દેશમાં ભ્રષ્ટાચારી નીતિ-રીતિ અને પ્રવૃતિઓ પર ચોક્કસાઈભરી બાજ નજર રાખતી કેન્દ્રીય સંસ્થા વિજીલન્સ કમિશનના કમિશનર તરીકે ફરજ બજાવી રહેલા સુરેશ એન.પટેલની સેન્ટ્રલ વિજીલન્સ કમિશનર તરીકે નિમણૂંક કરવામાં આવી છે તેમ કેન્દ્રના પરસોનેલ વિભાગના એક જાહેરનામા દ્વારા જાણવા મળ્યું છે. રાષ્ટ્રપતિએ સીવીસી તરીકે સુરેશ પટેલની નિયુક્તિને લીલીઝંડી આપી દીધી છે. વર્તમાન સીવીસી સંજય કોઠારીની મુદત પુરી થયા બાદ રાષ્ટ્રપતિએ નવા સીવીસી તરીકે સુરેશ પટેલની નિમણૂંકને બહાલી આપી દીધી છે.
સુરેશ પટેલ 24 જૂનથી વિજીલન્સ કમિશનના કમિશનર તરીકે હોદ્દો ગ્રહણ કરશે. મુદત પુરી થયા સુધી તેઓ કાર્યરત રહેશે. સંજય કોઠારી ગયા વર્ષે એપ્રીલમાં કમિશનમાં જોડાયા હતા. વિજીલન્સ કમિશનનું નેતૃત્વ એક મુખ્ય કમિશનર અને બે કમિશનર કરતા હોય છે. હજુ એક મિશનરની જગ્યા ખાલી છે. પર્સોનેલ વિભાગે ખાલી જગ્યા માટે યોગ્ય ઉમેદવારો પાસેથી અરજીઓ પણ મંગાવી છે.
સીવીસી એ દેશની વોચડોગ સંસ્થા છે જે વહીવટ અને અને નાણાકીય વ્યવહારોમાં ગેરરીતિ કે ભ્રષ્ટાચાર પર બારીક નજર રાખે છે અને પ્રમાણીક તેમજ પારદર્શક લેવડ-દેવડ થાય તથા વહીવટ થાય તે સુનિશ્ર્ચિત કરવાની ફરજ વિજીલન્સ કમિશન બજાવે છે. સુરેશ પટેલ ખુબજ કાબેલ અને અભ્યાસુ અધિકારી તરીકેની વિખ્યાતિ ધરાવે છે. તેમની નિમણૂંકથી કમિશનની કામગીરી વધુ નિખરી ઉઠશે એવું માનવામાં આવે છે.