નાગરિકોને મતદાન માટે સરળતા રહે તે હેતુ અસરકારક બુથ મેનેજમેન્ટ ઉપર મુકાયો ભાર
રાજ્યમાં વિધાનસભાની સામાન્ય ચૂંટણીની તૈયારી અંગે આજે રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીશ્રી પી. ભારતીના અધ્યક્ષસ્થાને વીડિયો કોન્ફરન્સ યોજવામાં આવી હતી. જેમાં રાજકોટ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અરૂણ મહેશ બાબુએ આઠ વિધાનસભા મત વિસ્તારમાં થતી ચૂંટણીની તૈયારીનો અહેવાલ રજૂ કર્યો હતો.
આ કોન્ફરન્સમાં રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી દ્વારા ખાસ કરીને, મતદારોને મત આપવામાં સરળતા રહે તે માટે અસરકારક બૂથ મેનેજમેન્ટ પ્લાન તૈયાર કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. ઉપરાંત પોસ્ટલ બેલેટની કામગીરી અસરકારક રીતે કરવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. મતદાર યાદી છાપકામ તેમજ વોટર ઇન્ફર્મેશન સ્લીપ મતદારોને સમયસર મળે તે માટે અસરકારક વ્યવસ્થા ગોઠવવા અંગે જણાવાયું હતું. ચૂંટણી કામગીરી માટે સ્ટાફનું દ્વિતીય રેન્ડમાઈઝેશન, અસરકારક ફરિયાદ નિવારણ તંત્ર ગોઠવવા અંગે પણ તેમણે સૌને સૂચન આપ્યા હતા.
મતદાન માટે નાગરિકોને જાગૃત કરવા માટે સ્વીપ એક્ટિવિટીની વિગતો તેમણે જાણી હતી. આ તકે અધિક ચૂંટણી અધિકારીશ્રી એસ. જે. ખાચર ચૂંટણી શાખાના સ્ટાફ સાથે ઉપસ્થિત રહ્યા હતા.