બીસીસીઆઇની પ્રેસ્ટીજીયસ વિજય હઝારે વનડે ક્રિકેટ ટુર્નામેન્ટ 2023-2024નો ફાઇનલ મેચ આવતીકાલે રાજકોટ સ્થિત સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના સ્ટેડિયમ ખાતે રમાશે. કાલે હરિયાણા અને રાજસ્થાન વચ્ચે ટાઇટલ જીતવા માટે જંગ જામશે.
બીજા સેમિ ફાઇનલમાં રાજસ્થાને કર્ણાટકને 6 વિકેટે હરાવ્યું: સુકાની
દિપક હુડાની ધુંવાધાર 180 રન
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનની યજમાનીમાં ગત 9 ડિસેમ્બરથી વિજય હઝારે ટ્રોફી-2023-2024 રમાય રહી છે. બુધવારે રમાયેલા પ્રથમ સેમી ફાઇનલ મેચમાં હરિયાણાની ટીમે તામીલનાડુને 63 રને પરાજય આપી ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. દરમિયાન ગઇકાલે રમાયેલા બીજા સેમિફાઇનલ મેચમાં રાજસ્થાનની ટીમે કર્ણાટકને 6 વિકેટે પરાજય આપી ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ર્ચિત કર્યું હતું.
બીજા સેમી ફાઇનલમાં કર્ણાટકના સુકાનીએ ટોસ જીતી પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય લીધો હતો. નિર્ધારિત 50 ઓવરના અંતે આઠ વિકેટના ભોગે 282 રન બનાવ્યા હતા. અભિનય મનોહરે સૌથી વધુ 91 રન બનાવ્યા હતા. જ્યારે મનોજ ભાંડાજેએ 63 રન બનાવ્યા હતા. 283 રનના લક્ષ્યાંક સાથે મેદાનમાં ઉતરેલી રાજસ્થાનની ટીમે સુકાની દિપક હુડાના આક્રમક 180 રન અને કરન લાંબાના 73 રનની મદદથી માત્ર 43.4 ઓવરમાં જ લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. હુડા અને લાંબા વચ્ચે ચોથી વિકેટ માટે 215 બોલમાં 255 રનની ભાગીદારી નોંધાઇ હતી. દિપક હુડાને મેન ઓફ મેચ જાહેર કરાયો હતો.
આવતીકાલે હરિયાણા અને રાજસ્થાન વચ્ચે વિજય હઝારે વનડે ટુર્નામેન્ટ-2023/2024નો ફાઇનલ મેચ રમાશે. બપોરે 1:30 કલાકે ફાઇનલ મેચનો આરંભ થશે.