નવી સરકાર બનતા જ રામમંદિર નિર્માણની પૂરજોશમાં તૈયારી કરતું વીએચપી!

રામમંદિર બનાવવાને લઇ આગામી તા. ૧૯-૨૦મીએ હરિદ્વારની બેઠક પહેલાની આજની બેઠક પર દેશની મીટ

તાજેતરમાં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં નરેન્દ્રભાઈ મોદીની આગેવાનીમાં ભાજપે પ્રચંડ જનાદેશ મેળવીને ફરીથી કેન્દ્રમાં સત્તા પ્રાપ્ત કરી છે. જેથી, વિશ્વ હિન્દુ પરિષદે ફરીથી અયોધ્યામાં રામજન્મભૂમિ પર રામમંદિર બનાવવાની તૈયારીઓનો પૂરજોશમાં પ્રારંભ કર્યો છે. જેના ભાગરૂપે વિશ્વ હિન્દુ પરિષદના કેન્દ્રીય આગેવાનોની બેઠક આજે અયોધ્યામાં મળનારી છે. જેમાં અયોધ્યામાં રામમંદિર બનાવવાનું આયોજન બનાવવા ઉપરાંત, ચાલુ માસમાં હરિદ્વારમાં મળનારી માર્ગદર્શક મંડળની બેઠકની તૈયારીઓ અંગેની ચર્ચા વિચારણાઓ કરવામાં આવનારી છે. અયોધ્યાના મણીરામ છાવણી મંદિર ખાતે વિશ્વ હિન્દુ પરિષદના ૧૫૦ જેટલા રાષ્ટ્રીય આગેવાનોની એક બેઠક યોજાનારી છે. રામ જન્મભૂમિ ન્યાસના અધ્યક્ષ મહંત નિત્ય ગોપાલદાસની આગેવાનીમાં યોજાનારી આ બેઠકમાં વિશ્વ હિન્દુ પરિષદના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ચંપતરાય અને રાષ્ટ્રીય સચિવ રાજેન્દ્રસિંહ પંકજ સહિતના રાષ્ટ્રીય આગેવાનો ઉપસ્થિત રહેશે. આ બેઠકમાં અયોધ્યામાં રામ જન્મભૂમિ સ્થાને રામમંદિર બનાવવા માટે નવી મોદી સરકાર પર દબાણ લાવવા મુદે ચર્ચા વિચારણાઓ કરવામાં આવશે આ રાષ્ટ્રીય આગેવાનો સુપ્રીમ કોર્ટ દ્વારા મધ્યસ્થતા દ્વારા આ વિવાદીત કેસના ઉકેલ લવાવાના મુદે પણ ચર્ચા વિચારણા કરનારા હોવાનું જાણવા મળ્યું છે.

વિશ્વ હિન્દુ પરિષદના માર્ગદર્શક મંડળની એક બેઠક આગામી ૧૯ અને ૨૦જૂને હરિદ્વારમાં મળનારી છે તે પહેલા મોદી સરકાર પર દબાણ લાવવા માટે આજની બેઠકમા પૂર્વ આયોજન ઘડી કાઢવામાં આવશે તેમ વિશ્વ હિન્દુ પરિષદના સુત્રોએ જણાવ્યુ હતુ. આ સુત્રોના જણાવ્યા અનુસાર તા.૧૯-૨૦ની બેઠકમાં વિશ્વ હિન્દુ પરિષદમાં અયોધ્યામાં રામમંદિર બનાવવાની તારીખોની જાહેરાત કરવા સહિતના અનેક મોટા નિર્ણયો લઈ શકે છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ શુક્રવારે મણીરામ છાવણી મંદિરની મુલાકાત લેનારા છે.

રામજન્મભૂમિ ન્યાસ સમિતિના અધ્યક્ષ મહંત નિત્ય ગોપાલદાસના ૮૧માં જન્મદિન નિમિતે યોજાયેલા વિવિધ કાર્યક્રમોની પૂર્ણાંહુતિ ૧૫મી જૂને થનારી છે. તે પહેલા યોગી આદિત્યનાથ આ ઉજવણી કાર્યક્રમોમાં ભાગ લેનારા છે. આ કાર્યક્રમના ભાગરૂપે અયોધ્યામાં વિરાટ સંત સંમેલનનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

આ અંગે રામ જન્મભૂમિ ન્યાસ સમિતિના સભ્ય મહંત કમલ નયનદાસે જણાવ્યું હતુકે અયોધ્યામાં રામજન્મભૂમિના માલિકીનો વિવાદ મધ્યસ્થતાથક્ષ ઉકેલવાના સુપ્રીમ કોર્ટનાં ચૂકાદા બાદ પ્રથમ વખત મોટી સંખ્યામાં દેશભરનાં સંતો, મહંતો એકઠા થનારા છે.

જયારે વિશ્વ હિન્દુ પરિષદના પ્રવકતા શરદ શર્માએ જણાવ્યું હતુ કે કેન્દ્રમાં મોદી સરકાર ભાજપની સ્પષ્ટ બહુમતીથી બની છે. જેથી આ વખતે ભાજપ કાયદાના દ્વારા અયોધ્યામાં રામમંદિર બનાવવાનો રસ્તો મોકળો કરશે તેવી સંતો મહંતોને વિશ્વાસ છે. આ બેઠકમાં આગામી દિવસોમાં મોદી સરકાર પણ દબાણ લાવવા શું કરવું? તે અંગે નિર્ણય કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.