મહિલા ખેડૂતે વીડિયોે બનાવી તંત્રને કોલસા ખાણના બ્લાસ્ટીંગ નજરે દેખાડ્યા
સુરેન્દ્રનગરના મૂળીની સીમમાં ગેરકાયદે કોલસાની ખાણ ધમધમતી હોવાનો અને ખાણમાં થતા બ્લાસ્ટિંગના કારણે આસપાસના ખેડૂતોને નુકસાન થતું હોવાનો મહિલા ખેડૂતે આક્ષેપ કર્યો છે. મહિલા ખેડૂતો વીડિયો બનાવી ખાણખનીજ વિભાગની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા છે. જો ગેરકાયદે ખનન બંધ ન થાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.
મહિલા ખેડૂત દ્વારા જે વીડિયો વાઈરલ કરવામાં આવ્યો છે તેમાં કહેવામાં આવ્યું છે કે, પોતાના ખેતરની આસપાસ બેરોકટોક થઈ રહેલા બ્લાસ્ટિંગના કારણે ભૂગર્ભ જળ નીચે જતા રહ્યા છે. જેના કારણે તેઓની ખેતી પર સંકટ ઉભું થયું છે.
મૂળીના ભીટ ગામની સીમમાં થઈ રહેલા બ્લાસ્ટિંગના કારણે એક તરફ ભૂગર્ભ જળ નીચે ગયા હોવાની ફરિયાદ ઉઠી છે. તો બીજી તરફ આસપાસના ખેડૂતોના મકાનની દીવાલોમાં પણ તિરાડો પડી હોવાની વિગતો સામે આવી છે.ખનીજ માફિયાઓ સામે ક્યારે કાર્યવાહી થશે તેવો વેધક સવાલ મહિલાએ કર્યો છે. એક તરફ વન અને જમીનની સાચવણી માટે સરકાર દ્વારા અભિયાન હાથ ધરવામાં આવે છે. પરંતુ બીજી તરફ મુળીના ભીટ ગામમાં જૂદી જ હકીકત જોવા મળી રહી છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાનુ ખાણ ખનીજ વિભાગ આવા ખનીજ માફિયાઓ સામે ક્યારે કાર્યવાહી કરશે ? તે સવાલ છે. જો ખનીજ માફિયાઓ સામે કાર્યવાહી નહી થાય તો ઉપવાસ પર બેસવાની ખેડૂત મહિલાની તૈયારી છે.