તિરૂપતિ સિરામિકના ૩૦ લાખ શેર ગેરકાયદે રીતે ત્રીજા પત્રને વેચી દીધા હોવાનો વેણુગોપાલ ધુત પર આક્ષેપ
આઈસીઆઈસીઆઈ પાસેથી રૂ.૩૨૫૦ કરોડની લોન લેવા મામલે સીબીઆઈ તપાસનો સામનો કરી રહેલા ધુત વિરુઘ્ધ વધુ એક ફ્રોડ કેસ: દોષી સાબિત થશે તો સાત વર્ષની જેલની સજા
વિડીયોકોન ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન વેણુગોપાલ ધુત વધુ એક મામલામાં ફસાયા છે. આઈસીઆઈસીઆઈ બેંકના પૂર્વ ચીફ ચંદા કોચરના પતિ સાથે ડિલ કરવાના મામલામાં અગાઉથી જ તપાસનો સામનો કરી રહેલા વેણુગોપાલ ધુત વિરુઘ્ધ હવે ફોજદારી ફરિયાદ નોંધાઈ છે. જી, હા દિલ્હી પોલીસની ઈકોનોમિક ઓફેન્સેઝ વિંગે (ઈઓડબલ્યુ) અન્ય એક કોર્પોરેટ ફ્રોડ કેસમાં આઈપીસી ધારા ૪૨૦ અંતર્ગત ચાર્જશીટ દાખલ કરી છે અને જો ધુત દોષીત સાબિત થશે તો તેને ૭ વર્ષની જેલની સજા થઈ શકે છે.
જણાવી દઈએ કે, તિરૂપતિ સિરામિકસ લિમિટેડના સંજય ભંડારીએ દિલ્હી પોલીસના ઈઓડબલ્યુમાં વેણુગોપાલ વિરુઘ્ધ આ ફરિયાદ નોંધાવી છે. ચાર્જશીટમાં ભંડારીએ જણાવ્યું છે કે, વેણુગોપાલ વિરુઘ્ધ આઈપીસી ધારા ૪૨૦ અંતર્ગત જરૂરી તમામ સબુત મારી પાસે છે.
પોલીસ તપાસમાં ખુલ્યું છે કે, ધુતે તીરૂપતિ સિરામિકના ૩૦ લાખ શેર વેચ્યા છે જે અગાઉથી જ એકબીજા વ્યકિતને વેચાયેલા હતા. શેરના આ ગેરકાયદે વેચાણ મામલે ધુતે વિડીયોકોન ઈન્ડસ્ટ્રીઝને લીમીટેડ બોર્ડને પણ અંધારામાં રાખ્યુ હોવાનો પણ ખુલાસો થયો છે.
ઉલ્લેખનીય છે કે, વેણુગોપાલ અને વિડીયોકોન ગ્રુપ પર કરોડો રૂપિયાનું દેવું છે. વિડીયોકોન ગ્રુપને અપાયેલી ૩૨૫૦ કરોડ રૂપિયાની લોનના મામલામાં સીબીઆઈ તપાસ ચલાવી રહી છે અને લોન આપવાના મામલામાં આઈસીઆઈસીઆઈના પૂર્વ ચીફ ચંદાકોચર તેમજ તેના પતિ વિરુઘ્ધ પણ કેસ દાખલ કર્યો છે. અધિકૃત ન હોવા છતાં વેણુગોપાલ ધુતે તિરૂપતિ સિરામિકના શેર અન્યોને વેચ્યા આથી એ સાફ છે કે આઈપીસી ધારા ૪૨૦ હેઠળ ધુત આરોપી છે તેમ સંજય ભંડારીએ દાવો કર્યો છે.