અજાણ્યા વ્યક્તિએ મતદાનની ગુપ્તતાનો ભંગ કરી વીડિયો વાયરલ કરતા ચૂંટણી તંત્ર હરકતમાં
રાજકોટ શહેરની દક્ષિણ બેઠકમાં કોઈ મતદારે કોંગ્રેસને મત આપતા હોય તેવો વિડીયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કરતા ચૂંટણી તંત્ર હરકતમાં આવ્યું છે.
પ્રાપ્ત થતી માહિતી અનુસાર આજરોજ રાજકોટ જિલ્લાની આઠેય વિધાનસભા બેઠકમાં શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન પ્રક્રિયા ચાલી રહી છે. કોઈપણ જાતની અવ્યવસ્થા ન સર્જાય અને કાયદો તેમજ વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર એ સતત સક્રિય રહીને જરૂરી તમામ પગલાંઓ લીધેલા છે. તેમ છતાં જિલ્લામાં ખૂણે ખાચરે નાના નાના બનાવો સામે આવી રહ્યા છે.
જેમાં રાજકોટ શહેરની દક્ષિણ વિધાનસભા બેઠક ઉપરના મતદાન મથકમાં કોઈ અજાણ્યા મતદારે મતદાન કરતી વેળાએ કોંગ્રેસને મત આપતા હોય તેવો વિડીયો મોબાઇલમાં ઉતાર્યો હતો અને બાદમાં તેને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો મતદાન કરતી વેળાએ ફોટો કે વિડિયો ઉતારી શકાય નહીં. કારણ કે મતદાન ગુપ્ત રાખવાનું હોય છે.તેની ગુપ્તતાનો ભંગ એ ગુનો ગણાય છે ઉપરાંત મતદાન મથકમાં મોબાઈલ લઈ જવા ઉપર પણ પ્રતિબંધ છે તેવામાં આ વ્યક્તિ મોબાઇલ લઈને અંદર સુધી પહોંચ્યો તે પણ ગુનો ગણી શકાય છે હાલ આ વિડીયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઈ રહ્યો હોય જિલ્લા ચૂંટણી તંત્ર સક્રિય થયું છે.