સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા દારૂના કટિંગ વેળાએ 4 આરોપીને રૂ.4.36 લાખના દારૂ સાથે ઝડપી પડાયા
પૂર્વ કચ્છના ભચાઉ પાસેના લોધેશ્વર વિસ્તારમાંથી ગત તા.8ની પૂર્વ મધ્ય રાત્રીએ સ્ટેટ મોનીટરિંગ સેલ દ્વારા દારૂની કંટિંગ વેળાએ દરોડો પાડીને રૂ.4.36 લાખના દારૂના જથ્થા સાથે 4 આરોપીને ઝડપી પાડવામાં આવ્યા હતા. ભચાઉના કુખ્યાત બુટલેગર અશોક મામાના દારૂ પર પડેલા વિજિલન્સના દરોડાથી સમગ્ર વાગડ પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી હતી. જેના બાદ ભચાઉ પોલીસના જવાબદાર કર્મીઓ ઉપર કાયદાકીય પગલાં લેવામાં આવવવાની વાત આજે સાચી ઠરી છે. આ મામલે ભચાઉના પીઆઇ કરંગીયા સહિત 6 પોલીસ કર્મચારીને પૂર્વ કચ્છ એસપી મહેન્દ્ર ભગડીયાએ સસ્પેન્ડ કરી દીધા છે.
આ વિશે પૂર્વ કચ્છ એસપી ભગડીયા સાથે વાત કરતા તેમણે સસ્પેન્ડસન્સ મામલે સમર્થન આપ્યું હતું અને આ પગલું તાજેતરમાં ભચાઉ નજીક પડેલા વિજિલન્સના દારૂના દરોડા સંદર્ભે લેવાયું હોવાનું કહ્યું હતું. દરમ્યાન ભચાઉ ડીવાયએસપી ઝાલાએ વિગતો આપતા જણાવ્યું હતું કે લોધેશ્વર વિસ્તારમાં પડેલા દારૂના દરોડા મામલે જવાબદારીમાં આવતા ભચાઉના પીઆઇ. એસ. એન કરંગીયા, ડી સ્ટાફના હેડ કોન્સ્ટેબલ વિશ્વજીતસિંહ ગોહિલ, સુરેશ રામ પીઠીયા, કોન્સ્ટેબલ અરવિંદ સિંહ સતુભા જાડેજા, અશોક પ્રહલાદ ઠાકોર અને અશોક ખીમજી ચૌહાણને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે વાગડ વિસ્તારમાં નિરંકુશ બનેલી દારૂની બદીને ડામવા સુરક્ષા વિભાવ દ્વારા પડેલા દરોડા બાદ જવાબદાર પોલીસ કર્મીઓ પર થયેલી સસ્પેસનની કામગીરી યોગ્ય પુરવાર થશે.