પહેલા રૂપાણી પછી ચા-પાણીનું સુત્ર સાર્થક
મહિલાઓમાં જોવા મળ્યો વિશેષ ઉત્સાહ
૬૯-રાજકોટ પશ્ર્ચિમ વિધાનસભા મત વિસ્તારમાંથી ચૂંટણી લડી રહેલા રાજયના લોકપ્રિય મુખ્યમંત્રી અને સંવેદનશીલ સરકારના સુકાની વિજયભાઈ રૂપાણીને જંગી લીડથી જીતાડવા માટે રાજકોટવાસીઓમાં જબરજસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આજે સવારે ૮:૦૦ કલાકે મતદાનનો પ્રારંભ થાય તે પૂર્વે જ મતદારો લાઈનમાં ગોઠવાઈ ગયા હતા. રાજકોટની ૪ બેઠકો પૈકી પશ્ર્ચિમ બેઠકના મતદારોમાં સૌથી વધુ ઉત્સાહ જોવા મળતો હતો. પહેલા રૂપાણી પછી ચા-પાણીનું સુત્ર સાર્થક થતું જોવા મળ્યું હતું. યુવાનો અને વૃદ્ધો કરતા મહિલાઓમાં વિશેષ ઉત્સાહ દેખાતો હતો.
સામાન્ય રીતે શિયાળાની સીઝનમાં જયારે મતદાન હોય છે ત્યારે લોકો વહેલી સવારે મતદાન કરવાનું ટાળતા હોય છે અને ઠંડીના કારણે બપોર બાદ મતદાન માટે નિકળતા હોય છે. ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી અને રાજકોટના લોકલાડીલા નેતા એવા વિજયભાઈ રૂપાણી ૬૯-રાજકોટ પશ્ર્ચિમ વિધાનસભા બેઠક પરથી વિધાનસભાની ચૂંટણી લડી રહ્યા છે. જેમને ગુજરાતની તમામ ૧૮૨ બેઠકો પર સૌથી તોતીંગ લીડથી જીતાડવાનું બીડુ ખુદ રાજકોટ પશ્ર્ચિમના મતદારોએ ઉપાડી લીધું હોય તેવું લાગી રહ્યું છે.
આજે સવારે ૮ કલાકે પ્રથમ તબકકાના મતદાનનો પ્રારંભ થાય તે પૂર્વે જ રાજકોટ પશ્ર્ચિમ વિધાનસભા બેઠકના તમામ મતદાન મથકો પર યુવાનો, મહિલાઓ, વૃદ્ધોની લાંબી લાઈનો જોવા મળી હતી. મતદારોએ ભારે ઉત્સાહ સાથે વિજયભાઈ રૂપાણીની તરફેણમાં મતદાન કર્યું હોવાનું મનાઈ રહ્યું છે. વિવિધ ન્યુઝ ચેનલો દ્વારા લેવામાં આવતા ઈન્ટરવ્યુમાં મતદારોએ ખુલ્લા મને પોતાના દિલની વાત જણાવી દીધી હતી અને કહ્યું હતું કે, રાજકોટના નેતા તરીકે વિજયભાઈ રૂપાણીએ અમારા અનેક કામો કર્યા છે. આજે તેઓનો ઋણ સ્વિકારવાનો સુવર્ણ અવસર આવ્યો છે ત્યારે અમે ચા-પાણી પીધા વિના કે સ્નાન કર્યા વિના પહેલા મતદાન કરવાનો નિર્ણય લીધો છે. રાજયની ૧૮૨ બેઠકો પૈકી રાજકોટ પશ્ર્ચિમ વિધાનસભા બેઠક પરથી લડતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને સૌથી વધુ લીડ મળે તેવો અમારો દ્રઢ નિર્ધાર છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, વિધાનસભાની ૧૮૨ બેઠકો પૈકી ૬૯-રાજકોટ પશ્ર્ચિમ વિધાનસભા બેઠકમાં સૌથી વધુ ૩,૧૪,૦૦૦ મતદારો છે. જયારે સૌથી ઓછા મતદારો કુતિયાણાની બેઠક પર ૧,૯૮,૦૦૦ મતદારો છે. મુખ્યમંત્રીને જીતાડવા માટે મતદારોમાં સ્વયંભૂ પ્રચંડ જુવાળ જોવા મળી રહ્યો છે.