પૂર્વે વિજયભાઈનો રાજકોટ સ્થિત નિવાસ સ્થાને વિશેષ પૂજા રાખવામાં આવી હતી. જેમાં પૂજા બાદ જૈન મુનિઓએ તેઓને જીતના આશીર્વાદ આપ્યા હતા. ઉમેદવારી ફોર્મ ભરતા પૂર્વે વિજયભાઈ રૂપાણીએ શહેરના અલગ-અલગ મંદિરોમાં ખાસ પૂજા-અર્ચના કરી ભગવાનના આશીર્વાદ લીધા હતા. રાજકોટની વર્ષો જુની પાણીની સમસ્યા હલ કરવા માટે શહેરના આજીડેમને નર્મદાના નીરથી ભરી દેવા માટે સૌની યોજના અંતર્ગત પાઈપલાઈન બિછાવી છે. આ તેઓનો સૌથી મહત્વકાંક્ષી પ્રોજેકટ હોય ઉમેદવારી ફોર્મ ભરતા પૂર્વે તેઓએ આજીડેમ ખાતે મા નર્મદાના નીરના પણ વધામણા કર્યા હતા અને ખાસ પૂજન-અર્ચન કર્યું હતું.
બહુમાળી ભવન ચોક સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વંદના કરી હતી. ગુજરાતના ચૂંટણી ઈન્ચાર્જ અને કેન્દ્રીય નાણામંત્રી અરૂણ જેટલી આજે રાજકોટના મહેમાન બન્યા છે. તેઓની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રીએ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. આ પૂર્વે યોજાયેલી એક જાહેરસભામાં જાણે કે વિજયભાઈ રૂપાણીનો ભવ્ય વિજય થયો હોય તેવો માહોલ જોવા મળ્યો હતો. ઉમેદવારી ફોર્મ ભરતી વેળાએ માનવમેદની ઉમટી પડી હતી. કયાંય પગ મૂકવાની પણ જગ્યા ન હતી. સરદાર પટેલની પ્રતિમા આસપાસ અલૌકિક શણગાર કરવામાં આવ્યો હતો. સવારે ૧૦:૩૦ કલાકથી જ કાર્યક્રમોનો આરંભ થઈ ગયો હતો. જેમાં લાઈવ ઓરકેસ્ટ્રા અને સ્ટેજ પરથી લાઈવ કાર્યક્રમોએ ભારે રંગત જમાવી હતી.
અંજલીબેન રૂપાણી, નીતિનભાઈ ભારદ્વાજ, ધનસુખભાઈ ભંડેરી અને કમલેશભાઈ મિરાણીના નેતૃત્વમાં જડબેસલાક આયોજન કરવામાં આવ્યું હતું. સરદાર સાહેબની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરી જાહેરસભાને સંબોધયા બાદ મુખ્યમંત્રી નામાંકન ભરવા માટે સરઘસ સ્વરૂપે રવાના થયા હતા. જેમાં અલગ-અલગ સમુદાયના હજારો લોકો જોડાયા હતા. નાસિકનું ખાસ બેન્ડ મંગાવવામાં આવ્યું હતું. જેના ૭૦ કલાકારોને રાજકોટની જનતાને મનોરંજન પૂરુ પાડયું હતું. તરણેતરના ભાતીગળ મેળો વિશ્ર્વ વિખ્યાત છે. જેની છત્રી આકર્ષણનું કેન્દ્ર બની રહેતું હોય છે. આજે મુખ્યમંત્રી ઉમેદવારી ફોર્મ ભરતી વેળાએ તરણેતરના કલાકારો પરંપરાગત છત્રી સાથે હાજર રહ્યા હતા. રાજકોટના પનોતા પુત્ર વિજયભાઈ રૂપાણી ફરી મુખ્યમંત્રી તરીકે ચુંટી કાઢવા માટે જાણે મતદારોમાં સ્વયંભૂ ઉત્સાહ હોય તેવો અલહાદક માહોલ જોવા મળ્યો હતો.
રાજકોટના વિવિધ સમાજો હંમેશા ભાજપની પડખે ઉભા રહ્યા છે ત્યારે આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં ખુદ મુખ્યમંત્રી રાજકોટ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા હોય વિવિધ સેવાકીય સંગઠનો અને નગરજનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. કાર્યક્રમ સ્થળે સમરસ સમાજનું અભૂતપૂર્વ દ્રશ્ય જોવા મળ્યું હતું. ઠેર-ઠેર વિજયભાઈ રૂપાણીના કુમકુમ તિલક કરી શાહી સ્વાગત પણ કરવામાં આવ્યું હતું. ધાર્મિક સંસ્થાઓના ગુરુઓ, ધર્મગુરુઓ, સંતો-મહંતોએ મુખ્યમંત્રીને વિજયના આશીર્વાદ આપ્યા હતા. મોટી સંખ્યામાં ભૂદેવોએ શાસ્ત્રોક મંત્રોચ્ચાર કરતા વાતાવરણ ખૂબ જ અલૌકિક બની ગયું હતું.
જેના અર્થાત પરીશ્રમથી આજ દેશના ૧૮ રાજયોમાં ભાજપની સરકાર છે તેવા જૂના જનસંઘના વડિલો, મુરબીઓને પણ સમ્માનપૂર્વક કાર્યક્રમમાં સામેલ કરવામાં આવ્યા હતા. જનસંઘ અને મિસાવાસીઓ માટે અલાયદી બેઠક વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી. રાજકોટના તમામ રસ્તાઓ જાણે બહુમાળી ભવન ચોક ખાતે ફંટાઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું હતું. વિધાનસભાની ચૂંટણી ૯મી ડિસેમ્બરે અને મતગણતરી ૧૮મી ડિસેમ્બરે યોજાવાની છે પરંતુ આજે રાજકોટવાસીઓ જે રીતે અભૂતપૂર્વ ઉત્સાહ દાખવ્યો હતો જે જોતા એવું લાગી રહ્યું છે કે જાણે ઉમેદવારી ફોર્મ ભરતાની સાથે જ વિજયભાઈની જાંજરમાન જીત નિશ્ર્ચિત થઈ ગઈ હોય. આખુ રાજકોટ આજે ભગવા રંગમાં રંગાઈ ગયું હતું.