સેવા, સંસ્કાર, શિસ્ત અને સમર્પણ એ શિશુ મંદિરનાં અલંકારો : અપૂર્વમુની સ્વામી
મેઘાવી છાત્ર સમ્માન સમારોહ વિદ્યાર્થી પ્રતિભા અને દેશનાં ભાવીને પ્રોત્સાહિત કરવાની પરંપરાની શરૂઆત : અપૂર્વભાઈ મણીઆર
વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ દ્વારા વિદ્યાભારતી સંલગ્ન વિદ્યાલયો અને તેમના મેઘાવી છાત્રોનો સન્માન સમારોહ કાર્યક્રમ ભારતીય શિક્ષણ સેવા સમિતિ દ્વારા ગત રોજ પ્રમુખસ્વામી ઓડિટોરિયમ રૈયા રોડ ખાતે સરસ્વતી વિદ્યામંદિર સંકુલ રાજકોટનાં યજમાન પદ હેઠળ યોજાઈ ગયો. આ કાર્યક્રમમાં સંસ્થાનાં ચેરમેન અપૂર્વભાઈ મણીઆરે મંચસ્થ મહાનુભાવો અને ઉપસ્થિત સૌ મહેમાનોનું સ્વાગત કરતા જણાવ્યું હતું કે, ગુજરાત પ્રદેશ કક્ષાએ વિદ્યાભારતી સંલગ્ન વિદ્યાલયો અને તેમના છાત્ર સન્માનનો કાર્યક્રમ રાજકોટ સરસ્વતી વિદ્યામંદિર સંકુલના યજમાનપદે સૌ પ્રથમવાર યોજાઈ રહેલ છે. વિદ્યાભારતી સંસ્થા ગુણવત્તાસભર અને મૂલ્યનિષ્ઠ શિક્ષણની સાથે ભારતીય સંસ્કૃતિ જતન અને રાષ્ટ્રને કર્તવ્યનિષ્ઠ નાગરિકો સમર્પિત કરવામાં અગ્રેસર છે. સરસ્વતી શિશુમંદિરોમાં બાળકોના સર્વાંગી વિકાસ પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરી તેમની આંતરિક અને બાહ્ય શક્તિને પ્રોત્સાહિત પણ કરવામાં આવે છે.
મેઘાવી છાત્ર સમ્માન સમારોહ વિદ્યાર્થી પ્રતિભા અને દેશનાં ભાવીને પ્રોત્સાહિત કરવાનું એક માધ્યમ અને પરંપરાની શરૂઆત છે. કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિતિ નોંધાવનાર બીએપીએસ સંત સાધુ અપૂર્વ મુનિદાસએ વિદ્યાભારતીની શૈક્ષણિક પ્રવૃતિને બિરદાવતા અને આશીર્વચન પાઠવતા જણાવ્યું હતું કે, સેવા, સમર્પણ, સંસ્કાર, શિસ્તનો સંગમ એટલે વિદ્યાભારતી સંલંગ સરસ્વતી વિદ્યામંદિરનાં સંકુલો. ગુજરાત પ્રદેશ વિદ્યાભારતી સંસ્થાના મહામંત્રી નીતીનભાઇ પેથાણીએ જણાવ્યું કે, વિદ્યાભારતી શિક્ષણ પ્રશિક્ષણ, સંશોધન સાથે દેશની સંસ્કૃતિનું સંવર્ધન અને સંરક્ષણ કરે છે. જેમનાં દેશમાં ૨૦ હજારથી વધુ શૈક્ષણિક એકમો છે અને ગુજરાતમાં ૭૧૫ જેટલા શૈક્ષણિક એકમો છે.
મેઘાવી છાત્ર અલંકરણ-સન્માન સમારોહના મુખ્ય અધ્યક્ષશ્રી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે, વિદ્યાભારતી સંસ્થા સમગ્ર દેશમાં સંઘના મૂળભૂત વિચારોને અનુસરીને શિક્ષણ ક્ષેત્રે કાર્યરત છે. રાષ્ટ્રને પરમ વૈભવ ઉપર લઇ જવા અલગ-અલગ દિશામાં જે પ્રયત્નો થઈ રહ્યાં છે તેમાની એક પ્રયત્નશીલ સંસ્થા વિદ્યાભારતી છે. અહીં બાળકોને શિક્ષણ સાથે સંસ્કાર, રાષ્ટ્રપ્રેમ, રાષ્ટ્રસેવા અને સામાજિક સમરસતાના પાઠ શીખવવામાં આવે છે. શિક્ષણ વ્યવસ્થામાં માનવતાનો આધાર લઈને સમાજ અને રાષ્ટ્રને ઉપયોગી થવા માટે વ્યક્તિથી સમષ્ટિનાં વિચાર દ્વારા વિદ્યાર્થીઓને શિક્ષણ સાથે સંસ્કાર આપવાનું કાર્ય વિદ્યાભારતી કરે છે.
મેઘાવી છાત્ર અલંકરણ સમારોહમાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ વિદ્યાભારતી વિદ્યાલયના શૈક્ષણિક ક્ષેત્રે શ્રેષ્ઠ પરિણામ મેળવનાર ઉપરાંત તેજસ્વી વિશેષ સિધ્ધી મેળવનાર વિદ્યાર્થીઓ એસ.એસ.સી.૨૦૧૮માં બોર્ડમાં સો ટકા પરિણામ લાવનાર વિદ્યાલયોનું સન્માન કર્યું હતું. કાર્યક્રમનાં અતિથિ વિશેષપદે ઉદ્યોગપતિ જયંતિભાઇ જાકાસણીયા, વિદ્યાભારતી સંસ્થાનાં અગ્રણીશ્રીઓ શ્રી સુભાષ દવે, શ્રી નીતીનભાઇ પેથાણી, ડો. બાબુભાઇ અઘેરા વિગેરે ઉપસ્થિત રહયા હતા.
આ પ્રસંગે સાંસદ મોહનભાઈ કુંડારીયા, ધારાસભ્યો અરવિંદભાઇ રૈયાણી, લાખાભાઇ સાગઠીયા, શ્રીમતી અંજલીબેન રૂપાણી, પ્રદેશ ભાજપ અગ્રણી નીતીનભાઇ ભારદ્વાજ, ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઇ ભંડેરી, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મીરાણી, પ્રદેશ ભાજપ પ્રવક્તા રાજુભાઇ ધ્રુવ, ડો. વલ્લભભાઇ કથીરીયા, પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, ભીખાભાઇ વસોયા, કલેકટર ડો. રાહુલ ગુપ્તા, પોલીસ કમીશ્નરશ્રી મનોજ અગ્રવાલ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુર તથા વિદ્યાર્થીઓ, શિક્ષકગણ સહીત વિવિધ ક્ષેત્રોના મહાનુભાવો ઉપસ્થિત રહયા હતા. કાર્યક્રમના અંતે આભારદર્શનશ્રી દીપકભાઇ રાઠોડે કર્યું હતું.
આ કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટીશ્રી ડો. બળવંતભાઇ જાની, ટ્રસ્ટીઓ પલ્લવીબેન દોશી, રમેશભાઇ ઠાકર, કેતનભાઇ ઠક્કર, અનીલભાઇ કીંગર, હસુભાઇ ખાખી, અક્ષયભાઇ જાદવ, કીર્તીદાબેન જાદવ, રણછોડભાઇ ચાવડા, વ્યવસ્થાપક કમિટિના સભ્યો, પ્રધાનાચાર્ય, આચાર્યગણ, શિક્ષકો વગેરેએ જહેમત ઉઠાવી હતી.